SURAT

વહેલી સવારે ટ્રાફિક પોલીસનું એક્શન હીરાબાગ સર્કલ પર ખાનગી બસો નિશાન પર,ઓનલાઈન દંડથી વાહન ચાલકોમાં ફફડાટ

સુરત શહેરમાં ટ્રાફિક શિસ્ત જાળવવા માટે R1 ટ્રાફિક પોલીસ દ્વારા વહેલી સવારે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના વ્યસ્ત હીરાબાગ સર્કલ વિસ્તારમાં રોંગસાઈટ અવ્યવસ્થિત રીતે ઉભી રહેતી પ્રાઇવેટ બસો અને અન્ય વાહનો સામે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. રોજિંદા ટ્રાફિકને અવરોધ થતો હોવાની અનેક ફરિયાદો બાદ આજે વહેલી સવારે અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું.R1 ટ્રાફિક પોલીસની ટીમોએ હીરાબાગ સર્કલ પાસે રોગસાઇડમાં ઉભી રહેલી પ્રાઇવેટ બસોને ખાસ નિશાન બનાવી. નિયમોનું ઉલ્લંઘન કરતી બસોના નંબર નોંધીને તરત જ ઓનલાઈન દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરી હતી,બસ ચાલકોમાં આ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો હતો.પોલીસ ના જણાવ્યા પ્રમાણે કેટલાક ચાલકો દંડથી બચવા માટે બહાનાં રજૂ કરતા જોવા મળ્યા હતા, પરંતુ પોલીસ અધિકારીઓ કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખ્યા વિના નિયમ મુજબ કાર્યવાહી યથાવત રાખી હતી.

માત્ર પ્રાઇવેટ બસો જ નહીં પરંતુ હીરાબાગ સર્કલ વિસ્તારમાં રોંગસાઈટમાં ઉભા રહેલા અન્ય વાહન ચાલકોને પણ દંડની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. કાર, ઓટોરિક્ષા અને બાઈક સહિતના અનેક વાહનો પર ઓનલાઈન મેમો જનરેટ કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ રોંગસાઈટ પાર્કિંગને કારણે ટ્રાફિક જામ સર્જાય છે અને અકસ્માતનો ભય પણ વધી જાય છે.પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવું તેમની પ્રાથમિકતા છે. આવનારા દિવસોમાં પણ આવા ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.આ કાર્યવાહીથી હીરાબાગ સર્કલ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જાહેર માર્ગો પર વાહનો પાર્ક કરતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. ફરજ પરના અધિકારીઓ સાથે ગેરવર્તન કરવું કાયદેસર રીતે ગંભીર ગુનો ગણાય છે. છતાં, પાર્કિંગ મુદ્દે અવારનવાર વાહનચાલકો અને પોલીસ વચ્ચે રકઝક થતી હોવાના બનાવો ચર્ચાનો વિષય બનતા રહે છે.ઘણી જગ્યાએ યોગ્ય પાર્કિંગ વ્યવસ્થાના અભાવે લોકો પાર્કિંગ માટે સૂચવાયેલા વિસ્તારોમાં પણ વાહનો બિનયમિત રીતે પાર્ક કરીને ચાલ્યા જાય છે. ખાસ કરીને દિવ્યાંગો માટે ફાળવાયેલા પાર્કિંગ સ્થળોમાં દિવ્યાંગ ન હોય તેવા લોકો વાહનો પાર્ક કરી દેતા હોવાની ફરિયાદો સતત મળી રહી છે.આ ઉપરાંત, કેટલાક લોકો જાહેર રોડ પર મોટા વાહનો પાર્ક કરીને માર્ગ અવરોધિત કરી દેતા હોય છે,જેના કારણે અન્ય વાહનચાલકો તેમજ પગપાળા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આવી બેદરકારીને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને અકસ્માતોના જોખમમાં પણ વધારો થઈ રહ્યો છે.હાલ શહેરમાં પાર્કિંગની સમસ્યા ગંભીર બની રહી છે અને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.આ તમામ ઘટનાક્રમ ને ધ્યાને રાખી સુરત પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top