આણંદ : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં રહેતા ખેડૂતો અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લેતા હોય તેઓને 31મી ડિસેમ્બર પહેલા ઇ-કેવાયસી કરાવવા ખેતીવાડી વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે. આ કેવાયસી ન થયું હોય તેવા ખેડૂતોને સહાયનો હપ્તો ન મળે તે અંગે પણ તાકીદ કરવામાં આવી છે. જોકે, આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ઝુંબેશમાં ત્રણ લાખમાંથી 90 હજાર જેટલા ખેડૂતોના ઇ-કેવાયસી બાકી છે. જેઓને નજીકના કેન્દ્ર પર પહોંચી કેવાયસી કરાવવા તાકીદ કરવમાં આવી છે.
આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લો ખેતીપ્રધાન પ્રદેશ છે. આ ત્રણેય જિલ્લામાં આશરે દસેક લાખ ખેડૂત ખાતેદારો હોવાનો અંદાજ છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019થી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજના અમલમાં મૂકવામાં આવી છે. સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વાર્ષિક રૂ. છ હજાર ત્રણ હપ્તાઓ પેટે ખાતેદાર ખેડૂતના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર મારફત જમા કરવામાં આવે છે. ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર તરફથી મળેલી સૂચનાઓ મુજબ આગામી હપ્તાઓનો લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતને “e-KYC” કરાવવું ફરજીયાત છે.
જે મુજબ ઇ-કેવાયસી કરાવવા માટેની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર,22 હોય જે ધ્યાને લઇ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં લાભ લેતા તમામ લાભાર્થીઓને ઇ-કેવાયસી કરાવવા નીચે મુજબ અમલવારી કરવાની રહેશે. ઇ-કેવાયસી થયા સિવાય લાભાર્થી આગામી હપ્તો મેળવી શકાશે નહિ. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિસાગર જિલ્લામાં હજુ થોડા સમય પહેલા જ બોગસ ખેડૂતનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં બિન ખેડૂતને ખેડૂત દર્શાવવામાં આવ્યાં હતાં. ઇ-કેવાયસીના પગલે આવા બોગસ ખેડૂતોની વિગતો બહાર આવશે. જેની સામે તંત્ર દ્વારા પગલાં પણ ભરવામાં આવશે.
ખેડૂતો કેવી રીતે ઇ-કેવાયસી કરાવી શકશે ?
ઇ-કેવાયસી કરાવવા માટે લાભાર્થી ખેડૂતે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈ બાયોમેટ્રિક દ્વારા ઇ-કેવાયસી કરી શકાશે. આ ઉપરાંત અન્ય રીતે પી.એમ.કિસાન યોજનાની વેબસાઈટ https://pmkisan.gov.in પોર્ટર પર Farmer Corner e-KYC માં જઈ લાભાર્થી ખેડૂત OTP મારફત પોતાની જાતે અપડેટ કરી શકશે. જેના માટે લાભાર્થી ખેડૂતના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલ હોવા આવશ્યક છે. ઇ-કેવાયસી કરાવવા માટે લાભાર્થી ખેડૂતે ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેન્કની શાખામાં જઈ બાયોમેટ્રિક દ્વારા ઇ-કેવાયસી કરી શકાશે તેમજ ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેન્કની શાખા આધાર કાર્ડ સાથે ખેડૂતનો મોબાઈલ નંબર પણ લિંક કરી આપશે. વધુ માહિતી માટે તાલુકા પંચાયત તેમજ આપના ગામના તલાટી, ગ્રામ સેવક, વીસીઇનો સંપર્ક કરવા તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, મહિસાગરની યાદી જણાવે છે.