SURAT

સુરત: ડફોળ ભાઈની પરીક્ષા આપવા હોંશિયાર બહેન બેઠી, પકડાઈ જતા કલાસમાં જ રડી પડી

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) મુખ્ય જાહેર પરીક્ષામાં (Exam) પાસ થવા માટે વિદ્યાર્થીઓ કોઈ કસર છોડતા નથી. ભાઇને બીકોમમાં પાસ કરાવવા માટે બહેન ડમી વિદ્યાર્થી (Dummy Student) બની યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં બેસી ગઈ હતી. જેથી યુનિવર્સિટીએ મૂળ વિદ્યાર્થી એટલે કે ભાઇનું આખું જ પરિણામ રદ કરવાની સાથે ત્રણ વર્ષ સુધી પરીક્ષામાં બેસી નહીં શકે તથા એડમિશન (Admission) પણ મેળવી નહીં શકે એવી પણ સજા આપી છે.

  • ઑક્ટોબર-2022માં યુનિવર્સિટીની બીકોમની (B.Com) સેમેસ્ટર ત્રણની પરીક્ષા યોજાઇ હતી તેમાં ગેરરીતિ ઝડપાઈ
  • ભાઇનું આખું જ પરિણામ રદ કરવા સાથે ત્રણ વર્ષ સુધી પરીક્ષામાં બેસી અને પ્રવેશ પણ મેળવી નહીં શકે એવી પણ સજા અપાઈ

ઓક્ટોબર-2022માં યુનિવર્સિટીની બીકોમની (B.Com) સેમેસ્ટર ત્રણની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષા ઓફલાઇન એમસીક્યૂ-ઓએમઆર સિસ્ટમથી લેવાય હતી. દરમિયાના પરીક્ષામાં ફ્લાઇંગ સ્ક્વોડે ઇન્સ્પેક્શન માટે આવી હતી. ત્યારે જ એક વિદ્યાર્થિનીને પરસેવો છૂટવા લાગ્યો હતો. જેથી ફ્લાઇંગ સ્ક્વોડે એ વિદ્યાર્થિની પાસે જઇને તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થિની પાસેની હોલ ટિકિટથી માંડીને તમામ બાબતો ચેક કરતા જણાયું કે તે ડમી છે. જેથી ફ્લાઇંગ સ્ક્વોડે ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટીને મોકલી આપ્યો હતો.

દરમિયાન યુનિવર્સિટીએ ડમી વિદ્યાર્થિનીની પુછપરછ કરતાં તેણીએ જણાવ્યું હતું કે મૂળ વિદ્યાર્થી તેનો ભાઇ છે. જેને પરીક્ષામાં આવડતું ન હોવાથી તે નાપાસ થાય તેમ હતો. જેથી તેને પાસ કરાવવા માટે પરીક્ષા આપવા માટે બેસી ગઈ હતી. આમ, વિદ્યાર્થીઓની આ રજૂઆત સાંભળ્યા બાદ યુનિવર્સિટીએ મૂળ વિદ્યાર્થીનું તમામ વિષયનું પરિણામ રદ કર્યું હતું. એટલું જ નહીં, આગામી ત્રણ વર્ષ સુધી પરીક્ષા બેસી નહીં શકે અને એડમિશન પણ નહીં લઇ શકે એવી સજા આપી છે.

જૂનિયર મિત્રને પાસ કરાવવા સિનિયર બેઠો, બંનેના જ પરિણામ રદ થયા
ગત ઓક્ટોબર મહિનામાં યોજાયેલી યુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર ત્રણની મુખ્ય જાહેર પરીક્ષાથી ડમી વિદ્યાર્થીઓનો કેસ પકડાયો હતો. આ ઘટના એમ હતી કે જૂનિયર મિત્રની મદદ સિનિયર મિત્રએ કરી હતી એટલે કે સેમેસ્ટર ત્રણની પરીક્ષામાં સેમેસ્ટર પાંચનો વિદ્યાર્થી બેસી ગયો હતો. પરંતુ ફ્લાઇંગ સ્ક્વોડે ઇન્સ્પેક્શન સમયે પકડી પાડ્યો હતો. યુનિવર્સિટીએ બંને વિદ્યાર્થીના આખા એટલે કે તમામ વિષયના પરિણામ રદ કરવાની સાથે અગામી ત્રણ વર્ષ સુધી પરીક્ષામાં બેસી નહીં શકે અને એડમિશન પણ મેળવી નહીં શકે, એવી સજા આપી છે.

વિદ્યાર્થી પુરવણી ચોરી ગયો, બીજા દિવસની પરીક્ષામાં તેમાં જવાબ લખી આવ્યો
વિદ્યાર્થીઓની પરીક્ષામાં ચોરી કરવાની પેર્ટન બદલાઇ હોવાનું જણાય આવે છે. વિદ્યાર્થીઓ કાપલી અને માઇક્રો ઝેરોક્ષની જગ્યાએ યુનિવર્સિટીની પુરવણી ચોરીને ઘરે લઇ જવાય છે. ત્યાર બાદ ઘરેથી તેમાં જવાબ લખીને બીજા દિવસની પરીક્ષામાં લઇને આવે છે અને ચોરી કરે છે. આમ યુનિવર્સિટીએ આવા કેસમાં વિદ્યાર્થીઓને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે રૂ. 500નો દંડ કર્યો છે.

Most Popular

To Top