સુરત: પશ્ચિમ રેલવેના (Western Railway) રાજકોટ (Rajkot) ડિવિઝનમાં વગડિયા-દલડી સેક્શનમાં ટ્રેકના ડબલિંગનું કામ કરવાનું હોવાથી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. તેમાં 5 અને 6 જાન્યુઆરીના રોજ વડોદરા-જામનગર તથા જામનગર-વડોદરા એક્સપ્રેસ રદ રહેશે. બાન્દ્રા- જામનગર હમસફર 5-7-9-12 અને 14 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગર સુધી દોડશે. મુંબઈ-હાપા દુરન્તો એક્સપ્રેસ 4 થી 14 જાન્યુઆરી વચ્ચે સુરેન્દ્ર નગર સુધી દોડશે. હાપા-મુંબઈ દુરન્તો એક્સપ્રેસ 5 થી 15 જાન્યુઆરી વચ્ચે સુરેન્દ્રનગરથી ઉપડશે. ભાવનગર-ઓખા એક્સપ્રેસ 4 થી 14 જાન્યુઆરી વચ્ચે સુરેન્દ્રનગર સુધી દોડશે. ઓખા-ભાવનગર એક્સપ્રેસ 5 થી 15 જાન્યુઆરી વચ્ચે સુરેન્દ્રનગરથી રવાના થશે. અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ 5 થી 15 જાન્યુઆરી વચ્ચે સુરેન્દ્રનગર સુધી દોડશે. સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ 5 થી 15 જાન્યુઆરીવચ્ચે સુરેન્દ્રનગરથી રવાના થશે.
અમદાવાદ-મેંગલોર વચ્ચે વન વે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
સુરત: પશ્ચિમ રેલવે પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-મેંગલોર વચ્ચે એક વન વે ટ્રીપ દોડાવશે.
આ ટ્રેન 6 જાન્યુઆરીના રોજ અમદાવાદથી બપોરે 16.00 વાગે રવાના થશે અને બીજા દિવસે એટલે 7 મી જાન્યુઆરીના રોજ સાંજે 18.30 વાગે મેંગલોર પહોંચશે. રસ્તામાં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, ખેડ, ચિપલુન, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, કંકાવલી, સિંધુદુર્ગ, કુડલ, સાવંતવાડી રોડ, થિવિમ, કરમાલી, મડગાંવ, ઉડુપી સહિતના સ્ટેશનો પર થોભશે.
મેયરની વિઝીટ બાદ તંત્રએ હરકત આવી સુરત રેલવે સ્ટેશનની આસપાસના દબાણો હટાવ્યા
સુરત : સુરત રેલવે સ્ટેશનની આસપાસ દબાણો અને રીક્ષા ચાલકોને કારણે ટ્રાફિકની ખુબ સમસ્યા રહે છે. જે અંગે ઘણી ફરીયાદો પણ આવતી હોય, ખુદ મેયર હેમાલી બોઘાવાલા સુરત રેલવે સ્ટેશનની મુલાકાતે ગયા હતા. અને અહી મનપા, રેલવે અને ટ્રાફિકની સંયુક્ત ટીમ બનાવી દબાણો દુર કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. જેને પગલે તુરંત જ બપોરે મનપાની સેન્ટ્રલ ઝોનની દબાણ વિભાગની ટીમ દ્વારા અહીથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
ગઈકાલે મેયર હેમાલી બોઘવાલા દ્વારા સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સ્થળ વિઝીટી કરવામાં આવી હતી. સ્થળ વિઝિટ દરમ્યાન મનપાના અધિકારીઓ, રેલવે વિભાગના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના કર્મીઓ પણ હાજર રહ્યા હતા. અને સદર સ્થળ વિઝિટ દરમ્યાન મેયર ઘ્વારા રેલ્વે સ્ટેશનના એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ પર તથા સર્કલથી આજુબાજુના દબાણ ઊંચકવા તથા સર્કલથી ફરતે રિક્ષાચાલકો ઘ્વારા થતા દબાણ બંધ કરાવવા સુચના આપવામાં આવી હતી. જેને પગલે બપોરે જ સેન્ટ્રલ ઝોન દબાણ વિભાગ દ્વારા સ્ટેશન વિસ્તારની આસપાસ 9 ખુલ્લી લારીઓ, 1 કાઉન્ટર, 33 જેટલા પરચુરણ સામાન જપ્ત કરી રસ્તા પરથી દબાણ દુર કરવામાં આવ્યા હતા. તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા રીક્ષા ચાલકોને સર્કલની લાગુ જગ્યામાં ઊભા નહી રાખી ટ્રાફિકનું સઘન નિયમન કરી, રસ્તો આખો દિવસ ખુલ્લો રાખી ટ્રાફિકનું નિયમન સરળ કરવામાં આવ્યું હતું. આ કામગીરીનું મેયરે બપોરે તેમજ રાત્રે 9 વાગ્યે કામગીરીનું સ્થળ પર જઈ મોનિટરીંગ કરવામાં આવ્યું હતું.