સુરત: સુરત શહેરને (SuratCity) તાજેતરમાં જ નંબર વન ક્લિન સિટીનો (No.1 Clean City Surat) ખિતાબ મળ્યો છે. દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સુરત પ્રથમ ક્રમ હાંસલ કર્યો તે ખરેખર પ્રત્યેક સુરતી માટે ગૌરવની વાત છે. પરંતુ જ્યારે સ્વચ્છ શહેર સુરતમાં ગંદકી જોવા મળે ત્યારે શહેરીજનો દુ:ખની લાગણી અનુભવે છે. વળી, તેમાંય ગંદકી સાફ કરવા મજૂરો કંતાનથી પોતા મારતા જોવા મળે તે તો ખરેખર જ સ્માર્ટ સિટી અને નંબર વન ક્લિન સિટી સુરત માટે શરમજનક વાત છે.
ખરેખર વાત એમ છે કે, આજે તા. 22 માર્ચની સવારે સુરતના ધોરી માર્ગ સમાન અઠવાલાઈન્સના (Athwalines) રોડ પર જ્યાં મેટ્રો રેલની કામગીરી ચાલે છે ત્યાં કીચડ (Mud) થયું હતું. મેટ્રોની (Metro) કામગીરીના લીધે જ રસ્તા પર કીચડ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ કીચડ મેટ્રોના બેરિકેડની બહાર નીકળી રસ્તા પર ફેલાયું હતું. જેના લીધે રસ્તા વધુ સાંકડા થઈ ગયા હતા. સવારે નોકરી-ધંધા પર જતા વાહનચાલકો અને રાહદારીઓને તકલીફ પડી રહી હતી. ચીકણા કીચડના લીધે ટુવ્હીલર સ્લીપ થઈ રહ્યાં હતાં. કેટલાંક વાહનચાલકોને નાનીમોટી ઈજા પણ થઈ હતી.
નવાઈની વાત એ છે કે આ કીચડને દૂર કરવા માટે મજૂરોએ કંતાનથી પોતા માર્યા હતા. તેનાથી તકલીફમાં કોઈ ઘટાડો થઈ રહ્યો નહોતો. લોકો કંતાનથી પોતા મારતા મજૂરોને જોઈને હસી રહ્યાં હતાં. દરમિયાન કોઈકે ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ મેટ્રોના કર્મચારીઓએ કિચડ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. રસ્તા પર કિચડ ફરી વળતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. જેથી ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. જેથી રસ્તા પર ફરી વળેલું કિચડ સાફ થતાં વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.