નવી દિલ્હી: અમેરિકામાં (America) આવેલા બરફવર્ષાએ (SnowFall) લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બરફનું તોફાન આર્કટિક ડીપ ફ્રીઝના (Arctic deep freeze) કારણે આવ્યું છે. તબાહી મચાવનાર આ વાવાઝોડાને (snowstorm) કારણે અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત (Death) થયાના અહેવાલ છે. ત્યારે અમેરિકામાં એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ ભારતીયોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમેરિકાના એરિઝોનામાં એક થીજી ગયેલા તળાવ પર ફરતી વખતે બરફ તૂટવાને કારણે આ તમામ લોકો ઠંડા પાણીમાં પડી ગયા હતા. આ ઘટના 26 ડિસેમ્બરની સાંજે એરિઝોનાના કોકોનિનો કાઉન્ટીમાં વુડ્સ કેન્યોન લેક ખાતે બની હતી.
સ્થાનિક પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહ મળી આવ્યા છે અને તેની ઓળખ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં નારાયણ મુદ્દાના (49) અને ગોકુલ માડેસેતી (47) તેમજ હરિથા મુદ્દાના નામની મહિલાનો સમાવેશ થાય છે. મહિલાની ઉંમર વિશે માહિતી જાહેર કરવામાં આવી નથી. તમામ મૃતકો ચાંડલર, એરિઝોનામાં રોકાયા હતા અને તેઓ ભારતના રહેવાસી હતા.
તમને જણાવી દઈએ કે સોમવારે સમગ્ર અમેરિકામાં 3800થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એટલું જ નહીં બગડતી પરિસ્થિતિને જોતા 70 ટકા જેટલી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી રહી છે. તો સાથે સાથે બફેલોમાં પણ તમામ પ્રકારની પરિવહન સુવિધાઓને અસર થઈ હતી. અહીં ટ્રેન અને હવાઈ મુસાફરી રદ કરવી પડી હતી. ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.
બફેલો સહિતના ઘણા વિસ્તારોમાં જ્યાં ડ્રાઈવિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમેરિકામાં ચારે બાજુ જામી ગયેલી બરફની જાડી ચાદરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અમેરિકાના ટેનેસીમાં સોમવારે એક ધોધની તસવીરો પણ સામે આવી હતી, જે શિયાળા અને હવામાનના હિમવર્ષાના કારણે 90 ટકાથી વધુ થીજી ગઈ હતી. વોટરફોલને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટેલિકો પ્લેન્સમાં આવેલ બાલ્ડ રિવર ફોલ્સ મોટા પ્રમાણમાં બરફથી ઢંકાયેલો જોઈ શકાય છે.
ગાડીઓમાં થીજી ગયેલા મૃતદેહો મળ્યા
અમેરિકામાં કુદરતના આ કહેરથી ચારેબાજુ અરાજકતાનો માહોલ છે. કડકડતી ઠંડીના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી રહી છે. બરફની જાડી ચાદરને કારણે સર્વત્ર જનજીવન થંભી ગયું છે. આવી સ્થિતિમાં એક તરફ જ્યાં લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તો બીજી તરફ બરફથી ઢંકાયેલા વાહનોમાં થીજી ગયેલા મૃતદેહો મળી રહ્યા છે. તોફાનની તબાહીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કાર અને ઘરોમાંથી લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે.
1983 બાદનું 25 ડિસેમ્બરે સૌથી ઓછું તાપમાન
ઉત્તર ભારતમાં આ દિવસોમાં કડકડતી ઠંડી પડી રહી છે. પરંતુ માત્ર ભારતમાં જ નહીં, અમેરિકા અને જાપાનમાં પણ બરફનું તોફાન સતત તબાહી મચાવી રહ્યું છે. અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ સાથે ભારે પવનના કારણે લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ વેધર સર્વિસ અનુસાર, ફ્લોરિડાના મિયામી, ટેમ્પા, ઓર્લાન્ડો અને વેસ્ટ પામ બીચ પર 1983 પછીનું સૌથી ઓછું તાપમાન 25 ડિસેમ્બરે નોંધાયું હતું.
હિમવર્ષાને કારણે 7 લાખ ઘરોમાં વીજળી ગુલ
અમેરિકામાં હિમવર્ષાને કારણે 7 લાખ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે. ઠંડીથી સૌથી વધુ અસર ન્યૂયોર્કમાં બફેલોને થઈ છે. અહીં 43 ઈંચ હિમવર્ષા થઈ છે. જેના કારણે લોકોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બની રહ્યું છે. આટલું જ નહીં પાવર સ્ટેશન પર હિમવર્ષાના કારણે પાવર સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. અહીં ઠંડીના કારણે 10થી વધુ લોકોના મોત થયા છે.
જાપાનમાં પણ ઠંડીનો કહેર
જાપાનમાં 14ના મોત જાપાનમાં પણ તીવ્ર ઠંડીએ વિનાશ વેર્યો છે. જાપાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. 17 ડિસેમ્બરથી ઠંડી સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 87 લોકો ઘાયલ થયા છે. જાપાનના નિગાતામાં 1.2 મીટર સુધી હિમવર્ષા નોંધાઈ હતી. જેના કારણે આ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. લગભગ 2000 ઘરોની લાઇટો ગુલ થઇ ગઇ હતી. તે જ સમયે, વહીવટીતંત્રે લોકોને જો જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.