નવી દિલ્હી: દુબઈમાં (Dubai) બુર્જ ખલીફા (Burj Khalifa) પાસે એક ઈમારતમાં (Building) સોમવારે આગ (Fire) ફાટી નીકળી હતી. બિલ્ડિંગમાં લાગેલી આગ ધીમે ધીમે ખુબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જોત જોતમાં એક સાથે જ ઈમારતના 35માં માળ સુધી આગ પહોંચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે એપાર્ટમેન્ટના નીચેના ભાગમાં આગ લાગી હતી, ફાયર ફાઈટર ઘટના સ્થળે આવે તે પહેલા આગ ઝડપથી ફેલાવા લાગી હતી. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
દુબઈમાં વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા પાસે એક ઈમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોમવારે વહેલી સવારે 35 માળની ઈમારતમાં આગ લાગી હતી. બિલ્ડિંગમાં લાગેલી આગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે. ડેવલપર ‘Emaar’ના ‘8 Boulevard Walk’ નામના ટાવર્સની શ્રેણીની બિલ્ડિંગમાં આગ લાગી હતી. રિપોર્ટ અનુસાર, આ આગ બિલ્ડિંગના નીચેના એપાર્ટમેન્ટમાં લાગી હતી અને તરત જ આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ વહીવટીતંત્રે સમયસર ફાયર બ્રિગેડને જાણ કરી હોવાથી વધુ નુકસાનનો અંદાજ નથી. કોઈ જાનહાનિના સમાચાર નથી. મળતી માહિતી અનુસાર કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. લોકોએ બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ કરી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા 2015માં પણ બુર્જ ખલીફા પાસેના ‘એડ્રેસ ડાઉનટાઉન’માં આગ લાગી હતી.
બગદાદમાં આગ લાગતા 28 લોકો સળગ્યા
ઈરાકની રાજધાની બગદાદમાં એક કોમર્શિયલ ઈમારતમાં આગ લાગતા ધરાશાયી થઈ હતી, જેમાં દેશના નાગરિક સુરક્ષા નિર્દેશાલયના વડા સહિત 28 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી અનિસાર મેજર જનરલ કાદિમ બોહન, સિવિલ સિક્યુરિટીના ડાયરેક્ટર અને કેટલાક અગ્નિશામકો ઘાયલોમાં સામેલ છે. આ દુર્ઘટનામાં કોઈના મોત અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આગના કારણ વિશે તાત્કાલિક કોઈ માહિતી આપવામાં આવી નથી.
બગદાદના અલ-રુસાફા જિલ્લાના નાગરિક સુરક્ષા નિર્દેશક બ્રિગેડિયર જનરલ કુસાઈ યુનુસે એસોસિએટેડ પ્રેસ (એપી) ને જણાવ્યું કે ઓછામાં ઓછા 28 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે આગને કારણે બિલ્ડિંગના ત્રણમાંથી બે માળ ધરાશાયી થયા છે. આ ઈમારતોમાં ‘પરફ્યુમ’ જેવી જ્વલનશીલ સામગ્રી રાખવામાં આવી હતી. નાગરિક સુરક્ષા વિભાગે કહ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.