સુરત: ડ્રગ્સના (Drugs) દૂષણને ડામવા માટે ગુજરાત પોલીસે (Gujarat Police) હાથ ધરેલા અભિયાન હેઠળ સુરત પોલીસને (Surat) મોટી સફળતા હાથ લાગી છે. સુરત પોલીસે અહીંના પૂણા-સરથાણા વિસ્તારમાંથી ડ્રગ્સની (Drugs) લેબોરેટરી (Laboratory) પકડી પાડી છે. પોલીસના દબાણના લીધે ડ્રગ્સ લાવવું અઘરું બન્યું હોય આરોપીઓ યુ-ટ્યૂબ (Youtube) પર વીડિયો (Video) જોઈ જાતે જ ડ્રગ્સ બનાવવા લાગ્યા હતા. લેબોરેટરીમાંથી 22,500 કિલોગ્રામ મોનોમીથાઈલ અમાન કેમિકલ પાઉડરથી માંડીને ડ્રગ્સ બનાવવા માટેની જરૂરી તમામ સામગ્રી પોલીસે ઝડપી પાડી છે.
આજે બપોરે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આ પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનરે ચોંકાવનારી વિગતો આપી હતી. કમિશનરે કહ્યું કે, સુરતમાંથી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી મળી આવી છે. એક આરોપી દ્વારા યુ-ટ્યૂબ પર વીડિયો જોઈને ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યો હતો જેને ઝડપી પાડવામાં આવ્યો છે.
કમિશનરે માહિતી આપતાં જણાવ્યું કે, નાર્કોટીક્સના દૂષણ પર નિયંત્રણ મેળવવા માટે સુરત SOGને સૂચના આપવામાં આવી હતી. SOG દ્વારા ડ્રગ્સના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓની યાદી બનાવવામાં આવી હતી અને તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
SOGની ટીમે બે દિવસ પહેલાં 9 નવેમ્બર 2021ના રોજ રૂપિયા 5,85,300ની કિંમતના 58.530 ગ્રામ મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ સાથે પ્રવિણકુમાર બલવંતારામ બિસ્નોઈ (રહે. પુનાસા તા. ભીનમાલ, જિ. ઝાલોર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. આરોપી પ્રવિણકુમારે ડ્રગ્સ સુરત ખાતે રહેતા વોન્ટેડ આરોપી જૈમીન સવાણી પાસે મંગાવ્યું હોવાની હકીકત બહાર આવી હતી. તેથી આરોપી જૈમીન સવાણીને પકડવા માટે પૂણા પોલીસ સાથે SOGએ ઓપરેશન હાથ ધર્યું હતું.
દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જૈમીન સવાણી હાલ ભાવનગરના ઉમરાળા ગામમાં છૂપાયેલો છે. તેથી તેને પકડી પાડવા એક ટીમ ભાવનગર ગઈ હતી અને જૈમીનને પકડી પાડ્યો હતો. મૂળ ઉમરાળાના રામણકા ગામનો જૈમીન સવાણી સુરતમાં એ-273, કવિતા રો હાઉસ સરથાણા જકાતનાકા ખાતે રહે છે. જૈમીનની પૂછપરછમાં સ્ફોટક વિગતો બહાર આવી હતી. જૈમીને પોલીસને કહ્યું કે તેને ડ્રગ્સની લત લાગી ગઈ હતી. તે રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવી નશો કરતો હતો અને ચોરીછૂપીથી તેનું વેચાણ પણ કરતો હતો. ત્યાર બાદ તેને એમ.ડી. ડ્ગ્સ જાતે બનાવવાનો વિચાર આવતા યુ-ટ્યૂબ ઉપરથી એમડી ડ્રગ્સ બનાવવાનો વીડિયો જોયો હતો. ત્યાર બાદ આવશ્યક રો-મટીરીયલ અને લેબોરેટરીના સાધનો ઓનલાઈન મંગાવી તેની સરથાણામાં આવેલી ઓફિસમાં મીનિ લેબોરેટરી ઉભી કરી હતી.
જૈમીન પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે તેની સરથાણા ખાતેની ઓફિસ કમ મિની લેબોરેટરી પર રેઈડ કરી હતી. મિતુલ ફાર્મ રોડ પર પરમ સ્કૂલની બાજુમાં રાજવીર શોપિંગ સેન્ટરમાં ઓફિસ નંબર 207માં આવેલી મિની લેબોરેટરીના દ્રશ્યો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. જૈમીનની લેબોરેટરીમાં ડ્રગ્સ બનાવવાના તમામ સાધનો ઉપલ્બ્ધ હતા. પોલીસે જૈમીન સવાણીની લેબોરેટરીમાંથી મોટી માત્રામાં કેમિકલ પાઉડર અને ડ્રગ્સ બનાવવાની સામગ્રી જપ્ત કરી છે હાલ પોલીસ જૈમીનની વધુ પૂછપરછ કરી રહી છે. તેની સાથે આ ગુન્હામાં કોણ કોણ સામેલ છે? તેમજ તેણે આ કેમિકલ તથા પાવડર ક્યાંથી અને કેવી રીતે મંગાવ્યું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કહ્યું કે, આરોપી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવે તે પહેલાં જ તેને અને તેની લેબોરેટરીને ઝડપી પાડવામાં આવી છે. સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલાં ‘No Drugs In Surat City’ અભિયાનને સાર્થક કરવા પોલીસ કટીબદ્ધ છે એમ પોલીસ કમિશનરને ઉમેર્યું હતું.
લેબોરેટરીમાંથી આ સામગ્રી પકડાઈ
- મોનીમીથાઈલ અમાન કેમિકલ પાવડર 22.500 કિલો.ગ્રામ
- Methanol M0151 લિક્વીડ 1.75 લિટર
- P-Benzoquinone for Synthesis કેમિકલ પાવડર 200 ગ્રામ
- કાચના નાના-મોટા બિકર 3 નંગ.
- કાચના અલગ અલગ આકારના ફ્લાસ નંગ 2
- કાચના એડોપ્ટર 1 નંગ.
- કાચની કસનળી 1 નંગ
- કાચના કનેક્ટર નંગ 3
- ઈલેક્ટ્રીક સગડી 1
- ઈલેક્ટ્રીક મોટર 1
- ઈલેક્ટ્રીક વજન કાંટો 1
- ચીપીયો, હોલ્ડર, સપોર્ટર, નોઝલ, ક્લેઈમ, કાચના બુચ વિગેરે.
ગુરુવારે સુરત પોલીસે મુંબઈથી ડ્રગ્સ લાવનાર આરોપીઓ પાસેથી 2.50 લાખનું ડ્રગ્સ મંગાવનાર વોન્ટેડને પકડ્યો હતો
શહેરના નિયોલ ચેક પોસ્ટ પાસેથી બે મહિના પહેલા મુંબઈથી કારમાં 19.62 લાખનું 196.200 ગ્રામ ડ્રગ્સ લાવનાર ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 2.50 લાખનું ડ્રગ્સ મંગાવનાર વોન્ટેડ આરોપીને એસઓજીએ આજે રાંદેર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. ગત 23 સપ્ટેમ્બર 2021 ના રોજ ક્રાઈમ બ્રાંચે નિયોલ ચેક પોસ્ટ ઉપર કારમાંથી ત્રણ આરોપીઓને 19.62 લાખની કિમતના 196.200 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. આ ગુન્હામાં ડ્રગ્સ મંગાવનાર સુરત ખાતે રહેતો આરોપી પોલીસથી બચવા નાસતો ફરતો હતો. વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમ કામે લાગી હતી. ત્યારે એસઓજીની ટીમને આરોપી રાંદેર બસ સ્ટેન્ડ પાસે હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે આરોપી ખાલીદ અબ્દુલ રશીદ શેખ (ઉ.વ.47, રહે. – ઘર નઅં -૬ / ૨૪૭, શેખ કાલા સ્ટ્રીટ, રાંદેર બસ સ્ટેશન પાસે, રાંદેર) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, અગાઉ પકડાયેલા આરોપીઓ મુંબઈથી ચોરી છુપીથી ડ્રગ્સ લાવતા હતા. જેથી પોતે તેમની પાસેથી 2.50 લાખનું ડ્રગ્સ મંગાવ્યું હતું. આ લોકો મુંબઈથી કારમાં ડ્રગ્સ લઈ સુરત આવતા હતા. આરોપી અત્યાર સુધી તેના સગા સંબંધીઓના ઘરે નાસતો ફરતો હોવાની પણ કબૂલાત કરી હતી.