સુરત: સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવરો દ્વારા બેફામ બસો દોડાવવામાં આવતી હોવાની અનેકોવાર ફરિયાદ ઉઠતી રહે છે. રાહદારીઓ અને વાહનચાલકોને બસ ડ્રાઈવરો અડફેટે લેતા હોવાના અનેક ઘટનાઓ છાશવારે બનતી રહે છે ત્યારે સિટી બસના ડ્રાઈવરના બેફામ રોંગ સાઈડ પર ડ્રાઇવિંગનો એક વીડિયો વાયરલ થતાં હોબાળો મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોડાદરા – ડિંડોલી રેલવે ફ્લાય ઓવર બ્રિજ પર ગત રાત્રે સિટી બસ (જીજે-૦૫
બીઝેડ-૦૩૮૮) ના ચાલક સંદિપ પાંડેએ રોંગ સાઈડમાં જ બસ હંકારી મુકી હતી. બેફામ દોડી રહેલી આ બસને પગલે સામેથી આવી રહેલા વાહન ચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહેલા આ બસના ચાલક દ્વારા પુરપાટ ઝડપે બસ દોડાવી રહ્યા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
શહેરમાં છાશવારે અકસ્માતોથી માંડીને બેફામ ડ્રાઈવિંગને કારણે સિટી બસ અને બીઆરટીએસ વિવાદોનું કેન્દ્ર બનતી હોય છે ત્યારે હવે વધુ એક ઘટના સામે આવતાં મનપાનું વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. અલબત્ત, આ ઘટનામાં પણ ડ્રાઈવરની હકાલપટ્ટીથી જ સંતોષ માનવામાં આવશે. જો કે, ચાલકની આ પ્રકારની ગંભીર લાપરવાહીને કારણે જો ગંભીર અકસ્માત સર્જાયો હોય તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉદભવી રહ્યા છે.
પોલીસે સિટી બસના ડ્રાઈવરને પૂછપરછ માટે બોલાવ્યો
સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં બાદ એક તરફ મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું ત્યારે બીજી તરફ આ ઘટનામાં હવે ડિંડોલી પોલીસ પણ સક્રિય થઈ છે. સિટી બસના ચાલક સંદિપ પાંડેને ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, નવાઈની વાત એ છે કે બસના ચાલકે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે, ભારે ટ્રાફિકને પગલે સિટી બસને રોંગ સાઈડમાં હંકારવા માટે ટીઆરબીના જવાનોએ કહ્યું હતું.
મનપાએ સિટી બસના ડ્રાઈવરની હકાલપટ્ટી કરી
ગોડાદરા – ડિંડોલી રેલવે ઓવર બ્રિજ પર રોંગ સાઈડમાં બસ હંકારનાર ચાલક સંદિપ પાંડેના આ દુઃસાહસને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અંગેનો વીડિયો વાયરલ થયા બાદ હવે મનપાનું વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. આ અંગે કમલેશ નાયકે વધુમાં જણાવ્યું હતું કે, બસ ચાલક સંદિપ પાંડે વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સાથે તેની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.