એક સફળ વકીલ,તેઓ જે કેસ હાથમાં લે તે જીતે જ.વકીલને એક નો એક દીકરો,નામ અનય અને દીકરો ભણવામાં હોશિયાર પણ ખરો;પણ હજી નવમા ધોરણમાં હતો ત્યારથી જ મમ્મીએ કહેવા લાગી કે, ‘જો દીકરા,તારા પપ્પાનું નામ બહુ મોટા વકીલ તરીકે પ્રખ્યાત છે.તું તેમનો દીકરો છે એટલે તારે પણ મોટા વકીલ બનવાનું છે અને તેમનું નામ અને કામ આગળ વધારવાના છે.’અનયને કોઈએ પૂછ્યું જ નહિ કે ‘તેને શું કરવું છે?’ મમ્મી રોજ કોઈ ને કોઈ રીતે આ વાત યાદ કરાવે અને અનયના મન પર કારણ વિનાનો ભાર વધતો જાય.પપ્પા તો મોટા વકીલ, તેમની પાસે તો સમય જ ન હતો કે અનયના મનની વાત સમજે.વાર તહેવારે અને જન્મદિવસે મોટી ગીફ્ટ અનયને આપે અને કહે, ‘ભાઈ તું મારો દીકરો છે.
તારી કોઈ ઈચ્છા બાકી ન રહેવી જોઈએ.તારે તો મારાથી પણ મોટા વકીલ બનવાનું છે સમજ્યો.’અનય બિચારો હજી દુનિયાને સમજવાની કોશિશ કરી રહ્યો હતો.ત્યાં તેની પર ઢગલો અપેક્ષાઓ લાદી દેવામાં આવી. માતા -પિતાની ઈચ્છા હતી કે અનય મોટો વકીલ બને એટલે અનયે લો ભણવાનું શરુ કર્યું.તેના મનમાં બીજી કોઈ ઈચ્છાનો જન્મ જ નહોતો થયો છતાં …તે લો ભણતો તેમાં તેના માર્ક સતત ઓછા જ આવતા.તેના મન પર સતત જે ભાર હતો કે, ‘પપ્પા બહુ મોટા વકીલ છે મારે તેમનાથી આગળ વધવાનું છે.’આ ભાર હવે ‘પોતે તેમ નહી કરી શકે તો શું થશે ??? ના ડરમાં ફેરવાઈ ગયો હતો.આ ડરને લીધે તે બરાબર આગળ વધી શકતો ન હતો.
આને સતત ઓછા માર્ક જોઇને મમ્મી અને પપ્પાનો ગુસ્સો અને મહેણાં ટોણા વધી ગયા હતા એટલે તે વધારે પાછળ પડતો ગયો. એક દિવસ અનયે રડીને પોતાના ડરની વાત દાદાને કહી.દાદા થોડામાં બધું સમજી ગયા. દાદાએ અનયની મનની પરિસ્થિતિ સમજાવતા તેના પપ્પા અને મમ્મી બંનેને કહ્યું, ‘દીકરા મેં તને બાંધીને રાખ્યો નહોતો એટલે તું આટલો સફળ થયો.પણ માતા પિતા તરીકે તમે એક ભૂલ કરી છે.તમે તમારા દીકરાને ભલે બંધીને નથી રાખ્યો પણ તમે તેની ઉપર તમારી આશા અને અપેક્ષાઓ સાથે સવાર થઈ ગયા છો.
જો તમે ઈચ્છો છો કે તમારો દીકરો તેજીથી આગળ વધે તો પહેલા તેના પરથી નીચે ઊતરો.પછી પરિણામ જુઓ.’વકીલ પપ્પા પોતાના પિતાનો ઈશારો સમજી ગયા.તેમણે પોતાનું વર્તન સુધારવાનું નક્કી કર્યું. જો માતા પિતા ઈચ્છતા હોય કે તેમના બાળકો તેજીથી આગળ વધે તો તેમણે તેમની ઉપર સાવચેતી કે અપેક્ષા કે જવાબદારી કે વધુ પડતા લાડ કે પ્રેમ જેવા કોઈ પોતાના મનના ભાવ લઈને સવાર ન થઈ જવું જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.