સરકાર જાહેર સભામાં કે ચૂંટણી ટાણે વારંવાર જાહેરાત કરે છે કે આ સરકારે બે કરોડ લોકોને રોજગારી પૂરી પાડી છે. કોઇ પણ પ્લાનનું ઉદ્ઘાટન હોય મંત્રી તુરંત જાહેર કરે આ પ્લાનથી આટલાં લોકોને રોજગારી મળશે. હવે કેગનો રિપોર્ટ જોઇએ. સરકારે જાહેરાત કરી છે કે અમારી સરકારે મેન ગ્રુપ્સનું વાવેતર 9415 હેકટરમાં કર્યું છે. કેગના રિપોર્ટ અનુસાર ખરેખર માત્ર 1968.80 હેકટરમાં વાવેતર થયું છે. અન્ય રિપોર્ટ અનુસાર પોષ્ટ ઓ.માં 90050 જગ્યા, રેલ્વેમાં 293 લાખ જગ્યા, ગૃહ વિભાગમાં 264 લાખ જગ્યા, ઓડિટમાં 25943 જગ્યા,રેવન્યુમાં 80243 જગ્યા અને રાજયમાં પણ 32000 જેટલી આચાર્યની ખાલી જગ્યા છે.
આંકડા જ દર્શાવે છે કે આ સરકાર યુવાનોને રોજગારી આપવાનાં ઠાલાં વચનો જ આપી શકે છે. શું આ સત્ય છે? શિક્ષણ માટે સરકાર ખાનગી સ્કૂલોને જ વધારે પરમિશન આપે છે. ખાનગી સ્કૂલોનો રાફડો ફાટયો છે અને કેટલાંક તારણો પરથી લાગે છે કે ટૂંક સમયમાં ખાનગી કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓ કે ખાનગી મેડીકલ કોલેજોને પણ સરકાર છૂટ આપી દેશે. હાલમાં જ રામનવમીના શુભ પર્વમાં શોભાયાત્રા દરમ્યાન ખૂબ જ દુ:ખદ ઘટના ઘટી. ભગવાન શ્રી રામચંદ્રની શોભાયાત્રા દરમ્યાન બરોડા, બંગાળના હાવડા, લખનઉ, ધનબાદ, બિહારના ઔરંગાબાદ જેવાં શહેરોમાં શોભાયાત્રા ઉપર પથ્થરમારો, આગજની, વાહનો અને દુકાનોમાં તોડફોડ, ઠેર ઠેર હિંસક તોફાનો થયાં. જાનમાલ અને જીવહાનિ પણ થઇ.
સવાલ એ થાય છે કે જયારે જયારે શોભાયાત્રા નીકળવાની હોય ત્યારે સરકાર પાસે પરવાનગી લેવી પડે અને સરકાર જયારે પરવાનગી આપે ત્યારે કયા માર્ગ ઉપરથી આ યાત્રા પસાર થવાની છે એ માર્ગમાં કયા કયા લઘુમતિ વિસ્તારો આવેલા છે? શું એકાદ બે દિવસ પહેલાં આ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકીંગ થયેલું ખરું? પોલીસ તપાસ દરમ્યાન તલવાર, ચપ્પુ, લાઠી કે પથ્થરો જેવાં ઘાતક હથિયારો પકડાયાં. જો આ સરકારી તંત્રે આ બાબતે સજાગતા વાપરી હોત તો કદાચ આવા ઘાતક બનાવ ન પણ બનતે. સરકારમાં બેઠેલા નેતાઓ, મંત્રી મહાશયોને દરરોજ એક જ ફિકર હોય, કયાં ઉત્સવ છે અને મારે કયાં ઉદ્ઘાટન કરવા જવાનું છે?
ગુજરાતના ચુંટાયેલા ધારાસભ્યો, સંસદસભ્યો કે મંત્રીઓ આવા તોફાની વિસ્તારમાં ગયા છે ખરા? લોકોનો ગુસ્સો શાંત કરવા પ્રયાસો કર્યા છે ખરા? આ સરકારમાં ચોરી-લૂંટફાટ, બળાત્કાર, દંગા ફસાદ, ગુંડાગીરીનું જોર દિનબદિન વધી રહ્યું છે. સરકાર ફકત નજરઅંદાજ જ કરે છે. કોઇ જ સખત પગલાં લેવા મક્કમ નિર્ણય નથી કરી શકતી. દેશની અંદરની ઘટના પર જ કાબૂ નથી રાખી શકતી તો આપણા પાડોશી ચીન, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લા દેશની દાદાગીરી સામે ભારત કેવી રીતે લડશે? ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ છે. સરકારી તંત્ર કે નેતાઓ હવે તો જાગો ને કાંઇ કરી બતાવો.
નવસારી – એન. ગરાસીયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.