Columns

છોડો નહિ, આગળ વધો

એક દિવસ રીના ઉદાસ હતી અને સાવ ચૂપ બાલ્કનીમાં ઊભી હતી.મમ્મી તેની પાસે આવી અને કોફીનો મગ આપ્યો.રીનાએ કોફીનો મગ ચુપચાપ લઇ લીધો,ન સ્માઈલ આપ્યું. ન કંઈ બોલી. મમ્મી થોડી વાર સુધી તેની બાજુમાં ઊભી રહી. પછી ધીમેથી કહ્યું, ‘રીના દીકરા, તને કોઈ વાત મૂંઝવે છે તો મને કહે.’ રીના બોલી, ‘કંઈ નહિ મમ્મી, જવા દે, મને લાગે છે કે મારા જ નસીબ ખરાબ છે અને મારામાં જ કોઈ વિશેષ આવડત નથી.બે વર્ષથી મારા ફેશન ક્લોથીંગની બ્રાંડ માટે દિવસ રાત કામ કરું છું, પણ સફળતા મળતી જ નથી.ઓર્ડર મળતા નથી.માંડ ઓર્ડર મળે ત્યાં રો મટીરીયલની તકલીફ શરૂ થાય છે.મારી જે કોઈ ડીઝાઇન હિટ જાય છે તેની તરત સસ્તી કોપી બની જાય છે. મને લાગે છે કે મારે આ કામ જ બંધ કરી દેવું જોઈએ.’

મમ્મી બોલી, ‘બેટા, પણ ફેશન બ્રાંડ બનાવવી તો તારું સપનું છે અને તું એટલે જ ફેશન ડિઝાઈનર બની છો.જો મુશ્કેલીઓ અને તકલીફો તો બધા કામમાં આવશે જ. એમ ઉદાસ ન થા. બરાબર ધ્યાનથી કામ માટે વિચાર.’ રીના થોડી ગુસ્સે થઇ ફરિયાદ કરતાં બોલી, ‘એટલે મમ્મી, શું તને એમ લાગે છે કે હું ધ્યાનથી કામ નથી કરતી કે મને મારું સપનું યાદ નથી …પણ મને લાગે છે કે સપનું જ ખોટું જોયું છે.’ મમ્મીએ કહ્યું, ‘બેટા, જો મારી વાત માને તો સૌથી પહેલાં ફ્રેશ થા અને સરસ તૈયાર થઈને મારી સાથે મંદિરે ચાલ. પછી આગળ વાત કરીશું.’ રીના મમ્મીની વાત માનીને તૈયાર થઇ અને બંને જણ મંદિરે ગયાં.મંદિરે પહોંચી મમ્મીએ કહ્યું, ‘રીના, ચારે બાજુથી ચિંતા ઘેરી વળે ત્યારે સૌથી પહેલાં બધી ચિંતાને એક બાજુ મૂકીને ભગવાનને પ્રાર્થના કરવી.પ્રાર્થના કરવાથી મુશેક્લીઓ જાદુથી ભાગી ભલે ન જાય, પણ મન શાંત થશે અને શાંત મનમાં સારો વિચાર પણ આવશે.’

મંદિરમાં દર્શન કરી થોડી વાર બેઠાં. રીનાને સાચે સારું લાગ્યું. તેણે મમ્મીને કહ્યું, ‘મમ્મી, તારી વાત સાચી. મારું મન ત્રણ ચાર દિવસથી બહુ  ચિંતામાં હતું, પણ અત્યારે મન શાંત થયું છે.’ મમ્મીએ કહ્યું, ‘દીકરા, જયારે જયારે એમ લાગે કે મારી સાથે જ ખરાબ થાય છે…મારું જ નસીબ સાથ નથી આપતું ત્યારે આવી કોઈ ફરિયાદ કરવાને સ્થાને જે જે મળ્યું છે,જે અત્યાર સુધી સારું થયું છે તે માટે આભાર માનવો.રો મટીરીયલ નથી મળતું તો કોઈ રસ્તો શોધ.ડીઝાઇન બદલ.નવો સપ્લાયર શોધ પણ ફરિયાદ કરવાને સ્થાને આભાર માન કે ઓર્ડર તો મળ્યો છે અને સૌથી ખાસ વાત જયારે જયારે એમ થાય હવે મારે છોડી દેવું છે…બંધ કરી દેવું છે ત્યારે ત્યારે બમણા જોરથી મહેનત કરી આગળ વધવું તો જ જીવનમાં આગળ વધી શકીશ, સફળ થઇ શકીશ.’ રીના મમ્મીને ભેટી પડી અને બોલી, ‘મમ્મી, તું આ બધું કઈ રીતે જાણે છે?’ મમ્મીએ હસીને કહ્યું, ‘બેટા, લાઈફ મેનેજમેન્ટનો વર્ષોનો અનુભવ છે.’ રીનામાં ફરી હિંમત આવી ગઈ.    

Most Popular

To Top