ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી સમગ્ર ભારતનું ભ્રમણ કરતા રહે છે. તેઓ દરમ્યાન જે તે સ્થળ ઉપર આવેલા હિન્દુ દેવ દેવતાઓના મંદિરે દર્શન કરવા જાય છે. ત્યાં જઇને તેઓ જે તે ભગવાન કે માતાજીની મૂર્તિને નમન કરતા રહે છે. પૂજા અર્ચના કે આરતી પણ કરતા રહે છે. એક સરેરાશ હિન્દુ ધર્મીને શોભે એવું ધાર્મિક કામ મોદીજી કરતા રહે છે તથા કયાંક હિન્દુ ધર્મના દેવોને અનુલક્ષીને ટૂંકાં બોધવચનો પણ કરતા રહેતા હોય છે. તાજેતરની એમની અયોધ્યા યાત્રા દરમ્યાન તેઓ ઉવાચેલા કે આપણા વિકાસ મંત્રનો સ્રોત રામ ભગવાન છે. આપણા હિન્દુઓ માટે રામ, વિકાસપુરુષ જ નહિ, પૂર્ણ પુરુષ હતા. રામે દર્શાવેલ માતૃપ્રેમ (કૈકેયી માટે) દશરથ રાજા પ્રત્યેનો પિતૃપ્રેમ, ભરત તથા લક્ષ્મણ માટે દર્શાવેલો બંધુપ્રેમ, આપણા સૌને માટે પ્રેરણારૂપ અને આદર્શરૂપ બનતા રહ્યા છે.
એટલે મોદીજી રામ માટે જેટલું માનવાચક અને ભલું બોલે એટલું ઓછું જ પડવાનું. પણ અમારે આ બધી બાબતો પછવાડે જે કહેવાનું છે તે એ છે કે તેઓ એટલે કે મોદીજી માત્ર ભારતના હિન્દુઓના વડા પ્રધાન જ નથી. તેઓ ભારતની ધર્મનિરપેક્ષ લોકશાહીના વડા પ્રધાન છે. તેઓ ભારતમાં વસતી તમામ કોમોના વડા પ્રધાન છે. એટલે એમનું હિન્દુ ધર્મ પ્રત્યેનું એકાંગી વલણ ઠીક તો ના જ કહેવાય. પોતાના ધર્મ પ્રત્યે આસ્થા હોવી એમાં કશું જ ખોટું થતું અમે જોતા નથી. પણ એ ધાર્મિક વલણનું અવારનવાર જાહેરમાં પ્રદર્શન થતું રહે છે એ અમારા જેવા સરેરાશ કરોડો હિન્દુઓને દુ:ખ પહોંચાડે છે.
હિન્દુ ધર્મ પ્રત્યેની આસ્થાનો મોદીજીનો મનોવેપાર, પોતાપણા સુધી સીમિત રહે એમાં જ આપણા સૌનો હરખ સમાયેલો છે. હિન્દુ ધર્મ પ્રત્યેની પોતાની શ્રધ્ધા વડે ભારતમાં વસતા અન્ય ધર્મનાં લોકોની પણ મોદીજીએ લાગણીઓ સમજવી રહી. આ જગતમાં હિન્દુ ધર્મ જેવો કોઇ સહિષ્ણુ ધર્મ નથી. તેથી જ કરીને મોદીજીએ પણ સહિષ્ણુતાનો માનવતાવાદી માર્ગ અપનાવીને અન્ય ધર્મના ભારતીય લોકો પ્રત્યે આદર પ્રેમ અને માનની લાગણીઓ પેદા કરતાં રહેવું જોઇએ. ભારત ‘સેકયુલર કન્ટ્રી’ છે તેથી કરીને એના વડાઓ પણ સેકયુલર હોય એવું ખરા અર્થમાં અનિવાર્ય છે.
સુરત – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.