Entertainment

ટાઇગર ફિલ્મી જંગલના નિયમો માનતો નથી?

કરણ જોહર ટાઇગર શ્રોફ સાથે ‘સ્ક્રુ ઢીલા’ ફિલ્મ શરૂ કરવામાં હતો પણ હવે તેઓ આ ફિલ્મ જ બનાવવા નથી માંગતો. ટાઇગર શ્રોફે આ ફિલ્મ માટે ૩૦ કરોડ ફી માંગી એટલે કરણ કહે કે મારાથી આપી શકાય તેમ નથી. ટાઇગર શ્રોફે આ ફિલ્મમાં કામ કરવું હતું પણ જાતે જ સ્થિતિ બગાડી નાંખી છે. કરણે તેને કહ્યું કે કોરોના પછીના સંજોગો અને અત્યારે હિન્દી ફિલ્મો નિષ્ફળ રહે છે એટલે કોઇ વધારે ફી આપી શકે તેમ નથી. પણ ટાઇગર શ્રોફે એ દલીલ સાંભળી નહીં અને પોતાની માંગણી ચાલુ રાખી. કરણે કહી દીધું કે મારી પાસે ફિલ્મ બંધ કરવા સિવાય કોઇ વિકલ્પ નથી. ટાઇગરે અત્યારના સંજોગોમાં નિર્માતાઓને પણ સમજવા જોઇએ. જો ફિલ્મો જ ન ચાલતી હોય તો કેવી રીતે કોઇ ફી આપે. અત્યારે એકશન ફિલ્મો માટે ટાઇગર બેસ્ટ છે પણ છતાં તે પોતાના દર પર ફિલ્મો ચલાવી શકે તેવો મોટો સ્ટાર નથી. સારી એકશનથી જ ફિલ્મ બનતી નથી અને ટાઇગર પોતાની એક ઇમેજથી આગળ વધતો નથી. હિન્દી ફિલ્મો ઘણી ડિમાંડીંગ હોય છે. અમિતાભે દરેક પ્રકારની ભૂમિકા સફળતાથી ભજવી ત્યારે મેગા સ્ટારપદ સુધી પહોંચ્યા હતા.

ટાઇગર અત્યારે ‘ગણપત’ જેવી એકશન ફિલ્મ સાથે અલબત્ત ‘બડે મિયાં છોટે મીયાં’ માં કોમેડી કરશે પણ એકશન સ્ટાર કોમેડીમાં નબળા હોય છે તેવું સની દેઓલ, સુનીલ શેટ્ટીથી સ્પષ્ટ થયું છે. હા, સંજય દત્ત કોમેડી કરતો થયો હતો પણ તે માત્ર એકશન સ્ટાર પણ ન હતો. ટાઇગરને તેના પિતા જેકી શ્રોફ બહુ સલાહ નથી આપતા કારણકે ટાઇગર જુદા દૃષ્ટિકોણ સાથે ફિલ્મોમાં કામ કરે છે. તેને પોતાની શરતો રાખવાનો અધિકાર છે પણ નિર્માતા પ્રત્યે સંજોગ પ્રમાણે સહાનુભૂતિ પણ જરૂરી છે. અમિતાભ બચ્ચન યશ ચોપરા સાથે કામ કરતા ત્યારે કદી ફી નહોતા પૂછતા. કરણ પોતાની ફિલ્મ ગ્રાન્ડ લેવલે બનાવે અને રજૂ કરે છે. આના કારણે સ્ટાર્સની વેલ્યુ પણ વધી જતી હોય છે. ટાઇગર કદાચ આ વાત સમજતો નથી. હવે કોઇ તેને ‘સ્ક્રુ ઢીલા’ કહે તો નવાઇ ન પામવું જોઇએ.

ટાઇગરની કારકિર્દી બીજા સ્ટાર્સની જેમ જ ધીમી પડી ગઇ છે. ‘ગણપત’ અને ‘બડે મિયાં છોટે મિયાં’ લાંબા સમયથી બને છે પણ થિયેટરો સુધી પહોંચી નથી. ‘રેમ્બો’ બંધ થઇ ચુકી છે. ‘બાગી-4’ શરૂ થાય તેની તે રાહ જુએ છે કારણ કે તે તેની સફળ ફ્રેન્ચાઇસી મુવી છે. તેની આજ સુધીમાં નવ જ ફિલ્મ રજૂ થઇ છે. હવે તેણે નવા વળાંકે ઊભા રહી કામ કરવાની જરૂર છે. તે પિતા જેકી શ્રોફ સાથે ઇમોશનલ ફિલ્મ પણ કરી શકે અને હવે તેણે પ્યોર રોમેન્ટિક ફિલ્મ પણ કરવી જરૂરી છે. તે પોતાને સારા દિગ્દર્શકોને સોંપે તે આ શકય છે. શાહરૂખ ખાન જેવો પણ પોતાની ઇમેજ બદલવા રાજકુમાર હીરાને પાસે જાય છે અને આદિત્ય ચોપરાને પોતાના માટે ફિલ્મ બનાવવા કહે છે. ટાઇગર તેની કારકિર્દીના મહત્વના તબકકે છે ત્યારે પોતાના માટે જુદો સમય લઇને વિચારે. એકશન ફિલ્મો કાંઇ આખી જિંદગી નહીં કરી શકો. સામાન્યપણે નિર્માતા સાથે તે વિવાદોમાં નથી પડતો પણ આ વખતે પડયો છે તો વિચારી જુએ કે ઠીક થયું છે? •

Most Popular

To Top