સુરત: કોરોનાના (Corona) હાહાકાર વચ્ચે સિવિલ (civil) અને સ્મીમેરના ડોક્ટરોએ સુરત પોલીસ (Police) વિભાગની સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન શરૂ કરી દીધું છે. મારામારીના ગુનામાં અટકાયતમાં લીધેલા ત્રણ આરોપીને દાખલ કરવા માટે સ્મીમેરના સત્તાધીશોએ ના પાડી દીધી હતી. અમરોલી પોલીસ કોવિડ પોઝિટિવ (corona positive) આ ત્રણેય આરોપીને સિવિલ હોસ્પિટલ લઇ ગયા ત્યારે સિવિલમાં ડોક્ટરોએ કહ્યું કે, અમારે ત્યાં જગ્યા નથી, તમારે જે કરવું હોય તે કરો. ડોક્ટરોનો આવો જવાબ સાંભળીને પોલીસ પણ ચોંકી ઊઠી હતી. ત્યારે સવાલ એ છે કે, જો પોલીસ સાથે જ આવું ઉધ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવતું હોય તો પછી સામાન્ય લોકોની સાથે કેવો વ્યવહાર થતો હશે ? આ બાબતે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ પણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અમરોલી પોલીસના પીઆઇ જે.કે.બારિયાએ મારામારીના ગુનામાં ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા. તેમની અટકાયત કરીને મેડિકલ તપાસ કરવામાં આવતાં ત્રણેયનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પીએસઆઇ અને તેમનો સ્ટાફ આ ત્રણ આરોપીને લઇને સૌપ્રથમ સ્મીમેર હોસ્પિટલમાં ગયો હતો, પરંતુ ત્યાં પ્રિઝનર વોર્ડ એટલે કે આરોપીઓનો વોર્ડ જ ન હોવાથી આરોપીઓને સિવિલમાં લઇ જવાનું સૂચન કરાયું હતું.
ત્યારબાદ પોલીસનો સ્ટાફ આ ત્રણેય પોઝિટિવ દર્દીને લઇને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. અહીં હાજર સીએમઓએ અમરોલી પોલીસને કહ્યું કે, અમારે ત્યાં પ્રિઝનર વોર્ડ ફુલ થઇ ગયા છે, તમારે જે કરવું હોય તે કરો. ત્યારબાદ પોલીસે સિવિલના આરએમઓને મળીને આખરે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટને રજૂઆત કરી હતી, પરંતુ તેઓએ પણ કોઇ યોગ્ય જવાબ નહીં આપીને પોલીસને ધક્કે ચઢાવી દીધી હતી. સિવિલના ડોક્ટરોએ કહ્યું હતું કે, અમારે ત્યાં જે વોર્ડ છે તે ફુલ છે અને હવે વધુ આરોપીઓને સારવાર માટે દાખલ કરી શકાય તેમ નથી. તમે આરોપીઓને બીજી જગ્યાએ લઇ જઇ શકો છો.
સિવિલ હોસ્પિટલના ખરાબ વર્તન બાદ પીએસઆઇએ પોતાના ઉપરી અધિકારી પીઆઇ તેમજ એસીપીને ફરિયાદ કરીને યોગ્ય જાણ કરી હતી અને તેઓ આરોપીઓને લઇને પરત અમરોલી પોલીસમથકે જઇ રહ્યા હતા. આ દરમિયાન જ સ્મીમેર હોસ્પિટલના આરએમઓ જયેશ પટેલનો ફોન આવ્યો હતો અને તેઓએ ત્રણેય આરોપીઓને સ્મીમેરમાં દાખલ કર્યા હોવાની વિગતો મળી છે.
પ્રિઝનર વોર્ડમાં દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેવી વ્યવસ્થા કરાશે: ડો.ગણેશ ગોવેકર
આ મામલે સિવિલ સુપરિ. ડો.ગણેશ ગોવેકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં સિવિલમાં જે પ્રિઝનર્સ વોર્ડ છે તે ફૂલ થઇ ગયો છે, અને વધારે દર્દીઓને દાખલ કરી શકાતા નથી. જે કારણોસર અમરોલી પોલીસને ના પાડવામાં આવી હતી. આ મામલે કલેક્ટર સાથે મીટિંગ પણ થઇ છે અને આગામી 24 કલાકમાં બીજા દર્દીઓને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
કલેક્ટરના આદેશ મુજબ આરોપીઓને સિવિલમાં દાખલ કરવાના હતા : ડો.જયેશ પટેલ
સ્મીમેર હોસ્પિટલના સિનિયર આરએમઓ ડો.જયેશ પટેલે માહિતી આપતાં કહ્યું હતું કે, છેલ્લી મીટિંગમાં કલેક્ટર દ્વારા આરોપીઓને કોવિડની સારવાર માટે સિવિલમાં દાખલ કરવા જણાવાયું હતું. શહેરના તમામ આરોપીઓને સિવિલમાં જ દાખલ કરવામાં આવે છે અને તે જ કારણોસર અમરોલી પોલીસને પણ સિવિલ હોસ્પિટલમાં જવા કહેવાયું હતું. પરંતુ ત્યાં વોર્ડ ફુલ થઇ ગયો હતો. આખરે અમારા ઉપરી અધિકારી સાથે આ બાબતે ચર્ચા કરીને અમરોલી પોલીસને જાણ કરીને પરત બોલાવાયા હતા અને ત્રણેય આરોપીઓને સ્મીમેરમાં પોલીસ પ્રોટેક્શન સાથે જ દાખલ કરવામાં આવ્યા હતા.