લગ્ન દીકરીને બીજા ઘર સાથે જોડે છે પણ પિયરથી દૂર કરતું નથી. દીકરી પોતાનું સમગ્ર અસ્તિત્વ બદલીને સાસરિયાના રંગમાં રંગાઈ જાય છે. તેને અનુરૂપ પોતાની જાતને બદલે છે. જેણે બાળપણથી લઈને પિયરમાં 20 થી 30 વર્ષ વિતાવ્યાં હોય ત્યાર બાદ એક નવા જ રંગરૂપમાં તેને બદલાવાનું આવે છે. શરૂઆતના સમયે લગ્ન બાદ પિયરની યાદ આવે પણ પછી વારતહેવારે પિયરમાં મળવા કે રહેવા જવાનું થતું હોય છે. પણ પ્રશ્ન અહીં ઉદભવે છે કે લગ્નના અમુક વર્ષ વિત્યાં બાદ જો પિયર જવાનું થાય તો તેમનેે પિયરને લઈને કેવી ફીલિંગ આવે છે? શું તેમને પિયરમાં રહેવાનું ગમે? તેઓ એડજસ્ટ થઈ શકે ખરાં? આ જાણવા અમે મળ્યા કેટલીક સન્નારીઓને અને જાણ્યા એમના અભિપ્રાયો…
પિયરમાં મને મારી રૂટિન લાઈફમાંથી થોડું રિલેક્સેશન મળે : તેજલ સોલંકી
35 વર્ષીય તેજલ સોલંકી જણાવે છે કે, ‘‘મારા લગ્નને 6 વર્ષ થયાં. પિયરમાં મને તો ખૂબ જ ગમે. પિયરમાં મને મારી રૂટિન લાઈફમાંથી થોડું રિલેક્સેશન મળે કેમ કે ત્યાં જઈએ એટલે એક તો પોતાના રૂટિન કામની આઝાદી, સમયસર ઊઠવામાંથી આઝાદી. જેટલો સમય સૂવું હોય સૂઈ રહેવાનું. જો કે સાસરીમાં પણ સૂવા તો મળે જ પણ ત્યાં જ્વાબદારી વધારે હોય અને અહીં કોઈ જ્વાબદારી કે ટાઈમિંગ સાચવવાના નહીં હોય અને આમ પણ એ લોકો મારા સમય મુજબ એડજસ્ટ થાય કેમ કે મારે વધારે પિયરમાં જવાનું આવે નહીં. 2 કે 3 મહિને જવાનું થાય. આથી મને તો પિયરમાં જવાનું થાય એટલે ખૂબ જ મજા પડે. એવો વિચાર નહીં આવે કે હું ત્યાં જઈને શું કરીશ?’’
પિયરમાં તો આપણે થોડા જ દિવસ રહેવાનું હોય આથી એ લોકો એડજસ્ટ કરે એવું ના વિચારવું : હેતુ દેસાઇ- વલસાડ
33 વર્ષીય હેતુ દેસાઇ હાઉસવાઈફ છે. હેતુ દેસાઇ જણાવે છે કે, ‘‘મારા લગ્નને 7 વર્ષ થયાં. હું પિયરમાં સૌથી મોટી. મારી સિસ્ટર કેનેડા છે અને ભાઈ મારાથી 10 વર્ષ નાનો છે. મને તો પિયરમાં પણ ખૂબ જ ગમે છે. સાસરે થોડો સમય થાય એટલે મને પિયરમાં જવાનું મન થાય કેમ કે મારા સાસરામાં હું, મારા હસબન્ડ અને મારી દીકરી જ છીએ એટલે મને પિયર રહેવાનું વધારે ગમે. આમ પણ મને ત્યાં વધારે માન મળે. ત્યાં મારે મારી દીકરીનું ટેન્શન રહેતું નથી. એ લોકો જ મારી દીકરીને સંભાળે છે. અહીંયા ઘરે એકલા હાથે દીકરીને હેન્ડલ કરવી થોડી અધરી લાગે. હું પિયર જાઉં એટલે મારી મમ્મી ત્યાં મને ભાવતું જ બનાવે. જો કે હજુ ત્યાં મમ્મી પપ્પા અને ભાઈ જ છે. ભાઈના મેરેજ થાય પછી થોડું એડજસ્ટ થતાં શીખવું પડે, નહિતર એમને પ્રોબ્લેમ થઈ શકે પણ પિયરમાં તો આપણે થોડા જ દિવસ રહેવાનું હોય આથી ક્યારેય એવું ના વિચારવું કે એ લોકો એડજસ્ટ કરે, એડજસ્ટ આપણે જ કરવું જોઈએ.’’
પિયરમાં જવાનો આનંદ તો આવે જ પણ હવે પોતીકાપણું ના લાગે : ભારતી નાગોરિયા
56 વર્ષીય ભારતી નાગોરિયાના લગ્નને 34 વર્ષ થયાં. ભારતીબેન જણાવે છે કે, ‘‘મારા માટે તો આજે પણ પિયર એટલે પરમ શાંતિનો અનુભવ. પિયરમાં કોઈ ટેન્શન ના હોય, એકદમ બિન્દાસ રહેવાનું મળે અને એક મજબૂત બંધન લાગે. જો કે લગ્નનાં આટલા વર્ષ બાદ ત્યાં રહેવા જવાનું ઓછું થાય કેમ કે પોતાના ઘરે જ એટલા એડજસ્ટ થઈ ગયા હોઈએ કે હવે પિયરમાં એડજસ્ટ ના થઈ શકીએ. ત્યાં રહેવાનું ફાવે નહીં પણ બીજી જે ખુશી મળે એની સામે આવા પ્રોબ્લેમ તો એડજસ્ટ થઈ જાય. મને તો ભાભી સાથે પણ મજા આવે. પિયરમાં જવાનો આનંદ તો આવે જ પણ હવે પોતીકાપણું ના લાગે. કોઈક વાર એવું થાય કે શરૂઆતના 2 કે 3 દિવસ મજા આવે પછી એમ થાય કે હવે અહીં શું કરવું ?’’
પહેલાં પિયરમાં રહેવાનું ગમતું પણ હવે પહેલાં જેટલું નથી ગમતું : પ્રિયા દામોદર
43 વર્ષીય પ્રિયા દામોદર જણાવે છે કે, ‘‘મારા લગ્નને 25 વર્ષ થયાં. પહેલાં પિયરમાં રહેવાનું ગમતું પણ હવે પહેલાં જેટલું નથી ગમતું કેમ કે હવે પહેલાં પ્રાથમિકતા પોતાના ઘરને આપીએ. લગ્નના શરૂઆતનાં વર્ષોમાં પિયર સાથે વધારે લાગણી જોડાયેલી હોય, તેમની યાદ આવે એટલે એમ થાય કે પિયર આંટો મારી આવીએ પણ હવે અહીં જ એટલા એડજસ્ટ થઈ ગયા હોઈએ કે ત્યાં કોઈક વાર જઈએ તો પણ ઘરના જ વિચાર આવ્યા કરે. ત્યાં બાળકોનું શું થતું હશે? વર્ષમાં માંડ એકાદ વખત જવાનું થાય. એવું નથી કે ત્યાં એ લોકો એડજસ્ટ ના થાય આથી ના ગમે કે સાચવી સાચવીને રહેવું પડે. બધા પિયરમાં સારા જ છે પણ હવે ત્યાંની માયા જ ઓછી થઈ ગઈ હોય.’’
બાળક આવ્યા બાદ હવે પિયરનો મોહ ઘટી ગયો : છાયા અમીન- નવસારી
33 વર્ષીય છાયા અમીન હોમમેકર છે. છાયા અમીન જણાવે છે કે, ‘‘લગ્નને 9 વર્ષ થયાં. મારા બાળકના જ્ન્મ વખતે 2015માં હું મારા પિયરમાં રોકાઈ હતી. ત્યારથી લઈને આજ સુધી 6 વર્ષમાં હું ત્યાં રોકાવા જ ગઈ નથી. હા ત્યાં મમ્મી પપ્પાને જરૂર હોય તો તરત જ જઈ આવું પણ રહેવા જવાનું હવે મન નથી થતું કેમ કે આ જ લાઈફમાં એટલા સેટ થઈ ગયા હોઈએ એટલે ત્યાં રહેવા નથી જતી. મેરેજ થયા ત્યારે શરૂઆતના સમયમાં પિયરની યાદ આવતી, એ લોકોને મળવાનું મન થતું પણ બાળક આવ્યા બાદ હવે પિયરનો મોહ ઘટી ગયો અને હું લકી છું કે મારું સાસરું પણ પિયર જેવું જ છે અને આમ પણ હવે વારેતહેવારે કે વીકએન્ડમાં ફ્રેન્ડ્સ સાથે જવાનો પ્રોગ્રામ હોય. ત્યાં કોઈ ગ્રુપ ના હોય એટલે પણ મજા નહીં આવે. મારા ઘરમાં તો મને એમ જ કહે આ જ તારું પિયર છે અને પેલું તારું સાસરું છે.’’
આપણે જાણ્યું એ મુજબ મોટાભાગની મહિલાઓને પિયરમાં ગમતું તો હોય જ છે પણ લગ્નનાં અમુક વર્ષ બાદ સાસરિયામાં પોતાના રૂટિનમાં જ એટલા વ્યસ્ત થઈ ગયાં હોય કે તેઓ પિયરમાં એડજસ્ટ નથી થઈ શકતા. મહત્ત્વપૂર્ણ છે કે લગ્નનાં શરૂઆતનાં વર્ષોમાં પિયર સાથેનું અટેચમેન્ટ થોડું વધારે રહે પણ લગ્નનાં અમુક વર્ષો બાદ આ મોહ થોડો ઘટી જાય છે. ત્યાં જુના ફ્રેંડ્સ વિખેરાય ગયા હોય આથી કંપની પણ ના મળે, એમાંય બાળકો આવ્યાં બાદ તો પોતાસ્સ્સ્સના જ સંસારમાં એટલા રચ્યાપચ્યા રહેતા હોય છે કે તેમને પિયર જવાનું ગમતું કે ફાવતું હોતું નથી અને જો પિયર જવાનું પણ થાય તો અમુક દિવસ બાદ તો એમને પોતાનું ઘર જ યાદ આવે!!! અને એમ થાય હું ભલી અને મારું ઘર ભલું !!