Business

પ્લાન્ટસ જે ઘરને મહેકાવશે….

ઇનડોર પ્લાન્ટસ ઘરને ખૂબસૂરત તો દર્શાવે જ છે પરંતુ યોગ્ય પ્લાન્ટસની પસંદગી કરીને તમે તમારા ઘરના ખૂણેખૂણાને મહેકતાં પણ રાખી શકો છો. સહેલાઇથી રોપી શકાય એવા કેટલાક ફૂલછોડ જોઇએ જેને તમે ઘરમાં રાખી ઘરને ખુશ્બૂદાર બનાવી શકો છો.

ઓર્કિડ
ઓર્કિડ લોકપ્રિય હાઉસ પ્લાન્ટમાં આવે છે. કેટલાંક ફૂલોમાંથી વેનિલા જેવી સુગંધ આવે છે તો કેટલાંક જેસ્મિનની જેમ મહેકે છે. એની ખાસ વાત એ છે કે એને બહુ માવજતની પણ જરૂર નથી.

લવેંડર
લાઇટ કલરના આ પ્લાન્ટને તડકો ઘણો પસંદ છે. લવેંડરની ખુશ્બૂની વાત કરીએ તો એનાં ફૂલ સુકાયા બાદ પણ ઘરના માહોલને સુવાસિત રાખે છે. જો તમે આ છોડની પૂરતી કાળજી રાખી ન શકતાં હો અને છતાં ઈચ્છતાં હો કે એની સુવાસથી ઘર મહેકતું રહે તો માર્કેટમાંથી લવેંડરનાં સૂકાં ફૂલોનો બુકે લાવી ઘરમાં મૂકી આખા ઘરને મહેકાવી શકો છો.

ગાર્ડેનિયા
જો તમે ખુશ્બૂદાર ગાર્ડેનિયા પ્લાન્ટ ઘરની અંદર રાખવા માંગતાં હો તો એક વાત એ પણ ધ્યાન રાખો કે એને પર્યાપ્ત માત્રામાં ભેજની જરૂર હોય છે. આ ઉપરાંત ભરપૂર તડકો અને સમય – સમય પર પેસ્ટ કંટ્રોલ પણ એની જરૂરતમાં સામેલ છે. એની યોગ્ય રીતે માવજત કરવામાં આવે તો જ એમાં ખુશ્બૂદાર ફૂલ આવે છે.

જેસ્મિન પોલેંથમ
જેસ્મિન પોલેંથમ એક કોમન ઇનડોર પ્લાન્ટ છે. ઇનડોર પ્લાન્ટના મોટા ભાગના શોખીન લોકોને ત્યાં તમને આ છોડ જોવા મળશે જ. જેસ્મિનની બીજી વેરાયટીઝમાં આટલી ખુશ્બૂ આવતી નથી. આ પ્લાન્ટ પોતાની ભીની ભીની ખુશ્બૂથી આખા ઘરને સુગંધિત બનાવી દે છે. એની ખુશ્બૂ રાતે વધે છે.

પીસ લીલી
જો તમને ફૂલછોડનો શોખ હોય તો ઘરમાં પીસ લીલી એટલે કે સ્પેથીફાયલમ પ્લાન્ટ ચોકકસ રાખવો જોઇએ. એનાં ફૂલ લાંબો સમય ખીલેલાં રહે છે. અને એમાંથી મંદ મંદ ખુશ્બૂ પ્રસરતી રહે છે. કહેવાય છે કે આ પ્લાન્ટથી ઘરની હવા પણ શુદ્ધ થાય છે.

Most Popular

To Top