એક ખૂબ જ સુંદર સંદેશો ધ્યાનમાં આવ્યો. વાંચીને અમલમાં મૂકવા જેવો છે. એક સમય હતો, જ્યારે ભોજન પૂછીને પીરસવામાં આવતું હતું. પણ આજે થતાં આયોજનોમાં ભોજન મૂકી દેવામાં આવે છે. તમારે જાતે જ લેવાનું રહે છે. પહેલાંના સમયમાં ભોજન લેનારને પૂછવામાં આવતું. આજે માણસ ખુદને પણ નથી પૂછતો. બસ, લઈ લે છે અને થોડું જમીને બાકીનું છોડી દે છે. એંઠું મૂકતી વખતે તેને ન તો કોઈ ભાન હોય છે કે ન તો કોઈ અપરાધભાવ હોય છે. તેઓ એવું માનીને ચાલે છે કે કેટલું લેવું અને તેમાંથી કેટલું ખાવું એ તેનો અંગત અધિકાર છે. એ ખરું કે આ તમારો અધિકાર છે. પણ આ અધિકાર તમને કોણે આપ્યો કે તમે વધારે લ્યો અને થોડું જ જમીને બાકીનું ઘણું એંઠું છોડી દો.
અન્ન અને જળને આ રીતે છોડી દેવાં એ નૈતિક અપરાધ છે. આજે પણ પૃથ્વી પર અનેક લોકો એવાં છે, જેમને એક ટંકનું પણ પેટ ભરીને જમવાનું નથી મળતું. અનેક લોકોએ તો રાત્રે ભૂખ્યા જ સૂઈ જવું પડે છે અને આપણે માત્ર હાથમાં પ્લેટ લઇને થોડું ચાખીને બાકીનું મૂકી દઈએ છીએ. આ ઘોર અપરાધ છે. અન્ન અને જળનું માન કરો. સંકલ્પ લો કે એંઠું નહી મૂકો, જેટલું જોઈએ, જેટલું ખાઈ શકાય તેટલું જ પ્લેટમાં લઈશ. જેઓ પોતાને જેટલું જોઈતું હોય તેટલું જ ડિશમાં લેતા હોય અને અન્નનો બગાડ ન કરતા હોય તેવી વ્યક્તિઓને આ વાત લાગુ પડતી નથી. તે બધા અપવાદ ગણાય.
સુરત – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.