Surat Main

હવે સુરતીઓ ભવિષ્યનું પણ વિચારે છે, 2800થી વધુ લોકોએ DNA રિપોર્ટ કઢાવ્યા

સુરત : એચઆઇવી (HIV), કેન્સર (Cancer), બ્લડપ્રેશર, ડાયાબિટિસ સહિતની બિમારીઓને લઇને લોકો સતત ચિંતામાં રહેતા હોય છે, તેમાં પણ જ્યારે કોરોના (Corona) જેવો નવો કોઇ રોગ આવે છે ત્યારે આવા દર્દીઓનું જોખમ વધી જતું હોય છે. ત્યારે હવે લોકોને ભવિષ્યમાં કોઇ રોગ (Future disease) થશે નહી તે માટે થઇને ડીએનએ રિપોર્ટ (DNA Report) કરાવતા થઇ ગયા છે. આ રિપોર્ટના આધારે લોકો ડાયટ પ્લાન તેમજ જરૂરી દવાઓ લઇને રોગને દૂર રાખવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ સમગ્ર રિપોર્ટ મુંબઇના લેબોરેટરી (Mumbai lab)માં કરવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટ વ્યક્તિના ‘થુંક’થી કરવામાં આવે છે.

એક થૂંકના સેમ્પલથી અલગ અલગ 210 જેટલા રિપોર્ટ કરવામાં આવે છે. જેમાં વ્યક્તિના શરીરની અંદરના તમામ રક્તકણોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. માત્ર સુરતમાં જ 2800થી વધુ લોકોએ આ રિપોર્ટ કરાવ્યો હોવાનું કહેવાય છે. ખાસ કરીને પ્રેશર અને ડાયાબિટિસની બિમારી ધરાવતા વ્યક્તિઓ આ રિપોર્ટ વધારે કરાવી રહ્યા છે. આવી બિમારી ધરાવતા લોકોને જ્યારે શરીરના અન્ય ભાગે નાની-મોટી કોઇ ઇજા થઇ હોય તેઓને ઓપરેશન કરવામાં ખુબ જ તકલીફ પડે છે. ત્યારે હવે ડાયાબિટિસ અને પ્રેશના દર્દીઓ ડીએનએ રિપોર્ટ કરાવીને પરિવારને પણ રોગોથી બચાવી રહ્યા છે.

સુરતના મોટાભાગના રાજકીય નેતાઓએ આ રિપોર્ટ કરાવ્યો

ચર્ચા પ્રમાણે સુરતના મોટાભાગના રાજકીય નેતાઓ તેમજ મોટા બિલ્ડરો અને બિઝનેસમેન વ્યક્તિઓએ આ રિપોર્ટ કરાવ્યો છે. આ રિપોર્ટની કિંમત જ ખુબ વધારે હોવાથી લોકો તે ઓછા કરાવી રહ્યા છે.સુરત સહિત રાજ્યના મોટાભાગના રાજકીય નેતાઓ તેમજ મોટા માથાઓએ પોતાના પરિવારને બચાવવા માટે થઇને થુંક મારફતે ડિએનએ રિપોર્ટ કરાવ્યો છે.

શરૂઆતમાં આ રિપોર્ટ 52 હજારમાં થતો હતો, અત્યારે 38 હજારમાં જ થાય છે

શરૂઆતમાં આ રિપોર્ટ બહુ ઓછા લોકો કરાવતા હતા, તેની માંગ પણ ઓછી હોવાથી શરૂઆતના સમયે આ રિપોર્ટ રૂા. 52 હજારમાં બનતો હતો. પરંતુ રિપોર્ટ કઢાવનારાની વધતી જતી સંખ્યાને ધ્યાને લઇને આ રિપોર્ટની કિંમત ઓછી કરી નાંખવામાં આવી છે. હાલમાં આ રિપોર્ટ 38 હજારમાં જ કરી શકાય છે.

પાંચ વર્ષથી ડાયાબિટિશ અને પ્રેશરની બિમારી હોય તેવા દર્દીઓ વધુ છે

આ રિપોર્ટ કરનાર મુંબઇના ડો. નિલેશ દવેએ માહિતી આપતા કહ્યું હતું કે, તેઓની લેબોરેટરીમાં પાંચ વર્ષથી વધુ ડાયાબિટિસ અને પ્રેશરની બિમારી હોય તેવા દર્દીઓ વધુ આવ્યા છે. આવા દર્દીઓને જરૂર પડ્યે મેડિસિન આપવામાં આવે છે. જો તેઓના પરિવારને કોઇ બિમારી ન હોય તો માત્ર ડાયટ પ્લાન આપીને જ તેઓને સ્વસ્થ રાખવાની સલાહ આપવામાં આવે છે. આ ડીએનએ રિપોર્ટ માત્ર એક મહિનામાં જ આવી જાય છે.

Most Popular

To Top