
એક યુવાનના જીવનમાં અચાનક ચારે બાજુથી તકલીફો આવી પડી. યુવાન, ઉંમર કાચી, કોલેજના છેલ્લા વર્ષમાં, હજી તો કમાવાની શરૂઆત કરવાની હતી ત્યાં પિતાને કેન્સર ડિટેક્ટ થયું. આ અસાધ્ય રોગનું નામ સાંભળીને જ બધાની હિંમત તૂટી જાય પણ યુવાને હસતું મોઢું રાખ્યું. એક બાજુ પિતાનું ઓપરેશન, બીજી બાજુ પરીક્ષા, તેણે બંને સંભાળી લીધું. આજુબાજુનાં સ્વજનોએ પૂછ્યું કે ‘‘તને ડર નથી લાગતો, પરીક્ષા આપી શકીશ, પરીક્ષા તું આપીશ પણ પાસ થઈ જઈશ?’’ યુવાને કહ્યું, ‘‘ જીવનમાં ઘણી તકલીફ છે. એ તકલીફ પણ આંખ મીંચીને બંધ કરી દઉં તો તકલીફ દૂર નથી થઈ જવાની, પણ એ પણ હકીકત છે ને કે આજે આ તકલીફ છે પણ એનો ઈલાજ થશે પછી તે બીમારી દૂર થશે અને એમાંથી અમે બહાર આવી જઈશું. બદલાવ ચોક્કસ આવશે. જીવનમાં બદલાવ આવે જ છે અને જ્યારે બદલાવ આવે છે તે આપણને ખબર છે તો આપણે એમ વિચાર શું કામ ન કરીએ કે સારો જ બદલાવ આવશે. ન ગમતા વિચારો કરવાની જરૂરત જ નથી. મેં વિચાર્યું જ નથી કે હું પાસ થઈ શકીશ કે નહીં. હું બસ વાંચું છું. મેં વિચાર્યું જ નથી કે મારા પિતાની તબિયત વધારે ખરાબ થશે. હું એમ જ માનું છું કે હવે તેમની તબિયત વધુ ને વધુ સારી જ થતી જશે અને હું ભણવામાં પણ ધ્યાન આપી રહ્યો છું અને તેમનું પણ ધ્યાન રાખી રહ્યો છું.’’ નાનકડા યુવાનની આટલી હિંમતભરી વાતો અને આટલા ઊંડા વિચારો સાંભળનારાને દંગ કરી નાખતા હતા. એક જણે પૂછ્યું, ‘‘દીકરા, જે છે એ હકીકતનો સામનો તો કરવો જ જોઈએ ને?’’ યુવાને કહ્યું, ‘‘ હા ચોક્કસ, મને બધી જ હકીકત ખબર છે અને હકીકતનો સામનો કરી જ રહ્યો છું પણ જો આપણી થાળીમાં ન ગમતું શાક પીરસવામાં આવે તો આપણે ખાતા નથી બરાબર ને તો પછી મારા જીવનમાં મને ન ગમતા વિચારો નકારાત્મક વિચારો હું શું કામ કરું? હું પરીક્ષા આપીશ એમાં પાસ પણ થઈશ એવા વિચારો સાથે હું વાંચું છું અને મારા પિતાની બીમારી પણ દૂર થઈ જશે. આ બીમારીમાંથી પણ તે ફરી ઊભા થઈ જશે એ પણ હું વિચારું છું. ન ગમતા વિચારો ન કરવા એ મારી ચોઇસ છે.’’ સાચે જ આપણે બધાએ જ જીવનમાં ન ગમતા વિચારો શું કામ કરવા? ન ગમતા નકારાત્મક વિચારો આપણી ચિંતા અને ભાર વધારે છે. દુઃખનો ઓછાયો લાવે છે. તેના કરતાં બસ ગમતું વિચારો અને પોતાનું કામ કરતા રહો.