એક સ્ત્રીને વર્ષોથી કોઈ બાળક ન હતું.બધાના મ્હેણાં ટોણાં સાંભળતી સ્ત્રી બધા વ્રત જપ કરતી.બાધા-આખડી અને માનતાઓ પણ રાખતી, પણ કોઈ ફળ મળી રહ્યું ન હતું.એક દિવસ ગામમાં એક સાધુ મહારાજ આવ્યા. સ્ત્રીના કાને વાત પડી કે આ સાધુ મહારાજ બહુ સિધ્ધ વિદ્યાઓ જાણે છે અને બધાની કોઈ પણ સમસ્યાનો ઉકેલ પળવારમાં લાવી દે છે.સ્ત્રી તે સાધુ મહારાજ પાસે ગઈ.
સાધુ મહારાજનાં ચરણોમાં પડીને સ્ત્રી રડતાં રડતાં કહેવા લાગી, ‘બાબા, એક બાળક ઈચ્છું છું.વર્ષોથી બધા વ્રત તપ કરું છું, પણ કશું જ ફળતું નથી.બસ મને એક બાળક થઇ જાય, હું માતા બનું અને લોકોના મ્હેણાં ટોણાં બંધ થઈ જાય એવો કોઈ ઉપાય બતાવો.ગમે તેટલો અઘરો ઉપાય હશે, તો પણ હું કરીશ. બસ, તમે મને રસ્તો દેખાડો.’સ્ત્રીની વાત સાંભળી સાધુ મહારાજે કહ્યું, ‘શાંત થઈ જા બહેન, તારી સમસ્યાનો મારી પાસે ઉકેલ છે…..’સ્ત્રી અધીરાઈ સાથે બોલી, ‘જલ્દી કહો મહારાજ, જે પણ ઉપાય હશે હું આજથી જ કરીશ.’
સાધુ મહારાજ બોલ્યા, ‘બહેન, આ ચણાનો પ્રસાદ લે અને તેને શાંતિથી ગ્રહણ કરજે. તારી મનોકામના પૂરી થશે.’સ્ત્રીના મનમાં થયું આટલો સહેલો ઉપાય. તેણે સહેજ અચકાતા શંકા સાથે પૂછ્યું, ‘બાબા, શું માત્ર પ્રસાદના ચણા ખાવાથી મને બાળક થશે?’સાધુ મહારાજે કહ્યું, ‘બહેન, શંકા ન કર. શ્રધ્ધા રાખીને ઉપાય કરીશ તો જરૂર ફળ મળશે.’આટલું કહીને સાધુ મહારાજે સ્ત્રીના હાથમાં મુઠ્ઠીભર ચણા આપ્યા.’સાધુ મહારાજને નમન કરી ચણા લઈને સ્ત્રી બહાર આવી અને એક ઝાડ નીચે બેસીને ચણા ખાવા લાગી.
સ્ત્રી ચણા ખાતી હતી ત્યાં આજુબાજુ અમુક છોકરાઓ રમતા રમતા આવ્યા અને તેમણે સ્ત્રી પાસે આવીને કહ્યું, ‘માસી અમને પણ આપો પ્રસાદ …’સ્ત્રીએ છોકરાઓને પ્રસાદ ન આપ્યો ઉલટું ગુસ્સે થઈને તેમને હડ હડ કરીને ત્યાંથી હાંકી કાઢ્યાં અને છોકરાઓને ભગાડવામાં તેના હાથમાંથી પ્રસાદના ચણા જમીન પર વેરાઈ ગયા.સ્ત્રી રડતી રડતી વળી સાધુ મહારાજ પાસે ગઈ અને બધી વાત કરી અને ફરી પ્રસાદ આપવા વિનંતી કરી.સાધુએ ફરી પ્રસાદ આપ્યો પણ સાથે સમજાવ્યું, ‘બહેન, તારી વિવેક્ચૂક થાય છે.પહેલાં તારું વર્તન સુધાર.બધી વાત પર શંકા ન કર …તને બાળક જોઈએ છે પણ તેં બાળકોને જ હાંકી કાઢ્યાં. પહેલાં તારા મનમાં મમતા અને સ્નેહ જગાડ અને ત્રીજું, યાદ રાખ, પ્રભુ પર શ્રધ્ધા રાખી તેમની ભક્તિ કર. કંઈ મેળવવા માટે નહિ.તારા ભાગ્યમાં જે સમયે જે મળવાનું હશે તે પ્રભુ આપશે જ.’સ્ત્રીની આંખો ખુલી ગઈ. તે બધાં બાળકોને પોતાનાં ગણી પ્રેમ કરવા લાગી. અને બાળક મળે તે માટે નહિ, માત્ર શ્રધ્ધાથી ભગવાનને ભજવા લાગી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.