એક દિવસ ગુરુજીએ પ્રાર્થના બાદ શિષ્યોને કહ્યું, ‘શિષ્યો, તમારા મનમાં જે કાંઈ પ્રશ્ન હોય તે મને પૂછો. આજે હું કોઈ વિષય પર પ્રવચન નથી આપવાનો. તમારા મનના જે પણ પ્રશ્ન હોય તે મને પૂછો, હું તેના જવાબ આપીશ. તમારે જે કાંઈ જાણવું હોય તે વિષે તમે મને પૂછી શકો છો.’ પહેલા તો શિષ્યો શું પૂછવું તે વિચારવામાં મૂંઝાઈ ગયા અને સાવ ચુપ થઇ ગયા. ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘તમને કોઈને કાંઈ જ પૂછવું નથી? તમારા મનમાં કોઈ પ્રશ્ન નથી?’ એક શિષ્યએ ઊભા થઈને પૂછ્યું, ‘ગુરુજી, સૌથી વધારે બહાદુર કોને કહેવાય?’ ગુરજી બોલ્યા, ‘વાહ વત્સ, બહુ સરસ સવાલ છે. કોઇપણ મુશ્કેલીનો કે દુશ્મનનો સમી છાતીએ સામનો કરે તે બધાને બહાદુર કહેવાય પણ મારા મત પ્રમાણે સૌથી વધારે બહાદુર એ છે જે પોતાના અજ્ઞાનનો બધાની સામે સ્વીકાર કરે. જે પોતાની ભૂલ હોય તો બધાની સામે તેને કબુલ કરે અને સૌથી પહેલા આગળ આવીને માફી માંગી લે. જે પોતાના અજ્ઞાન અને ભૂલનો સ્વીકાર કરે છે અને માફી માંગતા ડરતો નથી તે સૌથી વધારે બહાદુર છે.’
બીજો શિષ્ય ઊભો થયો તેણે પ્રશ્ન કર્યો, ‘ગુરુજી, સૌથી વધારે શક્તિશાળી કોને કહેવાય?’ ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘જેના તન અને મનમાં શક્તિ હોય, જે કોઈપણ વ્રજઘાત અને આઘાત ને સહન કરી શકે તેને શક્તિશાળી કહેવાય પણ મારા મત પ્રમાણે સૌથી વધારે શક્તિશાળી એ છે, જે અન્યાયને સહન કરી લે. જે પોતાની સાથે ખરાબ વ્યવહાર કરનાર સાથે પણ સારો વ્યવહાર કરે અને જે પોતાનું નુકસાન કરનારને પણ માફ કરી દે. જે સહનશીલ છે, શાલીન છે અને ક્ષમા આપે છે તે સૌથી વધારે શક્તિશાળી છે.’
ત્રીજા શિષ્યએ પૂછ્યું, ‘ગુરુજી, સૌથી વધારે આનંદી કોને કહેવાય?’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, આમ તો ખુશ રહેવું આપણા હાથમાં છે. આપણે ખુશ રહેવું હોય તો કોઈ દુઃખી કરી શકતું નથી અને મારા મત પ્રમાણે એ વ્યક્તિ સૌથી આનંદી છે, જે દરેક વ્યક્તિ અને પરિસ્થિતિનો દિલથી સ્વીકાર કરે છે. જે કોઈપણ સંજોગોમાં દુઃખી થઈને રડતો નથી અને જે પોતાની સાથે જે કઈ ખરાબ થયું હોય તે ઘટના અને વ્યક્તિઓને ભૂલી જાય છે. જે સ્વીકાર અને સંતોષ રાખે છે અને નિરાશ થતો નથી અને જે સઘળું ભૂલને પાછળ છોડીને આગળ વધી જાય છે તે સૌથી વધારે ખુશ રહી શકે છે.’ ગુરુજીએ શિષ્યોના પ્રશ્નોના જવાબ આપી તેમની જીજ્ઞાસા સંતોષી અને સાચી સમાજ આપી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.