Vadodara

પાન-પડીકી અને ગુટખાની પિચકારીથી સયાજી હોસ્પિટલની દીવાલો પર ગંદકી

વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓના કેટલાક સ્વજનો અને મુલાકાતીઓ દ્વારા હોસ્પિટલમાં જ પાન, પડીકી ,ગુટખા ખાઈ ગમે ત્યાં પિચકારી મારી ગંદકી કરવામાં આવી રહી છે.જેના કારણે દર્દીઓની જ સેવામાં તત્પર રહેતા સફાઈ કર્મચારીઓને જ અંતે હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલમાં ગુજરાત સહિત પાડોશી રાજ્યો અને વડોદરા શહેર જીલ્લામાંથી પણ જરૂરિયાત મંદ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.અદ્યતન સુવિધાઓથી સજ્જ સયાજી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો તેમજ ફરજ પર હાજર મેડિકલ , નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓને જરૂરી એવી તમામ પ્રકારની સારવાર આપવામાં હરહંમેશ ખડેપગે રહે છે.

પરંતુ કયાંકને ક્યાંક દર્દીઓ સાથે આવતા તેમના સ્વજનો અને મુલાકાતીઓ દ્વારા પાન, પડીકી ,ગુટખા ,સિગારેટ,તંબાકુ ખાઈ હોસ્પિટલ પરિસરમાં જ થુંકવામાં આવે છે.જેના કારણે ગંદકીનો માહોલ સર્જાવા પામ્યો છે.સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં પગથિયાં ઓ પર લોબીમાં દીવાલો પર જ્યાં ત્યાં પિચકારીઓના ધબ્બા પડી જવા પામ્યા છે.જેને મહામુસીબતે સાફ સફાઈ કરવાની નોબત આવી છે.ત્યારે રાતદિવસ ખડેપગે દર્દીઓની સેવામાં ખડેપગે રહેતા વર્ગ 4 ના સફાઈ કર્મચારીઓને જ આ ગંદવાળો સાફ કરવાની ફરજ પડી છે.જ્યારે આ બાબતે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રંજન ઐયરે આવી થૂંકાથૂંક જો સગા વહાલા કરે તો મારો વર્ગ 4 ક્યાંથી પહોંચી વળે તેમ જણાવ્યું હતું.વિવિધ વોર્ડમાં કરાયેલ ગંદકીની સાફસફાઈ કરવા જણાવતા જ સફાઈ કામદારોએ નીસંકોચ વિવિધ વોર્ડમાં દર્દીઓના સગા સંબંધીઓ દ્વારા કરવામાં આવતી ગંદકીને દૂર કરવાની કવાયત હાથધરી હતી.

Most Popular

To Top