દાહોદ: ચૂંટણીના અનુસંધાને કલેક્ટર વિજય ખરાડીએ શુક્રવાર કેટલાક મતદાન મથકોની મુલાકાત લીધી હતી. કેટલીક શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સફાઇ કરવા સહિતની બાબતો અંગે કલેક્ટરે સૂચના આપી હતી. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સાથે કલેક્ટર વિજય ખરાડી શુક્રવારે સંજેલી તાલુકામાં પહોંચ્યા હતા. અહીં મતદાન કેન્દ્રોમાં સફાઇના અભાવની બાબત કલેક્ટરના ધ્યાને આવી હતી.
જેના પગલે શ્રી ખરાડીએ શાળાની તુરંત સફાઇ કરાવવા માટે સૂચના આપી હતી. મતદાનના દિવસે નાગરિકોને સ્વચ્છ માહોલ મળે એ જરૂરી છે, એ બાબતની તેમણે શિક્ષકોને સમજ આપી હતી. બીજી તરફ, સફાઇ બાબતે બેદરકારી દાખવવા બદલ સંજેલી તાલુકાના શિક્ષણાધિકારી દ્વારા ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટરના ખુલાસા પણ પૂછવામાં આવ્યા હતા.