ભારતીય સિનેમાના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નિર્માતા અને આર્ટ ફિલ્મોના જનક શ્યામ બેનેગલનું સોમવારે મુંબઈમાં નિધન થયું છે. તેમણે 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમણે 8 વખત નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યો હતો. શ્યામ બેનેગલે પોતાની કારકિર્દીમાં 24 ફિલ્મો, 45 દસ્તાવેજી અને 1500 એડ ફિલ્મો બનાવી છે. તેમને 1976માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 1991માં શ્યામ બેનેગલને પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.
બોલિવૂડને મંથન અને અંકુર જેવી શાનદાર ફિલ્મો આપનાર જાણીતા ફિલ્મ નિર્માતા નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે. શ્યામ બેનેગલ ઘણા સમયથી બીમાર હતા પરંતુ હજુ પણ અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. તેઓ 90 વર્ષના હતા. શ્યામ બેનેગલનું સાંજે 6.39 કલાકે અવસાન થયું. શ્યામ બેનેગલની પુત્રી પિયા બેનેગલે શ્યામ બાબુના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આજે સાંજે 6.39 કલાકે મુંબઈ સેન્ટ્રલની વોકાર્ટ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.
આ રોગથી પીડાતા હતા
પિયા બેનેગલે જણાવ્યું કે તેમના પિતા કિડનીની ક્રોનિક બિમારીથી પીડિત હતા અને તેઓ આ બીમારીના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયા હતા.
8 નેશનલ એવોર્ડ જીત્યા
શ્યામ બેનેગલની ફિલ્મોએ 8 નેશનલ એવોર્ડ જીત્યા હતા. તેમણે ઝુબૈદા, ધ મેકિંગ ઓફ ધ મહાત્મા, નેતાજી સુભાષચંદ્ર બોઝઃ ધ ફર્ગોટન હીરો, મંડી, આરોહન, વેલકમ ટુ સજ્જનપુર જેવી ડઝનેક ઉત્તમ ફિલ્મો બનાવી છે. તેમની ફિલ્મોએ 8 નેશનલ એવોર્ડ જીત્યા છે. શયામ બગેનલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ મળ્યો છે.
શ્યામ બેનેગલની ફિલ્મોએ ભારતીય સિનેમાને મહાન કલાકારો આપ્યા, જેમાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, અમરીશ પુરી, અનંત નાગ, શબાના આઝમી, સ્મિતા પાટીલ અને સિનેમેટોગ્રાફર ગોવિંદ નિહલાની અગ્રણી છે. જવાહરલાલ નેહરુ અને સત્યજીત રે પર ડોક્યુમેન્ટ્રી બનાવવા ઉપરાંત, તેમણે દૂરદર્શન માટે ‘યાત્રા’, ‘કથા સાગર’ અને ‘ભારત એક ખોજ’ સિરિયલોનું નિર્દેશન પણ કર્યું હતું.
ફિલ્મો પહેલા ફોટોગ્રાફી કરતા
શ્યામ બેનેગલે ફિલ્મોમાં પ્રવેશતા પહેલા ઘણી વસ્તુઓ કરી છે. તેમણે પહેલા અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તે પછી તેમણે ફોટોગ્રાફી શરૂ કરી. જ્યારે તેઓ 12 વર્ષના હતા ત્યારે તેમણે તેમના પિતા શ્રીધર બી. બેનેગલ માટે કેમેરા પર પ્રથમ ફિલ્મ બનાવી હતી.