SURAT

મોપેડ નંબર 4044 પર મોબાઇલ સ્નેચિંગ કરતા બે પકડાયા : 71 મોબાઈલ કબજે લેવાયા

સુરત: ડીંડોલી (Dindoli) પોલીસે (Police) મોબાઇલ સ્નેચીંગ (Mobile snatching) કરતા બે ઇસમોને પકડી પાડી 71 મોબાઇલ, મોપેડ સહીત કુલ રૂપિયા 5.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એટલું જ નહીં પણ ડીંડોલી પોલીસ સ્ટેશનના જ 7 ગુનાઓ ઉકેલી કાઢવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે જણાવ્યું હતું કે આખું ઓપરેશન બાતમીના આધારે પાર પડાયું હતું. છેલ્લા એક મહીના દરમ્યાન ડીંડોલી વિસ્તારમાં 4044 નંબરની બ્લુ કલરની એક્સેસ મોપેડ લઇને મોબાઇલ સ્નેચિંગ કરતા બે ઇસમોને લઈ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આ બન્ને ઈસમો સ્નેચિંગ કરેલા મોબાઇલો વેચવા ભીમનગર રેલ્વે ગરનાળા પાસે આવેલા સંતોષીનગર પાસે આવી રહ્યા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવાય હતી.

એક્સેસ મોપેડની ડીકીમાંથી 51 મોબાઇલ મળ્યા
વધુમાં જણાવ્યું હતું કે, 4044 નંબરની બ્લુ કલરની એક્સેસ મોપેડ ઉપર બે શકાસ્પદ ઇસમો આવતા બન્ને ને કોર્ડન કરી ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં મોપેડ ચલાવનારનું નામ પુછતા મેહુલ માર્ટીનભાઇ ગોહીલ રહે. શીવ હિરા નગર, નવાગામ, ડીંડૉલી, સુરત તથા મોપેડ પાછળ બેસેલા ઇસમનુ નામ જીતુ છત્રપાલ સોનકર રહે જલારામનગર, નવાગામ, ડીંડોલી સુરતનો હોવાનું સામે આવ્યું હતું. બન્ને ઇસમોની ઝડતીમાં 6 મોબાઇલ મળી આવ્યા હતા. એક્સેસ મોપેડની ડીકીમાંથી બીજા 51 મોબાઇલ ફોન મળી આવતા ચોકી ગયા હતા. આ તમામ મોબાઇલ ફોન બાબતે પૂછપરછ કરતા અલગ-અલગ વિસ્તાર તથા ડીંડોલી વિસ્તારમાંથી સ્નેચીંગ તથા ચોરી કરેલા હોવાનું બહાર આવ્યું હતું.

ચોરીના 14 મોબાઇલ સાથે મહિલા ઝડપાઇ
ડીંડોલી પોલીસ સ્ટેશનમાં મોબાઇલ સ્નેચીંગના 6 ગુના તથા મોબાઇલ ચોરીનો 1 ગુનો દાખલ થયો હોવાની હકીકત ના આધારે બન્ને ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ મોબાઇલ ફોન સંતોષીનગર પાસે આવેલા કંજરવાડમાં બીલ વગરના મોબાઇલ ખરીદતી અલગ-અલગ મહીલાઓને વેચવા માટે આવેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. બન્ને ઇસમોની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, “આજથી બે દિવસ પહેલા કંજરવાડમાં કોઇ અજાણી મહીલાને 10 મોબાઇલ ફોન વેચેલા હતા. આવી ચાર-પાંચ મહીલાઓ બીલ વગરના મોબાઇલ ખરીદવા માટે કજરવાડ રેલ્વે પટરી પાસે ઉભી રહે છે.” જેથી બન્ને ઇસમોને સાથે રાખી કંજરવાડમાં લઇ જવાતા મોબાઇલ લેનાર મહીલાઓ મળી આવી ન હતી. રેલ્વે ટ્રેક સામે RCC ની દિવાલ પાસે આવતા અન્ય એક બબીતા રાજનટ નામની મહીલા કપડાની થેલીમાં બીલ વગરના 14 મોબાઇલ ફોન સાથે પકડાય ગઈ હતી.

વધુમાં જણાવ્યું હતું કે, બન્ને ઇસમો પાસેથી કુલ-57 મોબાઇલ ફોન તથા અન્ય એક મહીલા પાસેથી 14 મોબાઇલ ફોન મળી કુલ્લે- 71 મોબાઇલ ફોન જેની કિં.રૂ. 4.72 લાખ તથા એક બ્લ્યુ કલરની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ જેનો રજી.નંબર GJ-05-2-4044 નો છે. જેની કિં.રૂ. 80 હજાર ની મળી કુલ રૂ. 5.52 લાખથી વધ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. ફોનના IMEI નંબર ટ્રેસ કરી મુળ માલીકોને શોધવાની તજવીજ ચાલુ છે.

Most Popular

To Top