Surat Main

લવજેહાદ: મુકેશનું આધારકાર્ડ દિવ્યાના હાથમાં આવ્યું અને તે વિધર્મી હોવાનો ભાંડો ફૂટ્યો

સુરત : લવજેહાદ (Love jihad)નો કાયદો અમલી બન્યા બાદ પ્રથમ કિસ્સો ડિંડોલીમાં નોંધાયો છે. મો. અખ્તર નામના આધેડની સામે ફરિયાદ કર્યાના ત્રણ મહિના થયા છતાં પણ ડિંડોલી પીઆઇ(Police inspector)એ ભોગબનનાર પીડિતાને સતત ધરમના ધક્કા ખવડાવતા રહ્યા હતા.

આખરે હિન્દુ જાગરણ મંચ (Hindu jagran manch)ના માધ્યમથી આ સમગ્ર ઘટના બહાર આવી હતી અને અખ્તરની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. આ કેસમાં અભિષેક દૂબેએ જણાવ્યું કે પિડીતાએ તેઓનો સંપર્ક કર્યો હતો. તેમાં તેઓએ ચેક કરતા આખો કેસ સાંભળીને ચોંકી ગયા હતા. મહિલા પીએસઆઇ પંડ્યા અને પીઆઇ સાળૂંકેએ સતત ચોવીસ કલાક સુધી તેઓ સાથે કમીટમેન્ટ કર્યા હતા આખરે દહેજનો ગુનો દાખલ કરવા માટે પોલીસે તૈયારી બતાવી હતી. પોલીસ લવ જેહાદનો આખો મામલો દહેજમાં ખપાવવાના મૂડમાં હતી.

આ મામલામાં સીધો લવજેહાદનો કેસ હોવા છતાં પોલીસ દ્વારા આખો કેસ રફે દફે કરી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આખરે કંટાળીને જ્યારે ડીંડોલી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો ત્યારે પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે તૈયારી બતાવવામાં આવી હતી. અલબત એક તરફ જ્યારે રાજ્ય સરકાર લવ જેહાદનનો એકટ લાગુ કરે છે બીજી બાજુ પોલીસની ભૂમિકા જે રીતે છે તે જોતા આ આખો મામલો પોલીસ અધિકારીઓ સામે પણ તપાસ માંગી લે છે. કમિ અજય તોમરે આ મામલે છાનબીન શરૂ કરી છે. તેઓએ આ મામલે પોલીસની ભૂમિકાની ખરાઇ કરવાની પણ વાત કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલીમાં રહેતી દિવ્યા (નામ બદલ્યું છે) મોબાઇલ સ્ટોરમાં નોકરી કરતી હતી. આ દરમિયાન તેની મુલાકાત મુકેશ મહાવીર ગુપ્તાની સાથે થઇ હતી. મુકેશે દિવ્યાને તે રેલવેમાં ટીસી તરીકે નોકરી કરતો હોવાનું કહીને કુંવારો હોવાનું જણાવ્યું હતું. મુકેશે દિવ્યાના પરિવારને વાત કરીને લગ્ન કરવા જણાવ્યું હતું. 52 વર્ષિય મુકેશ દિવ્યાની સાથે લગ્ન કરીને ડિંડોલીમાં જ રહેતો હતો. ત્રણ મહિના પહેલા મુકેશનું આધારકાર્ડ દિવ્યાના હાથમાં આવ્યું અને તે વિધર્મી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. મુકેશનું સાચુ નામ મો. અખ્તર મો. સમતઅલી શેખ હોવાનું બહાર આવ્યું હતું. ત્રણ મહિના પહેલા જ દિવ્યાએ સમગ્ર ઘટના અંગે પોતાના પરિવારને જાણ કરી હતી અને ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી હતી. ત્રણ મહિના પહેલાની ઘટના છતાં ડિંડોલી પીઆઇએ કોઇ તપાસ કરે કોઇ કાર્યવાહી કરી ન હતી. વારંવાર ધરમના ધક્કા ખાતી દિવ્યા આખરે હિન્દુ જાગરણ મંચ પાસે પહોંચી હતી.

દિવ્યાએ કહ્યું કે, મુકેશે હિન્દુ નામ ધારણ કરીને ખોટી રીતે લગ્ન કર્યા છે અને એક પુત્રીનો જન્મ પણ થયો છે. ગુરૂવારે મોડી રાત્રે માથાકૂટ થતા આખરે ડિંડોલી પોલીસે મો. અખ્તરની સામે લવજેહાદ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મો. અખ્તરને એક પુત્રી છે જેની ઉંમર હાલમાં 32 વર્ષ છે અને તેના ઘરે પણ છોકરાઓ છે. હાલ તો મો. અખ્તરે બીજી કોઇ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી છે કે નહી..? તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top