એક્ટીંગની યુનિવર્સિટી ટ્રેજેડીકિંગ દિલીપકુમારે તા. 7-7-21 ના રોજ 98 વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય લીધી. દિલિપ સા’બના છેલ્લા શ્વાસ સુધી તેમની સાથે રહેનાર તેમની પત્ની સાયરાબાનુ માટે ફિલ્મ સતી સાવિત્રીના ગીતકાર ભરત વ્યાસના શબ્દો ‘તુમ્હ હો કાયા મૈં હું છાયા’ યાદ આવી ગયા. નવ દાયકા વિતાવી ચૂકેલા એક બાળક સમા બની રહેલા પતિ દિલીપકુમારની સંભાળ અને બાળક ન હોવાના અફસોસ વિના પતિથી 22 વર્ષ નાની ઉંમરના એક જમાનાનાં બ્યુટીકવીન સાયરાબાનુ પતિની સેવાચાકરી કરી તે દિલીપકુમારનું બડભાગ્ય કહેવાય. અમે રાત્રે એક વાગ્યાના સુમારે એક લગ્ન પ્રસંગમાંથી કોલોનીમાં ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં ગેસ્ટહાઉસ નજીક દિલીપકુમારને જોયા. પ્રથમ તો ખ્યાલ ન આવ્યો, પણ પાછળથી ખ્યાલ આવતાં સ્કુટર પાછું વાળ્યું અને અમે તેમની નજીક ઊભું રાખ્યું. દિલીપસા’બ પણ ઊભા રહ્યા. સાયરાબાનુ થોડાં આગળ સાડીમાં સજ્જ ચાલતાં હતાં અને દિલીપકુમાર સાથે તેના બે અંગરક્ષક હતા. દિલીપ સાહેબે મારા ત્રણ ચાર વર્ષના દીકરાના માથા પર તેમના હાથનો સ્પર્શ કર્યો અને તેમની પર્સનાલીટીથી ચકિત થઇ ગયા. કલાકાર સદા સ્વર્ગસ્થ નહિ, પણ હ્દયસ્થ રહે છે. દિલીપકુમાર ફિલ્મી ઇતિહાસમાં સદા અમર છે.
સુરત – પ્રભા પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.