સુરત: સુરતના હીરાઉદ્યોગમાં (Surat Diamond Industry) છેલ્લાં બે વર્ષથી તેજી છે. કારખાનાઓમાં કામ કરતા રત્નકલાકારો (Diamond Workers) પાસે ઓવરટાઈમ (Overtime) કરાવવામાં આવી રહ્યું છે. દિવાળીના મહિનામાં વધુ પ્રોડક્શન લેવા માટે રત્નકલાકારો પાસે વધારે કામ લેવામાં આવે છે, પરંતુ તેમને બોનસ (Diwali Bonus) કે ઓવરટાઈમના હક્કથી વંચિત રાખવામાં આવી છે. રત્નકલાકારો સાથે થતાં આ અન્યાયના મુદ્દે આજે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન (Gujarat Diamond Worker union) સુરત જિલ્લા કલેક્ટર (Surat District Collector) કચેરીએ પહોંચી ગયું હતું.
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના સભ્યોએ આજે સુરત જિલ્લા કલેક્ટર આયૂષ ઓકને એક આવેદન પત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે મીડિયાને જણાવ્યું કે, રત્નકલાકારોને તેમના અધિકારો આપવામાં આવતા નથી. દિવાળીમાં રત્નકલાકારોને બોનસ મળવું જોઈએ. તેમજ દિવાળીમાં વધારે કલાકો કામ કરાવવામાં આવે છે તો તેઓને ઓવરટાઈમનો પગાર અલગથી મળવો જોઈએ. આ ઉપરાંત દિવાળીના વેકેશન (Diwali Vacation) દરમિયાન સુરત થી જે એક્સ્ટ્રા એસ.ટી.બસો શરૂ કરવામાં આવી છે તેને ઉના, કોડીનાર અને ગીર ગઢડા સુધી લંબાવવામાં આવે તેવી માંગણી કરી હતી.
આજે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના આગેવાનોએ સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. યુનિયને માંગણી કરી હતી કે, હીરાઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોના પગારમાં વધારો કરવામાં આવે અને તેમને બોનસ એકટ મુજબ દિવાળી બોનસ ચૂકવવામાં આવે તથા દિવાળીના મહિને જે ઓવરટાઈમ કરવામાં આવે છે તેનો ડબલ પગાર રત્નકલાકારોને ચૂકવવામાં આવે. જેથી રત્નકલાકારો પણ દિવાળી નો તહેવાર ઉજવી શકે.
જે કંપનીઓ રત્નકલાકારોને બોનસ નહીં ચૂકવે અને ઓવરટાઈમનો અલગ પગાર નહીં ચૂકવે તેવી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સુરતથી જે એક્સ્ટ્રા એસ.ટી.બસો શરૂ કરવામાં આવી છે તેને ઉના,ગીર ગઢડા,અને કોડીનાર સુધી લંબાવવામાં આવે એવી રજૂઆત સુરત જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.
યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે વધુમાં કહ્યું હતું કે, વૈશ્વિક મંદી અને વૈશ્વિક મહામારી કોરોના વાયરસની ગંભીર અસર હીરાઉદ્યોગ ઉપર પડી હતી જેના કારણે હીરાઉદ્યોગમાં કામદારોના પગારમાં જંગી ઘટાડો કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર થયા હતા. બેરોજગારી તથા આર્થિકતંગીના લીધે સંખ્યાબંધ રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા હતા.
સરકારે લોકડાઉન જાહેર કર્યું ત્યારે એવો પરિપત્ર જાહેર કરાયો હતો કે દરેક કંપનીએ કામદારોને લોકડાઉનનો પગાર ચૂકવવો પડશે પરંતુ હીરાઉદ્યોગના રત્નકલાકારોને ઉદ્યોગકારોએ પગાર ચૂકવ્યો નહોતો તો બીજી તરફ સરકાર દ્વારા પણ રત્નકલાકારો ને કોઈ જ આર્થિક મદદ કરી નહોતી જેના કારણે રત્નકલાકારો નોંધારા અને નિઃસહાય બની ગયા હતા. ત્યારે હાલ હીરાઉદ્યોગમાં ખૂબ સારી તેજી છે તો એ તેજી નો લાભ ઉદ્યોગકારોની સાથે રત્નકલાકારોને પણ મળવો જોઈએ અને મોંઘવારી પ્રમાણે રત્નકલાકારોના પગારમાં વધારો થવો જોઈએ પરંતુ તેમના પગારમાં ખાસ કોઈ વધારો થયો નથી તેનાથી એવું સ્પષ્ટ થાય છે કે તેજી હંમેશા ઉદ્યોગપતિઓ માટે આવે છે અને મંદી હંમેશા કામદારો માટે જ આવે છે.
હીરાઉદ્યોગમાં કામદારોના હક-અધિકારને કચડવામાં આવી રહ્યા છે જેના કારણે હીરાઉદ્યોગમાં એક તરફી વિકાસ થઈ રહ્યો છે. કામદારો દિનપ્રતિદિન પાયમાલ થાય છે અને ઉદ્યોગપતિઓ માલામાલ થઈ રહ્યા છે.