સુરત: (Surat) મહિધરપુરા હીરાબજાર (Diamond Market) સ્થિત થોભા શેરીમાં હીરાના વેપારી (Diamond Traders) ઉપર ભગીરથ અને ભાવિન નામના બે યુવકોએ આવીને બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી કરીને માથામાં ત્રણ-ચાર ખુરશીઓ મારી દીધી હતી. બનાવ અંગે મહિધરપુરા પોલીસે (Mahidharpura Police) ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
- મહિધરપુરામાં બાકી પેમેન્ટની ઉઘરાણી માટે હીરાના વેપારી ઉપર હુમલો
- બે યુવકોએ આવીને વેપારીને ત્રણ-ચાર વાર ખુરશીઓ મારી હુમલો કરતા ફરિયાદ
- મહિધરપુરા હીરાબજાર સ્થિત થોભા શેરીમાં હીરાના વેપારી ઉપર હુમલો
- બંને યુવકો હીરાની દલાલી કરતા હોય અવારનવાર પારસભાઇની પાસેથી હીરા ખરીદ-વેચાણ કરતા હતા
પ્રાપ્ત વિગતો મુજબ અડાજણ આનંદ મહલ રોડ ન્યુઝ એવન્યુ ખાતે રહેતા પારસ હિરાલાલ મહેતા (ઉ.વ.૪૬) હીરા બજાર થોભા શેરીમાં હનુમાન ચરણ બિલ્ડિંગના ત્રીજા માળે ડાયમંડ લેબોરેટરીની ઓફિસ ધરાવે છે. બે દિવસ પહેલા પારસભાઇ પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ભગીરથ અને ભાવિન નામના બે યુવકો તેમની પાસે આવ્યા હતા. આ બંને યુવકો હીરાની દલાલી કરતા હોય અવારનવાર પારસભાઇની પાસેથી હીરા ખરીદ-વેચાણ કરતા હતા. દરમિયાન તેઓને પારસભાઇની પાસેથી બાકી નીકળતા રૂપિયાને લઇને માથાકૂટ થઇ હતી અને તેઓએ પારસભાઇની સાથે ઝઘડો કરીને તેઓના માથામાં ત્રણ-ચાર વાર ખુરશીઓ મારી દીધી હતી. બનાવ અંગે ઇજાગ્રસ્ત પારસભાઇએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ચેક રિટર્નના કેસમાં વેપારીને 1 વર્ષની કેદની સજા
સુરત : મિત્રતામાં ધંધા માટે આપેલા રૂ.૪.૯૫ લાખના ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટે આરોપીને તક્સીરવાર ઠેરવીને 1 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત મુજબ નવાગામ ડિંડોલીના ઓમનગરમાં રહેતા શૈલેષ મગનલાલ બ્રહ્મભટ્ટએ ડિંડોલીના સાંઇવીલા રો હાઉસમાં રહેતા રાજેશકુમાર કૃષ્ણાપ્રસાદ મિશ્રાની પાસેથી રૂા.4.95 લાખ હાથ ઉછીના લીધા હતા અને બે વર્ષમાં ચૂકવી આપવાની બાંહેધરી આપી હતી. આ ઉપરાંત 4.95 લાખની સામે રાજેશકુમારને ચેક આપવામાં આવ્યો હતો. પરંતુ આ ચેક રિટર્ન થતાં રાજેશકુમારે એડવોકેટ એન.બી. રાજપૂત મારફતે કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ ચાલી જતાં કોર્ટે આરોપી શૈલેષને તક્સીરવાર ઠેરવીને 1 વર્ષની કેદની સજા અને 4.45 લાખનું વળતર ચૂકવી આપવાનો આદેશ આપ્યો હતો.