સુરત: ભારતના હીરા ઉદ્યોગના અગ્રગણ્ય અને દાનવીર ગોવિંદ ધોળકિયાનું યુકે સંસદના હાઉસ ઓફ લોર્ડસના ચોલમોન્ડેલી રૂમ ખાતે આયોજિત ખાસ કાર્યક્રમમાં વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. લોર્ડ્સ, સંસદ સભ્યો, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ અને લંડનના ચુનંદા લોકોની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. લોર્ડ ભીખુ પારેખની અધ્યક્ષતા હેઠળ લોર્ડ રાજ લુમ્બાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
હીરાઉદ્યોગ અને ભારત-બ્રિટિશ સંબંધોમાં ગોવિંદ ધોળકિયાએ કરેલા અપ્રતિમ યોગદાન બદલ તેમનું સન્માન કરવા માટે આયોજિત આ કાર્યક્રમમાં લોર્ડ નવનીત ધોળકિયા અને લોર્ડ રામી રેન્જર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બ્રિટિશ સાંસદો, નોર્થ વેસ્ટ કેમ્બ્રિજ શાયરના મતદાર ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા શૈલેષ વારા, ઈલિંગ સાઉથ હોલના સાંસદ વિરેન્દ્ર શર્મા તેમજ સાઉથ વેસ્ટ હર્ટફોર્ડશાયરના ગગન મોહિન્દ્રાએ ભારત-બ્રિટિશ વ્યાપાર સંબંધો અને હીરાઉદ્યોગના મહત્ત્વ વિશે વાત કરી હતી. તેઓએ ધોળકિયાના ભારત અને યુકે વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
તેઓ હીરાઉદ્યોગમાં એક જાણીતું વ્યક્તિત્વ છે. જેમણે ભારતમાં હીરાઉદ્યોગના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ ભારતના સૌથી મોટા હીરા નિકાસકારોમાંના એક શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને અધ્યક્ષ છે. હીરાઉદ્યોગમાં કરેલા યોગદાન બદલ તેમનું નામ આદરથી લેવામાં આવે છે. તેમને ‘GJEPC લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’ અને ‘ભારતના ટોપ 100 મોસ્ટ પાવરફુલ બિઝનેસ લીડર્સ’ એવોર્ડ સહિત અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.
આ સન્માન કાર્યક્રમ ગોવિંદ ધોળકિયા માટે નોંધપાત્ર સિદ્ધિ અને ભારત માટે ગૌરવની ક્ષણ હતી. એ ભારત અને યુકે વચ્ચેના મજબૂત સંબંધો તથા યુકેમાં વસતા ભારતીયોએ કરેલા અમૂલ્ય યોગદાનને ઉજાગર કરે છે. અમીષ ત્રિપાઠી (મિનિસ્ટર કલ્ચર એન્ડ એજ્યુકેશન, હાઈ કમિશન ઓફ ઈન્ડિયા અને ડાયરેક્ટર, ધ નેહરુ સેન્ટર), નિમિષા માધવાણી (યુકે સ્થિત યુગાન્ડાના હાઈ કમિશનર) તથા સાઉથવાર્કના મેયર કાઉન્સિલર સુનીલ ચોપરાએ પણ ગોવિંદ ધોળકિયાના કાર્યની પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમમાં સાંસદો અને લોર્ડ્સ સહિત અનેક અગ્રણી હસ્તીઓએ હાજરી આપી હતી અને ભારત અને યુકે વચ્ચેના મજબૂત સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. હીરાઉદ્યોગની અગ્રણી કંપની ડી’બિયર્સના સારાહ કુઇજલાર્સ અને નિગેલ સિમસન આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. ખાસ મહેમાનોમાં ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંસ ધોળકિયા સહિત સમગ્ર પરિવારે પણ તેમના આ ઉત્કૃષ્ટ સન્માન સમારોહને માણ્યો હતો.