સુરત: શહેરના ડાયમંડ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત કંપની દ્વારા નાના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાના આક્ષેપોને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો છે. કંપની દ્વારા નાના વેપારીઓ પાસેથી લેવામાં આવેલા ચેકના બદલામાં રોકડ રકમ લીધા બાદ પણ ચેક બેંકમાં નાખીને ચેક રિટર્નની ફરિયાદ કરવામાં આવતાં પીડિત વેપારીઓ દ્વારા આજે તા.13 એપ્રિલે ડાયમંડ એસોસિએશન (Surat Diamon Association) ખાતે ભારે વિરોધ વચ્ચે રજુઆત કરવામાં આવી હતી.
- કે.પી. સંઘવીએ નાના વેપારીઓને છેતરતાં મામલો સુરત ડાયમંડ એસોસિએશન પર પહોંચ્યો
- કંપની દ્વારા નાના વેપારીઓ પાસેથી લેવામાં આવેલા ચેકના બદલામાં રોકડ રકમ લીધા બાદ પણ ચેક બેંકમાં નાખીને ચેક રિટર્નની ફરિયાદ કરવામાં આવી
છ મહિના પહેલાં ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં જ કંપનીને રૂપિયાની ચુકવણી કરવામાં આવી હોવા છતાં આ પ્રકારના વિશ્વાસઘાતને પગલે અનેક નાના વેપારીઓએ જેલની હવા ખાવાની નોબત આવી હોવાની પણ રજુઆત કરવામાં આવી હતી. બીજી તરફ ડાયમંડ એસો.ની ઓફિસે પહોંચેલી મહિલાઓએ પણ આ સમગ્ર પ્રકરણમાં જો જવાબદાર કંપની દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો આપઘાતની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર હીરા ઉદ્યોગમાં નામાંકિત કંપની કે.પી. સંઘવી (KPSanghvi) વધુ એક વખત વિવાદનું (Controversy) કેન્દ્ર બની છે. થોડા સમય પૂર્વે નાના વેપારીઓને ધંધામાં નુકસાન જતાં તેઓએ કેપી સંઘવી કંપનીને બાંહેધરી પેટે ચેક આપ્યા હતા.
જો કે, બાદમાં આ વેપારીઓએ બાકી નીકળતી મુળ રકમ રોકડથી ચુકવી આપી હતી. પરંતુ કંપનીના દલાલ દ્વારા વેપારીઓ પાસેથી રોકડ રકમ લીધા બાદ પણ ડિપોઝીટ પેટે આપવામાં આવેલા ચેકો પરત કરવામાં આવ્યા ન હતા. જે તે સમયે વેપારીઓ દ્વારા આ અંગે કોઈ ખાસ વિરોધ પણ કરવામાં આવ્યો ન્હોતો.
જો કે, બાદમાં કંપની દ્વારા આ ચેકો બેંકમાં ડિપોઝીટ કરવામાં આવતાં મોટા ભાગના ચેકો રિટર્ન થયા હતા. જેને પગલે કંપનીના સંચાલકો દ્વારા મુળ રકમ ચુકવવામાં આવી હોવા છતાં જેતે વેપારીઓ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને પગલે કેટલાક વેપારીઓને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો અને ત્રણથી ચાર મહિના સુધી જેલમાં રહેવાની નોબત આવી હતી.
આ સમગ્ર ઘટનાને પગલે હવે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આજે સવારે ડાયમંડ એસોસિએશનની ઓફિસ ખાતે ભોગ બનનાર પીડિત વેપારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા મોરચો કાઢીને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કેપી સંઘવીના સંચાલકો દ્વારા જે રીતે નાના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે તેને પગલે અન્ય નાના વેપારીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો.
આ સ્થિતિને પગલે ડાયમંડ એસોસિએશનની ઓફિસે પહોંચેલા વેપારીઓ દ્વારા સમગ્ર પ્રકરણમાં કેપી સંઘવીના સંચાલકો સમક્ષ યોગ્ય રજુઆત કરવાની સાથે ન્યાયની માંગ કરવામાં આવી હતી.
મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી
કેપી સંઘવીના સંચાલકો દ્વારા નાના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાના આક્ષેપને પગલે હીરા ઉદ્યોગમાં ભારે ચકચાર મચી જવા પામી છે ત્યારે આજે ડાયમંડ એસોસિએશનની ઓફિસે પહોંચેલી મહિલાઓ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, કંપની દ્વારા ચેક રિટર્નની ફરિયાદને પગલે તેમના પરિવારના સભ્યોએ જેલની હવા ખાવાની નોબત આવી છે. આ સ્થિતિમાં જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી ઉચ્ચારી હતી.
5 મહિના પૂર્વે ડાયમંડ એસો.ની હાજરીમાં રૂપિયાની ચુકવણી થઈ હતી
નાના વેપારીઓ પાસેથી ચેકના અવેજમાં રોકડ રકમ લીધા બાદ પણ ચેક રિટર્નની ફરિયાદને પગલે વિવાદમાં આવેલ કેપી સંઘવી વિરૂદ્ધ હાલમાં હીરા બજારમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે. જો કે, આ સમગ્ર પ્રકરણમાં પાંચ મહિના પૂર્વે કેપી સંઘવી અને નાના વેપારીઓ વચ્ચે પેમેન્ટ મુદ્દે મડાગાંઠ સર્જાવા પામી હતી. ત્યારે ડાયમંડ એસોસીએશનની મધ્યસ્થીમાં જ વેપારીઓએ કેપી સંઘવીના સંચાલકોને બાકી નીકળતા પેમેન્ટની ચુકવણી કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, રૂપિયા ચુકવાયા બાદ પણ કંપની દ્વારા ફરિયાદ કરવામાં આવતાં હવે ડાયમંડ એસોસીએશન પણ દોડતું થઈ ગયું છે.
કેપી સંઘવીના સંચાલકો સાથે બેઠક માટેની તજવીજ
સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા સમગ્ર પ્રકરણમાં નાના વેપારીઓના હિતને ધ્યાને રાખીને વહેલી તકે સમસ્યાના નિરાકરણ અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે એસોસીએશનના હોદ્દેદારો દ્વારા કેપી સંઘવીના સંચાલક કીર્તિ સંઘવીનો સંપર્ક કરવામાં આવતાં આગામી સપ્તાહમાં આ પ્રકરણ અંગે મુલાકાત કરવામાં આવશે. જે સંદર્ભે ડાયમંડ એસોસીએશન દ્વારા કંપનીના સંચાલકોને સમગ્ર ઘટના અંગે વાકેફ કરાવવાની સાથે વેપારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.