અમેરિકામાં સખત શિયાળો ચાલી રહ્યો છે ત્યારે અમેરિકા અને કેનેડાની સરહદે આવેલ નાયગરા ધોધનું પાણી પણ કેટલીક હદે થીજી ગયું હતું અને આના કારણે હાલમાં આ ધોધની અમેરિકાની બાજુએ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા જેની કેટલીક અદભૂત તસવીરો બહાર આવી છે.
નાયગરા ધોધ જે વિસ્તારમાં આવેલો છે ત્યાં તાપમાન માઇનસ ૨ અંશ સેલ્સિયસ જેટલું નીચું જતું રહેતા ધોધના પાણીના જથ્થાનો કેટલોક ભાગ થીજી જવા માંડ્યો હતો. ઉંચાઇએથી પડતા ધોધના પાણીની સાથે બરફના ગચિયાઓ પડતા પણ જોઇ શકાતા હતા અને પછડાતા પાણીની સાથે ઉડતી બરફની છીણ પર પડતા પ્રકાશથી સુંદર મેઘધનુષ પણ સર્જાતું જોવામાં આવ્યું હતું.
આ ધોધમાં જથ્થો એટલો બધો છે અને તે એટલા વેગથી પછડાય છે કે પુરેપુરું પાણી થીજી જતું નથી પરંતુ તેની ઉપરની સપાટી પર જામતો બરફ સુંદર દ્રશ્ય ખડું કરે છે.
ધોધની આજુબાજુ ટેકરી અને ખીણમાં જામેલો રૂના પોલ જેવો સફેદ બરફ પણ મનોહર દ્રશ્ય ઉભું કરે છે. અમેરિકામાં આ શિયાળો ભલે કાતિલ રહ્યો હોય પણ નાયગરાના વિસ્તારમાં તો તેણે સૌંદર્યનું કાવ્ય લખી નાખ્યું છે.