Dakshin Gujarat

ચીખલીના હરણગામના ફાર્મમાં દીપડો ફરતો હોવાનો વિડીયો વાઈરલ

ઘેજ઼: (Dhej) ચીખલી તાલુકાના હરણગામના ફાર્મમાં દીપડો (Leopard) ફરતો હોવાનો વિડીયો વાઈરલ (Video Viral) થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. છ માસ પૂર્વે આ જ ફાર્મમાંથી દીપડો ડોબરમેન કૂતરાને ઉઠાવી ગયો હતો. પ્રાપ્ત વિગત મુજબ હરણગામ સ્થિત ઉમિયા ફાર્મમાં દીપડો લટાર મારતો હોવાનો વિડીયો વાઈરલ થવા પામ્યો છે.

  • ચીખલીના હરણગામના ફાર્મમાં દીપડો ફરતો હોવાનો વિડીયો વાઈરલ
  • સ્થાનિકોમાં ભયનો માહોલ, છ માસ પૂર્વે આ જ ફાર્મમાંથી દીપડાએ ડોબરમેન કૂતરાને ફાડી ખાધો હતો

આ ફાર્મમાં છ માસ પૂર્વે પણ દીપડાએ ધસી આવી ત્યાં માલિકે પાળેલા ડોબર મેન કુતરાને ઊઠાવી જઈ ફાડી ખાધો હોવાનો બનાવ બન્યો હતો. હાલે ફરી આ ફાર્મમાં દીપડો જોવા મળતા ત્યાં અને આજુબાજુમાં કામ કરવા જતાં શ્રમિકો તથા ખેડૂતોમાં પણ ભય ફેલાયો છે. બીજી તરફ વીજકંપની દ્વારા ખેતીવાડીની વીજળી પણ રાત્રિ દરમ્યાન આપતા ખેડૂતોની મુશ્કેલી વધવા પામી છે. દીપડા અને ભૂંડ જેવા પ્રાણીઓના ભયને પગલે દિવસ દરમ્યાન વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જો કે વાઇરલ વિડીયો અંગે વન વિભાગ દ્વારા પુષ્ટિ અપાઈ ન હતી.

ગામમાંથી કોઈ રજૂઆત આવી નથી
આરએફઓ આકશભાઈના જણાવ્યા મુજબ વિડીયો અને દીપડા બાબતે ગામમાંથી કોઈ રજૂઆત આવી નથી. અગાઉ વિડીયો વાઇરલ થયો હતો તે તલાવચોરાનો 2022 નો હતો, અમે તપાસ કરાવી લઈશું.

ખેતીવાડીની વીજળી દિવસે આપવી જોઈએ
હરણગામ ઉમિયા ફાર્મના માલિક શાંતિલાલ પટેલના જણાવ્યા મુજબ તેમના ફાર્મમાં દીપડાનો વિડીયો ફરતો થયો તે સાચી વાત છે. છ માસ પૂર્વે પણ દીપડો અમારા ડોબરમેન કૂતરાને ફાડી ખાધો હતો. દીપડા સાથે ભૂંડનો પણ ત્રાસ છે ત્યારે વીજકંપની દ્વારા ખેતીવાડીની વીજળી દિવસે આપવી જોઈએ.

Most Popular

To Top