ધરમપુર: (Dharampur) ધરમપુરના ફુલવાડી ગામના દંપતીનો પુત્ર બિમાર હોવાથી તેની સારવાર માટે તેઓ બાઈક (Bike) ઉપર ધરમપુર આવવા માટે નીકળ્યા હતા. કુલવાડી ગામનાં ફાટક નજીક બાઈક ખાડામાં પડતાં દંપતી સહિત પુત્ર જમીન પર પટકાતાં માતા-પુત્રને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે સ્ટેટ હોસ્પિટલમાં (Hospital) લઈ ગયા હતાં, જ્યાં સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજ્યું હતું.
- ધરમપુરના ફુલવાડી ગામે બાઈક ખાડામાં પટકાતાં મહિલાનું મોત, પતિ-પુત્રને ઈજા
- ફાટક પાસેના બિસ્માર રસ્તાના ખાડાએ નિર્દોષ મહિલાનો જીવ લઈ લીધો
ધરમપુર ફુલવાડી ગામના ગીરનારા મંદિર ફળીયા ખાતે રહેતા ઉદેશ સંતોષ દળવી અને તેની પત્નિ બાઈક પર પુત્ર હર્ષ બિમાર હોવાથી તેની સારવાર માટે ધરમપુર હોસ્પિટલ લઈને આવતાં હતાં. દરમિયાન ફુલવાડી ફાટક નજીક માર્ગ પાસે મસમોટા ખાડામાં બાઈક પટકાત ખાડામાં ઉતરી જતાં બાઈક પડી ગઈ હતી. બાઈક ઉપર સવાર ઉદેશ દળવી, તેની પત્ની મિતલ તથા પુત્ર હર્ષ ત્રણેય જમીન પર પટકાયા હતા. ઉદેશ દળવીને હાથનાં ભાગે મૂઢમાર લાગ્યો હતો. પત્ની તથા છોકરાને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આજુબાજુનાં લોકો દોડી આવતા ઈજાગ્રસ્ત પત્ની મિતલ તથા પુત્ર હર્ષને ખાનગી વાહનમાં હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. પત્ની મિતલને વધુ સારવાર અર્થે સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જે અંગેની ફરિયાદ ઉદેશ સંતોષ દળવીએ ધરમપુર પોલીસ મથકે નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડના ધમડાચીમાં જૂની અદાવતમાં બે પક્ષો બાખડ્યાં, સામસામી ફરિયાદ
વલસાડ: વલસાડ ધમડાચીમાં જુની અદાવતમાં મારામારી થઇ હતી. જેમાં સળિયા વડે બંને પક્ષના લોકોને માર વાગતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ ધમડાચી વિસ્તારમાં રહેતા વિનોદ રામલાલ વર્મા ગતરાતે તેના ઘરની બહાર ઉભા હતા. અગાઉના ઝગડાની અદાવતમાં ભાવિન ઉર્ફે લાલુ કિશોર પટેલ, સુજીત રામપ્યારે યાદવ, કિશોર પટેલ અને સુજીતનો સાળો ત્યાં આવી ઝગડો કરતા હતા. જેમાં તેમણે વિનોદને માર માર્યો હતો. વિનોદે પણ તેમને માર માર્યો હતો. ત્યારે આ અંગે પોલીસે વિનોદની બહેનની ફરિયાદ લઇ ભાવિન, સુજીત, કિશોર અને સુજીતના સાળા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે બીજી તરફ ભાવિનની ફરિયાદ લઇ વિનોદ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.