એક ખેડૂત ભગવાનનો પરમ ભક્ત. સવાર સાંજ ગામના મંદિરે દર્શન કરવા જાય.આખો દિવસ ભગવાનનાં ભજન ગાય અને કામ કરતો રહે.ન ભગવાન પાસે કંઈ માંગે ન કોઈ ફરિયાદ કરે.સખત મહેનત કરીને માંડ કુટુંબનું ભરણપોષણ કરી શકે, પણ કોઈ દુઃખ વ્યક્ત ન કરે. તેની પત્ની બડબડ કરે કે ‘આટલા ભગવાનને ભજો છો, પણ ભગવાન તમારી તરફ જોતો જ નથી.ખબર નહિ, આપણા સુખના દિવસો ક્યારે આવશે?’
એક દિવસ સાંજે થાકીને ઘરે આવેલા ખેડૂતને પગમાં જરા વાગ્યું હતું.મંદિરે જવાનું બાકી હતું, વિચાર્યું ઘરે જરા દવા લગાડી આરામ કરી પછી મંદિરે જઈશ.ઘરે પહોંચતાં જ પત્નીએ દવા તો લગાડી, પણ બડબડ શરૂ કરી.બિચારો ખેડૂત થાકેલો હતો. વળી વાગ્યું હતું અને વળી પત્નીની કચકચ ચાલુ થઇ અને ખેડૂતના મનમાં કચવાટ હતો કે હજી મંદિરે જવાયું નથી. ખેડૂત દવા લગાડીને ઊભા થતાં મનમાં બોલ્યો, ‘હે ભગવાન, આજે તો મારો ધક્કો સફળ કરજે. જો તું સાચે જ મંદિરમાં હાજર રહેવાનો હોય અને મારી વાત સાંભળવાનો હોય તો જ હું વાગેલા પગે ધક્કો ખાઉં.
બાકી તારી પથ્થરની મૂર્તિ જોવા હું ખોટો ધક્કો ખાતો નથી.’આમ વિચારતો ખેડૂત મંદિરના દરવાજે પહોંચ્યો. મંદિરનાં દ્વાર બંધ હતાં, ખેડૂતને નવાઈ લાગી. કોઈ દિવસ મંદિરના દરવાજા બંધ રહેતા નહિ અને આજે આમ કેમ? ખેડૂતે આજુબાજુ નજર દોડાવી કે મંદિરનાં દ્વાર કેમ બંધ છે? તે કોને પૂછું ;પણ કોઈ દેખાયું નહિ. તેણે દ્વાર ખખડાવ્યાં અને પુજારીજીને બૂમ પાડી. ખેડૂતના આ મનની વાત જાણે ભગવાને સાંભળી લીધી હોય અને જવાબ આપવા જાણે પુજારીને મોકલ્યા.પૂજારીજીએ જવાબ આપ્યો કે, ‘જે ભક્ત હોય તે થોડી પ્રતીક્ષા કરે.
આજે ઠાકોરજીના દર્શનમાં સમય થશે.’ખેડૂતે બૂમ પાડી કારણ પૂછ્યું, તો પૂજારીજી બહાર આવ્યા અને બોલ્યા, ‘ભક્ત, લાગે છે પ્રભુ આજે મારી કસોટી લઇ રહ્યા છે કે કોઈના પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે.પ્રભુના શણગારમાં જ સમય લાગી રહ્યો છે. એક માળા પહેરાવતાં બીજી નીકળી જાય છે.કુંડળ ફેરવું તો તિલક પડી જાય છે. કંઈ ખબર પડતી નથી.ઠાકોરજી શું કરવા ઈચ્છે છે.’ ખેડૂત સમજી ગયો કે , ‘પ્રભુ મારા મનની વાતનો જવાબ આપી રહ્યા છે.જાણે કહી રહ્યા છે કે તને એમ હોય કે મંદિરમાં ખાલી મૂર્તિ જ છે તો તું ધક્કો નહિ ખાતો. જો પૂરેપૂરી શ્રધ્ધા સાથે આવીશ તો જ હું દર્શન આપીશ, નહિ તો હું પણ દ્વાર નહિ ખોલું.શંકા રાખીશ તો દ્વાર ખોલવાનો ધક્કો હું પણ નહિ ખાઉં અને શ્રધ્ધા રાખીશ તો તને કોઈ ધક્કો નહિ ખવડાવું.’ખેડૂતના મનના પ્રશ્નનું સમાધાન થયું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે