Comments

આજની યુવા પેઢી માટે ગાંધીજીની કઈ બાબત સૌથી વધુ પ્રેરણાદાયી બને?

મોહનદાસ કરમચંદ ગાંધી.ઇતિહાસના પન્ના પર લખાયેલું આ નામ દરેક સમયે એક જુદી પ્રેરણા આપે છે. તુલસીદાસના રામચરિત માનસમાં જેમ રામને લોકો અનેક રીતે જુવે છે જેની જેવી ભાવના એને રામ એવા દેખાય એમ ગાંધીને પણ તમે અનેક રીતે મૂલવી શકો છો. ગાંધી વિષે ખૂબ લખાયું છે પણ ગાંધીજી વિષે લખાયેલા બૃહદ્ સાહિત્યમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, ઉપવાસ વિગેરે વિષે ખૂબ લખાયું છે, પણ આ બધાના મૂળમાં ગાંધીજી મૂલે લડવૈયા હતા એ વાત જ નથી આવતી. બધા લખે છે અને કહે છે કે ગાંધીજી સત્ય ને અહિંસાના પુજારી હતા પણ કોઈ એમ નથી કહેતું કે ગાંધીજી લડત લડતા હતા અને સત્ય અને અહિંસા એ લડતનાં બે શસ્ત્રો હતાં.

આમ પણ શાંતિથી વિચારો તો સમજાય કે લડત કરો તો સત્ય અને અહિંસા સાથે રાખવાનાં હોય. લડત જ ના કરો તો સત્ય ક્યાં? અને અહિંસા ક્યાં? જાહેર જીવનમાં કોઈ મુદ્દે લડત કરીએ ત્યારે સત્ય કહેવાની અને સાંભળવાની તૈયારી રાખવાની હોય. લડત કરીએ તો એમાં હિંસા ના થાય એ જોવાનું હોય, પણ લડત જ ના કરવાની હોય તો સત્ય અને અહિંસાનો શું મતલબ? કાયરો અહિંસાની આડ લે અને લડતમાંથી ભાગવા માટે અહિંસા શબ્દનો દુરુપયોગ કરે તેવો ગાંધીજીનો કદી ઈરાદો ના હતો. ગાંધીજીમાં અનેક ગુણ હતા.

તેમણે કરેલાં કામો આપણને અચંબિત કરી નાખે એવાં છે.કોઈ માણસ એક જ જિંદગીમાં આટલું બધું કેવી રીતે કરી શકે? પણ ગાંધીજીનાં આ બધાં જ કામોના પાયામાં છે તેમની લડાયક વૃત્તિ, અન્યાય સહન નહિ કરવાની આદત અને બીજા માટે લડવાની ટેવ. ગાંધી એક લડવૈયા હતા  અને એમની મહાનતા એ કે એ બીજાને થતા અન્યાય માટે લડ્યા. બીજાની ગુલામી દૂર કરવા ઝઝૂમ્યા. દેશની ગરીબી દૂર કરવા લડ્યા. સમાજની અસ્પૃશ્યતા નાબૂદ કરવા લડ્યા. સ્ત્રીઓના સન્માન માટે લડ્યા. મજૂરોના શોષણ સામે લડ્યા. લડવું, લડવું, લડવું.અન્યાય સામે લડવું.અત્યાચાર સામે લડવું.સત્તા સામે લડવું. નબળા માટે લડવું. આજ તો ગાંધીજીની મૂળ ખાસિયત.

ગાંધીજી જયારે પ્રિટોરિયા જતા હતા અને રેલવેના ફર્સ્ટ ક્લાસની તેમની પાસે ટીકીટ હતી, છતાં અંગ્રેજોએ તેમને રંગભેદને કારણે ડબ્બામાંથી ઊતારી દીધા ત્યારે તે મહાત્મા ન  હતા,બાપુ ન  હતા, જાણીતા ન હતા. વળી રાત હતી. પરદેશ હતો, છતાં પોતાને ગ્રાહક તરીકે થયેલા અન્યાય સામે તેમણે લડત ઉપાડી કારણ કે મૂળમાં તે લડવૈયા હતા. પછી તો દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે લડ્યા. ભારત આવ્યા તો દારુણ ગરીબી જોઈ અને વિચાર્યું કે ભારતની મૂળ લડત તો આ ગરીબી સામે છે.

સ્વતન્ત્રતા તો વચમાં આવતી બાબત છે,બંગાળમાં ગળીના ખેતરમાં મજૂરો સાથે થતા અન્યાય સામે લડ્યા. અમદાવાદમાં મજૂરને મળતા વેતન માટે લડ્યા, ચરોતરમાં ખેડૂતો માટે લડત ચલાવવા સરદારને મોકલ્યા, સમાજમાં ફેલાયેલી અસ્પૃશ્યતા માટે લડ્યા અને હિંદુ મુસ્લિમને તોડનાર કોમવાદી નીતિ સામે લડ્યા. ગાંધીજી માત્ર અંગ્રેજો સામે નથી લડ્યા, માનવજીવનને અવરોધનાર તમામ પરિબળો સામે લડ્યા. ગાંધીજીવનનો સાચો સંદેશો એ જ કે અન્યાય સામે લડો. અત્યાચાર સામે અવાજ ઉઠાવો.

ગરીબી સામે, લૂંટ સામે બળવો કરો અને લડત કરો તો પછી સત્ય અને અહિંસા આવે છે. લડત જ ના કરો તો તો કોઈ પ્રશ્ન જ નથી ને આજની યુવા પેઢીને ગાંધીથી નજીક લઇ જતું કોઈ પરિબળ હોય તો આ ગાંધીજીની લડાયકતા છે, પણ કાં તો જાણી જોઇને  અથવા અજાણપણે ગાંધીજીની યુવાનોને ના ગમે એવી છબી જ રજૂ કરી દેવાઈ છે. ગાંધીજી બ્રહ્મચર્યની વાત કરતા. ગાંધીજી મુસ્લિમોને બહુ મહત્ત્વ આપતા. ગાંધીજીએ જ દલિતોને આ બધા લાભ અપાવ્યા. ગાંધીજીએ સત્ય અને અહિંસાને મહત્ત્વ આપ્યું.આ અને આવી વાતો અધૂરું સત્ય છે અને જુઠાણા કરતાં અર્ધ સત્ય વધારે ખતરનાક હોય છે.

આજના શાસકો ઇચ્છતા જ નથી કે કોઈ પડકાર ઊભો થાય,કોઈ પ્રશ્ન કરે, કોઈ વિરોધ કરે,ગાંધીજીની લડતોનો ઈતિહાસ યુવા વર્ગને અન્યાય સામે અવાજ ઉઠાવવા આંદોલિત કરે એ કોઈ ઇચ્છતું જ નથી, માટે જ ગાંધીજીને કૈંક જુદા જ બતાવાય છે, બાકી ગાંધીજીના જ અનુયાયી એવા ગુજરાતના કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોલી લખે છે કે “ સાચી કેળવણી એ છે કે જે માણસને અન્યાય સામે લડતાં શીખવે.માથું ઉંચકતાં શીખવે.ગિજુભાઈ બધેકાએ લખ્યું “ શીંગડા મંડા શીખો’’ આ બધું ક્યાંથી આવ્યું ?-ગાંધીચેતનામાંથી.ગાંધીજીવનનો એક જ સંદેશ છે.લડો. અન્યાય સામે લડો, અત્યાચાર સામે લડો,શોષણ સામે લડો, પારકા સામે લડો ,પોતાના સામે લડો અને લડો તો સત્ય અને અહિંસાને સાથે રાખો.બાકી લડવાનું જ ના હોય તો સત્ય અને અહિંસા શું કરવાનાં?  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top