Entertainment

ધડકતે દિલ કી તમન્ના હો

ધડકતે દિલ કી તમન્ના હો મેરા પ્યાર હો તુમ
મુઝે કરાર નહીં (૨) જબ સે બેકરાર હો તુમ (૨)
ધડકતે દિલ કી તમન્ના હો મેરા પ્યાર હો તુમ
ખીલા વો ફૂલ કિસીકે કિસી ચમન મેં રહે (૨)
જો દિલ કી રાહ સે ગુઝરી હે વો બહાર હો તુમ (૨)
ધડકતે દિલ કી તમન્ના હો મેરા પ્યાર હો તુમ
ઝેહ નસીબ અતા કી જો દર્દ કી સોગાત (૨)
વો ગમ હસીન હે જિસ ગમ કે જિમ્મેદાર હો તુમ (૨)
ધડકતે દિલ કી તમન્ના હો મેરા પ્યાર હો તુમ
ચઢાઉં ફૂલ યા આંસુ તુમ્હારે કદમોં મેં
મેરી વફાઓં કી ઉલ્ફત કી યાદગાર હો તુમ (૨)
ધડકતે દિલ કી તમન્ના હો મેરા પ્યાર હો તુમ

ગીતકાર: કૈફી આઝમી સ્વર: સુરૈયા સંગીત: ગુલામ મોહમ્મદ ફિલ્મ: શમા દિગ્દર્શક: લેખરાજ ભાકરી વર્ષ: 1961 કળાકારો: સુરૈયા, નીમ્મી, વિજય દત્ત, તરુણ બોઝ, કુમાર, ટૂનટૂન, મુમતાઝ બેગમ, કમ્મો

‘શમા’ ફિલ્મમાં સુરૈયા, નીમ્મી સાથે આપણા ગુજરાતી અભિનેતા વિજય દત્ત હતા. ફિલ્મમાં તેઓ લખનૌનાં શાયર છે જેના પ્રેમમાં શમા (નીમ્મી) છે પણ શાયર જયારે કહે છે કે તે રોશનઆરા (સુરૈયા)ને પરણશે, ત્યારે શમાનું દિલ તૂટી જાય છે. ફિલ્મમાં ‘ધડતે દિલ કી તમન્ના હો મેરા પ્યાર હો તુમ’ ગીતનો આરંભ નીમ્મી કરે છે અને સુરૈયા પણ ગાય છે. તે બન્નેની વચ્ચે શાયર છે. જેમની આંખો બંધ છે. નીમ્મી જાણે અંદરની હતાશા સાથે, ભગ્નહૃદય સાથે ગાઇ છે, ‘ધડકતે દિલ કી તમન્ના હો મેરા પ્યાર હો તુમ/ મુઝે કરાર નહીં જબ સે બેકરાર હો તુમ’.

તે ખૂબ જ ચાહે છે એટલે કહ્યા વિના રહી નથી શકતી કે તમે મારા ધડકતા દિલની ઇચ્છા છો. મારો પ્રેમ છો. એ પ્રેમિકા છે તો પ્રેમી બેચેન હોય તે જોઇ શકતી નથી એટલે પોતાના હૃદયના વલોપાતને ગાઇ ઉઠે છે. મને ચેન નથી જયારથી તમે બેચેન છો. પણ મુખડાની પંકિત હવે સુરૈયા ગાઇ છે, ‘ધડકતે દિલ કી તમન્ના હો મેરા પ્યાર હો તુમ’. પેલા શાયર માટે નીમ્મીની જે લાગણી છે એ જ લાગણી સુરૈયાની છે અને એજ તો હૃદયના ભગ્ન થવાનું કારણ બને છે. પણ સુરૈયાના ભાગે ‘મુઝે કરાર નહીં જબ સે બેકરાર હો તુમ’ પંકિત નથી. તેને તો તેનો પુરુષ મળી શકે તેમ છે પણ નીમ્મીને એવું નથી. તે તેના પ્રેમમાં જાણે એકલી પડી ગઇ છે. પ્રેમી તરફ લંબાવેલો હાથ ખાલી રહી જાય તો શું કરવું?

જેણે જેને પામવું છે તેના ભાગે તે નથી પણ છતાં તેની ફરિયાદમાં ઉદારતા અને નસીબનો સ્વીકાર પણ છે, ‘ખીલા વો ફૂલ કિસી કે કિસી ચમન મેં રહો’ કોઇના હૃદયના ઉપવનમાં ખીલેલું પ્રેમનું ફૂલ કોઇના ઉપવનમાં રહો. આપણે જે ફીલ ખીલવ્યું હોય તે આપણા જ માટે હોય એવી શરત તો નથી ને! તે એ જ શ્વાસે પોતાનામાં એવું આશ્વાસન પણ મેળવે છે ને સ્પષ્ટ રીતે એ પ્રેમની વેદના ય વ્યકત કરે છે. રંજ સાથે કે, ‘જો દિલ કી રાહ સે ગુઝરી હે વો બહાર હો તુમ’.

તમે મારા હૃદયના રસ્તેથી પસાર થયેલી વસંત છો. પસાર થયાનો અર્થ જ એ છે કે હવે તો નથી પણ મારા હૃદયના રસ્તે જે વસંત પસાર થઇ હતી તે તો તમે જ છો. ફરી સુરૈયાનું પાત્ર ગાય છે, ‘ધડકતે દિલ કી તમન્ના હો મેરા પ્યાર હો તુમ’ એક જયારે આ પંકિત ગાઇ છે તો તેના માટે પ્રેમની તીવ્ર સંવેદના જાણે સ્મૃતિ પણ બની રહી છે જયારે આ જ પંકિત સુરૈયા વડે ગવાય છે તો તેમાં એક પ્રકારનો છાનો અધિકાર પણ ભળેલો છે. પણ સાથે જ તેને સામી સ્ત્રી માટે સહાનુભૂતિ પણ છે.

બીજો અંતરો છે, ‘ઝેહ નસીબ અતા કી જો દર્દ કી સૌગાત/વો ગમ હસીં હૈ જિસ ગમ કે ઝિમ્મેદાર હો તુમ’ નસીબે જ આ દર્દ, પ્રેમનું આ દુ:ખ ભેટ આપ્યું છે અને એ દુ:ખ કે જેના જવાબદાર તમે છો એ મારે મન હસીન છે, સુંદર છે, ખૂબસૂરત છે. ત્રીજા અંતરાને આરંભે તે પૂછે છે, ‘તમારા પગમાં ફૂલ ચઢાઉં કે આંસુ? બન્ને છે. શું ચઢાવું? તો નીમ્મી પાસે તેણે કરેલા પ્રેમનો અહેસાસ છે એટલે કહે છે, ‘મેરી વફાઓં કી, ઉલ્ફત કી યાદગાર હો તુમ.’ મારી વફાદારી, મારા પ્રેમની તમે સ્મૃતિ છો.

પ્રેમ જયારે સ્મૃતિમાં ફેરવાતો હોય ત્યારે અંદરથી તૂટી જવાય, ભાંગી પડાય ને ત્યારે પોતાના ભાગમાં આવેલી વેદનામાં એકલા પડી જવાય. તમે જેને ચાહો તેની પસંદગીમાં જ તમે ન હો તો કરવું ય શું? તેની પસંદ કોઇ બીજી સ્ત્રી બને તો શું કરો? મન એ નિયતિવશ માની તો લે પણ અંદરથી પેલો પ્રેમ ઘાપર સૂસવાયા કરે.

કૈફી આઝમીએ એટલી નજાકતથી આ ગીત લખ્યું છે કે ગાનાર બંને પાત્રોમાંથી કોઇની ય લાગણીનો ઇન્કાર ન કરી શકો. બંનેમાં પ્રેમી માટેનો સમર્પણભાવ છે પણ પામવાનું તો એકને જ છે. સંગીતકાર ગુલામ મોહમ્મદે પ્રેમની બે અવસ્થા પ્રગટ થાય એ રીતે ગીત કમ્પોઝ કર્યું છે ને કમાલ એ છે કે બન્ને માટે એક જ અવાજનો ઉપયોગ કર્યો છે. જાણે બન્નેની લાગણીમાં ભેદી જ નથી, ભેદ છે તો તે નિયતિનો છે. ‘શમા’ના બીજા ગીત પણ યાદ કરો, ‘આપ સે પ્યાર હુઆ જાતા હે, ખેલ દુશ્વારહુઆ જાતા હે’, ‘મેરે મહેબૂબ તુઝે પ્યાર કરું યા ન કરું’, ‘ઇક જુર્મ કર કે હમને ચાહા થા મુસ્કુરાના’. કૈફી સાહેબ ને ગુલામ મોહમ્મદની જુગલબંદી ઉત્તમ છે.

Most Popular

To Top