Columns

નિષ્ઠા જરૂરી

Anathapindika - Alchetron, The Free Social Encyclopedia

ભગવાન બુદ્ધ એક નગરમાં પ્રવચન માટે પધાર્યા.મેદાનમાં પ્રવચન સભાની તૈયારીઓ ચાલી રહી હતી.ભગવાન બુદ્ધ મેદાનમાં જ એક ઝાડ નીચે બેઠા હતા.થોડી વારમાં નગરનો અતિ શ્રીમંત શેઠ ત્યાં આવ્યો અને ભગવાન બુદ્ધને પ્રણામ કરી બોલ્યો, ‘ભગવન્ હું મારી સાથે ગાડામાં એક લાખ સોનામહોર લાવ્યો છું.તમને અર્પણ કરવા માંગું છું.મારી પાસે બહુ ધન છે એટલે આ એક લાખ સોનામહોરોનો તમારે જે ઉપયોગ કરવો હોય તે કરી શકો છો.’ શેઠને હતું ભગવાન તથાગત રાજી થશે.વખાણ કરશે, પણ તેવું કશું જ ન થયું. ભગવાન બુદ્ધ જાણે તેની વાત સાંભળી જ ન હોય તેમ ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયા.

શેઠને થોડી ભોંઠપ લાગી.થોડી વાર પછી કૈંક વિચારીને શેઠ વળી પાછા ભગવાન તથાગત જ્યાં કામ કરતા મજૂરો સાથે વાતો કરી રહ્યા હતા ત્યાં ગયા અને પ્રણામ કરી બોલ્યા, ‘ભગવન્ મારી પાસે ઘણી સંપત્તિ છે. તમારા ગરીબ ભકતો માટે હું વસ્ત્ર આભૂષણ લાવ્યો છું. તમે બધાને આપી શકો છો અને આવતી કાલે તમારી પ્રવચન સભામાં જેટલા પણ ભક્તો આવશે, બધાના ભોજનની વ્યવસ્થા પણ મારા તરફથી થશે.’ શેઠને થયું હવે તો ચોક્કસ પ્રભુ રાજી થશે અને મારા વખાણ કરશે પણ એવું કશું થયું નહિ અને ભગવાન તો મહેનત કરતા મજૂરો સાથે વાત કરતા રહ્યા.થાકી ગયેલા મજૂરોને જાતે પાણી પીવડાવતા આગળ વધી ગયા.

શેઠ વિચારમાં પડ્યા કે પ્રભુ આ મજૂરો સાથે વાત કરે છે.તેમને પોતાના હાથે પાણી પીવડાવે છે અને હું આટલો પૈસો ખર્ચી સેવા આપવાની વાત કરું છું તો મારી સાથે વાત પણ નથી કરતા.નક્કી મારી કોઈ ભૂલ થતી લાગે છે.બહુ વિચારીને શેઠ પેલા મજૂરો પાસે ગયા અને તેઓ મંડપ બાંધવાનું કામ કરી રહ્યા હતા તેમાં મદદ કરવા લાગ્યા.આખી રાત કામ ચાલ્યું.બીજે દિવસે પ્રવચન દરમ્યાન પણ શેઠ સતત ભોજનશાળામાં જાતે કામ કરતા રહ્યા અને છેલ્લે સુધી બધા ભક્તોને ભાવથી ભોજન પીરસતા રહ્યા.ગઈ કાલ સાંજથી તેઓ સતત ખડેપગે કામ કરી રહ્યા હતા.

થોડી વારમાં હાથમાં ભોજનની થાળી લઈને ભગવાન તથાગત આવ્યા અને બોલ્યા, ‘વત્સ, ક્યારનો એકનિષ્ઠ થઇ કામ કરે છે તું થાક્યો હોઈશ.ભૂખ્યો થયો હોઈશ …ચલ જમી લે હું પીરસું છું.’ ભગવાન બુદ્ધને પોતાની પાસે જોઇને …પોતાની ચિંતા કરતા સાંભળીને….પોતાને ભોજન પીરસતા જોઇને શેઠ ચોધાર આંસુએ રડવા લાગ્યા. શેઠના આંસુ લૂછી તેમને ગળે લગાડતા ભગવાન બુદ્ધ બોલ્યા, ‘વત્સ, તું મારો એક પણ શબ્દ વિનાનો સંદેશ સમજી ગયો તેનો મને આનંદ છે.તું સમજી ગયો કે પૈસાથી  નહીં, પણ સાચી નિષ્ઠા સાથે જાતે સેવા કરવી જરૂરી છે.પૈસાનું દાન અભિમાન જન્માવી શકે છે અને સેવા દાન નમ્ર બનાવે છે.જે અભિમાન છોડી નમ્ર બને છે તે બધું જ મેળવી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top