નડિયાદ: દ્વારકા (Dwarka) બાદ હવે ડાકોરના (Dakor) રણછોડરાયના મંદિરમાં (RanchodraiTemple) ટુંકા વસ્ત્રો (ShortClothes) પહેરીને આવનારને પ્રવેશ મળશે નહીં. ડાકોરના મંદિર પ્રશાસન દ્વારા ટુંકા વસ્ત્રો પર પ્રતિબંધ (Ban) મુકી દીધો છે. આ સાથે જ મેનેજમેન્ટ દ્વારા ભક્તો અને વૈષ્ણવોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ટુંકા વસ્ત્રો પહેરી નહીં આવે. આ માટે મંદિરના પરિસરમાં નોટિસ પણ લગાવી દેવાઈ છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હવે શ્રદ્ધાળુઓ ટુંકા વસ્ત્રો પહેરીને દર્શન કરવા જઈ શકશે નહીં. હિન્દુ સંસ્કૃતિનું અપમાન અને ભગવાનની ગરિમા લજવાતી હોવાના કારણ જણાવી ડાકોર રણછોડજી મંદિર ટ્રસ્ટે આ નિર્ણય લીધો છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે ડાકોર રણછોડરાયજી ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો હોય. અગાઉ પણ આવો નિર્ણય લઈ મંદિર પરિસરમાં નોટિસો લગાવવામાં આવી હતી.
મંદિરના ઈન્ચાર્જ મેનેજર રવિન્દ્ર ઉપાધ્યાયના જણાવ્યા મુજબ અગાઉ પણ ઠરાવ કરાયો હતો. અપીલ કરાઈ હતી અને નોટીસો પણ મુકાઈ હતી, પરંતુ ભક્તો પાલન કરતા નહોતા. આજે ફરી એકવાર આ નિર્ણય લઈ મંદિર પરિસરમાં પેમ્ફલેટો વહેંચવામાં આવ્યા છે તેમજ નોટિસ લગાડી ભક્તોને અપીલ કરાઈ છે.
આ અગાઉ ગયા અઠવાડિયે દ્વારકામાં પણ આવો જ નિર્ણય લેવાયો હતો. એક જ અઠવાડિયામાં ગુજરાત બે મહત્ત્વના કૃષ્ણ મંદિરોમાં ટુંકા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવાયો છે. દ્વારકા અને ડાકોર ઉપરાંત અંબાજી મંદિર અને શામળાજી મંદિરમાં પણ ટૂંકાં વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે દેશનાં અનેક મંદિરોમાં ટુંકા વસ્ત્રો પર પ્રતિબંધના નિયમો પહેલાંથી જ અમલમાં છે. ઘણા મંદિરોમાં એવા નિયમો છે કે, શરીર 80 ટકા સુધી ઢંકાયેલું હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે. કેટલાંક મંદિરોમાં ડ્રેસકોડ પણ લાગુ કરાયો છે. મંદિરના સત્તાવાળાઓ ભક્તોને વિનંતી કરે છે કે, મહેરબાની કરીને ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં આવતા નહીં. જોકે, કોઈ ભાવિક મિની સ્કર્ટ કે બર્મુડા પહેરીને આવી જાય તો કેટલાંક મંદિરોમાં પીતાંબર અને ધોતીની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ માટે દુપટ્ટાની વ્યવસ્થા કરવામાં આવે છે.