SURAT : આજે યોજાયેલી ચૂંટણીના મતદાનમાં કુલ 30 પૈકી સૌથી વધુ મતદાન સુરતના ઉત્તર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સાત કતારગામ-વેડ ખાતે નોંધાયું હતું. વોર્ડ નંબર સાત માં કુલ 52.03 ટકા, જ્યારે વોર્ડ નંબર 19 આંજણા, ડુંભાલમાં ૫૧ ટકા મતદાન નોંધાયું હતું. 30 પૈકી આ બે વોર્ડ એવા હતાં જ્યાં ૫૦ ટકા ઉપરાંત મતદાન નોંધાયું છે. બીજી તરફ ઓછામાં ઓછું મતદાન સુરતના પોશ વિસ્તારમાં આવેલા બે વોર્ડમાં નોંધાયું છે. સોની ફળિયા, નાનપુરા, અઠવાલાઇન્સ અને પીપલોદને સમાવતાં વોર્ડ નંબર 21 માં ફક્ત 34.66 ટકા, જ્યારે ભટાર વેસુ અને ડુમસને સમાવતા વોર્ડ નંબર 22માં ફક્ત 34.99 ટકા મતદાન નોંધાયું હતું
તળ સુરતના વોર્ડ સહિત સમગ્ર સુરત શહેરમાં નીરસ માહોલમાં સરેરાશ મતદાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તુલનામાં ઓછું રહ્યું પરંતુ મહાપાલિકાની ગત ચૂંટણી કરતાં છ ટકા જેટલું વધુ રહ્યું હતું. મતદાન વધતાં ભાજપ ( BHAJAP) ની સાથે કોંગ્રેસ ( CONGRESS) ના ઉમેદવારોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે મતદારો દ્વારા સાઈલન્ટ રીતે વધુ મતદાન કરવામાં આવ્યું હતું. વધુ મતદાન થતાં જે વોર્ડમાં મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે તીવ્ર સ્પર્ધા હતી તેના કારણે સમીકરણ બદલાઇ શકે છે.
રાજકીય વિશ્લેષકોનું માનવુ છે કે, મતદાનનો જે દિવસ પસંદ કરવામાં આવ્યો તે દિવસે રવિવારની રજા સાથે દરેક ઘર્મમાં શુભમુહૂર્ત હોવાથી લગ્નો પણ મોટી સંખ્યામાં યોજાયા હતાં. જેને લીધે મતદાનની ઊંચી ટકાવારી જાય તેવી આશાઓ પર પાણી ફરી વળે તેવી સંભાવના હતી. તે ઉપરાંત સીનિયર સિટિઝન એવા મતદારોમાં મતદાન કેન્દ્રો પર ભીડને લીધે કોરોના સંક્રમણનો ભય પણ વધુ હોવાથી એવા મતદારો મતદાનથી દૂર રહે તેવી સંભાવના હતી. ચૂંટણી પંચની ગાઇડલાઇનને લીધે તંત્ર દ્વારા સ્લીપ વહેંચવામાં આવી નહીં હતી અને જે રાષ્ટ્રીય પક્ષોએ સ્લીપ વહેંચી હતી તે પૈકી કેટલાક પક્ષોની સ્લીપ મતદારો સુધી પહોંચી જ ન હતી જેથી મતદારોને બુથ શોધવામાં ભારે તકલીફ પડી હતી.
કેટલાક કિસ્સાઓમાં તો એક જ પરિવારના મતદારો જુદા-જુદા મતદાન કેન્દ્રોમાં વહેંચાઇ ગયા હતા. રવિવારની રજાને લીધે તળ સુરતના લોકો પર્યટન માટે પણ જતા રહેતા વોર્ડ નંબર 12માં સરેરાશ 41.26 ટકા વોર્ડનંબર-13માં 43.5 ટકા, વોર્ડનંબર 20માં 37.97 ટકા અને વોર્ડનંબર 21માં સૌથી ઓછુ 34.66 ટકા મતદાન રહ્યુ હતું. જોકે સાંજે 7 વાગ્યા સુધી બુથમાં મતદાન થયુ હોવાથી અંતિમ મત ગણતરીના આંકડાઓમાં એકથી દોઢ ટકા મતો વધી શકે છે. 2015ની સરખામણીએ 2021ની પાલિકાની ચૂંટણીમાં 6 લાખ મતદારો વધ્યા હતાં. જોકે, ફીક્કો પ્રચાર અને તેની સાથે મતદાન માટે પણ ફીક્કા માહોલની વચ્ચે પણ કુલ મતદાન 2015ની સરખામણીએ 2021માં 6 ટકા જેટલું વધતાં આશ્ચર્ય ફેલાયું હતું.