કપડવંજછ કપડવંજ પંથકમાંથી પસાર થતી નદીમાં હાલમાં પાણી જોવા મળતું નથી. જેનો ભૂમાફિયાઓ ગેરલાભ રહ્યા છે. આ ભૂમાફિયાઓ તંત્રની કોઇ પણ પ્રકારની મંજુરી વગર બેફામ પણે માટી અને રેતી ઉલેચી રહ્યાં છે. કપડવંજ તાલુકાની વિવિધ ગામોની નદી – તળાવમાંથી સતત ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું હોવાની બૂમો ઊઠી છે. ભુમાફિયાઓ દ્વારા રેતીની ચોરી કરી સરકારને રોયલ્ટી ચૂકવ્યા વિના જ મોટાભાગની ટ્રકો અને ટ્રેક્ટરો પંથક માંથી પસાર થઈ રહી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. કપડવંજ તાલુકાના પૂર્વ ગાળા તેમજ બીજા વિવિધ વિસ્તારોના તળાવમાંથી ગેરકાયદેસર માટીનું ખનન થઈ રહયુ હોવાનું લોક મૂખે ચર્ચાઇ રહ્યું છે.
જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પ્રશાસન તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે દોડતી રેતીની ટ્રકો અને ટ્રેક્ટરો ની તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે. વધુમાં જ્યારે તાલુકામાંથી કેટલીક ટ્રકો અને ટ્રેક્ટરો દ્વારા પંથકમાંથી પસાર થાય છે ત્યારે સરકારના નિયમો નેવે મૂકી ખનીજની ચોરી કરવામાં આવતી હોય છે તેમજ રેતી કપચીની ટ્રકો અને ટ્રેકટરો ઉપર તાડપત્રી પણ લગાવવામાં આવતી નથી. જેથી પાછળ આવતા વાહનોના વાહન ચાલકો તેમજ મુસાફરો ઉડતી રેતી અને ડસ્ટથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. કપડવંજ પંથકમાં થઈ રહેલા કોમર્શિયલ અને રહેણાંક બાંધકામોમાં મોટાભાગે રોયલ્ટી વગરની રેતી પહોંચી હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે.