Business

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ-ગેસના ભાવો ઘટવા છતાં કરન્સીઓના અવમુલ્યનથી ભાવો ઉંચા જ રહેશે

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા નવ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધના કારણે પશ્ચિમી દેશોમાં ઉર્જા અછત જોવા મળી રહી છે અને કેટલાક યુરોપિયન દેશો દ્વારા ગેસ કાપના લીધે ઔદ્યોગિક એકમો બંધ કરવાની ફરજ પડી છે. આમ, ઉર્જા સંકટ વધતું જોવા મળી રહ્યું છે. આ સંજોગોમાં આવનારા દિવસોમાં જીયો પોલીટીકલ ઇસ્યુ ખતમ થઇ જાય ત્યારબાદ ઉર્જા કટોકટી પણ રહેશે નહિં. આવા સંજોગોમાં પણ ભાવો ઉંચા જ રહેવાનું વૈશ્વિક એજન્સીઓ સંકેત આપી રહી છે.
જીયો પોલીટીકલ ઇસ્યુના લીધે મોંઘવારી દરમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, આ મોંઘવારીને નાથવા માટે સેન્ટ્રલ બેન્કો દ્વારા સતત વ્યાજદરમાં વધારો કરતાં જોવા મળી રહ્યા છે. જેના લીધે કરન્સીઓમાં પણ અવમુલ્યન થતું જોવા મળી રહ્યું છે. આમ, વ્યાજદરમાં સતત વધારો થઇ રહ્યો છે, જેના લીધે કરન્સીઓમાં અવમુલ્યન થતું જોવા મળી રહ્યું હતું, જેમાં હજુય વધઘટ થવાની પુરેપુરી શકયતા છે.

બીજી તરફ, ઊર્જાના વૈશ્વિક ભાવ આગામી બે વર્ષમાં ઘટવાનું અનુમાન છે, છતાં ભાવ ઐતિહાસિક સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઊંચા જ રહેશે, એમ વર્લ્ડ બેન્કે ઓકટોબર-2022 માટે જાહેર કરેલા કોમોડિટી માર્કેટસ આઉટલૂક રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ઘણા દેશોમાં જે તે દેશના ચલણના અવમૂલ્યનને કારણે સ્થાનિક ચલણની દ્રષ્ટિએ ભાવ ઉંચકાયેલા રહેશે અને તેને કારણે ખાદ્ય ચીજો તેમજ ઊર્જા કટોકટી વધુ ઘેરી બનવાની આશંકા છે.

વૈશ્વિક વિકાસમાં ઘટાડો વધુ તીવ્ર બનવાને કારણે કોમોડિટીના ભાવ આગામી બે વર્ષમાં ઘટવાની ધારણા છે, પરંતુ ભાવ પાંચ વર્ષની સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઊંચા રહેશે. ઊર્જાના ભાવ વર્ષ 2023માં 11 ટકા અને 2024માં 12 ટકા જેટલા ઘટવાનું અનુમાન છે. જોકે, આ ભાવ વર્ષ 2024 દરમ્યાન તેની પાંચ વર્ષની સરેરાશ કરતાં 50 ટકાથી વધુ ઊંચા રહેશે.
સતત મોંઘવારીના લીધે મંદીની આશંકા સેવાઇ રહી છે અને તેના પરિણામે ક્રુડ ઓઇલની માંગ ઘટવાની શકયતાએ ઉત્પાદન કાપ વચ્ચે પણ ક્રુડના ભાવમાં મોટો ઉછાળો આવવાની શક્યતા નથી.

બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ 2023માં બેરલ દીઠ સરેરાશ 92 ડોલર થવાનો અંદાજ છે, જે છેલ્લાં પાંચ વર્ષની સરેરાશ 60 ડોલર રહ્યો છે, જેથી ક્રુડ ઓઇલના ભાવ સરેરાશ પાંચ વર્ષની સરખામણીએ 30 ડોલરથી વધુ ઊંચો ભાવ હશે. જ્યારે 2024માં બ્રેન્ટ ક્રૂડ તેલ સરેરાશ 80 ડોલર પ્રતિ બેરલ રહેવાની ધારણા છે. આમ, ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો થશે, પરંતુ જે ઉછળી ચુક્યો છે તેની સામે નજીવો ઘટાડો કહી શકાય. જે એકંદરે ભાવ વૃદ્ધિ જ સુચવે છે.

કુદરતી ગેસ અને કોલસાના ભાવ વર્ષ 2023માં ઘટશે, પરંતુ ઓસ્ટ્રેલિયાના કોલસા અને અમેરિકાના કુદરતી ગેસના ભાવ પાંચ વર્ષની સરેરાશ કરતાં બમણા થવાની ધારણા છે. ઉપરાંત, 2023માં અનાજનો સપ્લાય ઘટતાં ફુગાવો વધશે.
વર્લ્ડ બેન્કે કહ્યું છે કે પહેલું તો, યુક્રેન અથવા રશિયાથી નિકાસ ખોરવાશે તો વૈશ્વિક અનાજ પુરવઠામાં ફરી ભંગાણ સર્જાશે. બીજું, ઊર્જાના ભાવમાં વધુ વધારાને કારણે અનાજ અને ખાદ્ય તેલોના ભાવમાં ઉછાળાનું દબાણ સર્જાશે.

ત્રીજું, પ્રતિકૂળ હવામાન. આ ત્રણેય કારણોના લીધે ઊપજ ઘટી શકે છે. 2023માં સળંગ ત્રીજા વર્ષે લા નિનાનું જોખમ તોળાઈ રહ્યું છે, જેના કારણે દક્ષિણ અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં મુખ્ય પાકોની ઊપજ ઘટવાની સંભાવના છે. વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિકમાં વિશ્વના લગભગ તમામ દેશોનો ખાદ્યાન્ન ફુગાવો બે આંકડામાં એટલે કે 10 ટકા કે તેથી વધુ નોંધાયો છે. સપ્ટેમ્બરમાં ભારતનો ખાદ્યાન્ન ફુગાવો વાર્ષિક ધોરણે 8.6 ટકા નોંધાયો હતો, કેમકે શાકભાજીના ભાવ 18.5 ટકા અને મરીમસાલાના ભાવ 16.88 ટકા વધ્યા હતા.

ઊર્જાનો અપેક્ષા કરતાં વધુ ભાવ વધારો ઊર્જા સિવાયની કોમોડિટીઝ, ખાસ કરીને ખાદ્ય ચીજોના ભાવવધારામાં પરિણમશે, જેને પગલે ખાદ્ય અસુરક્ષાને લગતા પડકારો વધુ લંબાશે. વિશ્વમાં ખાદ્ય ચીજોના ભાવ જો હજુ વધશે તો વિકસતા દેશોમાં ખાદ્ય અસુરક્ષાના પડકારો વધુ ઘેરા બનશે. પુરવઠાને અવિરત બનાવવા, વિતરણને સહાયક બનવા તેમજ વાસ્તવિક આવકને ટેકો આપવા માટે શ્રેણીબદ્ધ નીતિઓ આવશ્યક છે.
0000000000000

Most Popular

To Top