નડિયાદ: કઠલાલના રૂઘનાથપુરામા રહેતા ભોઈ પરિવારની બે પુત્રવધુને કરંટ લાગતા બંને મોતના મુખમાં ધકેલાઈ છે. દેરાણી-જેઠાણી પૈકી એક ઘરના છત પર કપડા સૂકવવા જતાં વીજ વાયરને અડકી જતાં વીજ કરંટ લાગ્યો અને, બીજી મહિલા બચાવવા જતાં તેને પણ કરંટ લાગતા બન્નેના કમકમાટીભર્યા મોત નિપજયા છે. દેરાણી-જેઠાણીને વીજ કરંટ લાગતા પરિવારના માથે આભ ફાટ્યું છે. કઠલાલના રૂઘનાથપુરામા રહેતા સુધાબેન દિલીપભાઈ ભોઈ (ઉ.વ.40) અને ભાવનાબેન વિક્રમભાઈ ભોઈ (ઉ.વ.32) બંન્ને દેરાણી જેઠાણીના સંબંધ ધરાવે છે.
આજે શુક્રવારે આ બંને મહિલા પૈકી એક મહિલા પોતાના ઘરની છત પર કપડા સૂકવવા ગઈ હતી. આ દરમિયાન એકાએક વીજ વાયરને અડકી જતા આ મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. મહિલાએ બુમરાણ મચાવતા ઘરમાં હાજર અન્ય એક મહિલા દોડી આવી હતી અને કરંટથી બચાવવા પ્રયાસ કરતા આ મહિલાને પણ વીજ કરંટ લાગ્યો હતો. ભોઈ પરિવારમાંથી બે મહિલાઓના મોત નિપજતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. આમ આ ઉપરોક્ત બંને દેરાણી-જેઠાણીને કરંટ લાગતા બંનેના મોત નિપજ્યા છે. ઘટના બાદ આસપાસના લોકો આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝેલી બંને મહિલાઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના ડોક્ટરે આ બંને મહિલાને તપાસતા મરણ જાહેર કરી હતી. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. ભોઈ પરિવારમાંથી બે મહિલાઓના મોત નિપજતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે. તો આ બનાવમાં 4 સંતાનો માંની મમતા છીનવાઈ છે. જેમાં ભાવનાબેનની એક દિકરી અને સુધાબેનના બે દિકરી તથા એક દિકરાનો સમાવેશ થાય છે. કઠલાલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ખાંટે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે. કરંટ લાગવાથી મોત નીપજ્યું હોવાનું તારણ છે. એફ.એસ.એલ.ની તપાસ બાદ આગળની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે.