સુરત: શહેરીજનોને છેતરવામાં લેભાગુ તત્વો કોઈ કસર છોડતા નથી. હવે આરટીઇમાં (RTE) પ્રવેશ કન્ફર્મ કરાવી આપતા લેભાગૂ તત્વો સક્રિય થયા છે. સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ બનાવીને વાલીઓને છેતરવાનો પ્રયાસ કરતી ગેંગને પકડવા માટે અંતે જિલ્લા શિક્ષણાધિકારી તેમની સ્પેશ્યિલ ટીમ સાથે મેદાનમાં ઊતર્યા છે. તેવામાં જ રવિવારે વાલીની ફરિયાદ આધાર પર આરટીઇમાં પ્રવેશ કન્ફર્મ કરાવતી એક ગેંગને પકડવા માટે જિલ્લા શિક્ષણાધિકારી ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનારા છે.
આરટીઇ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં ગરીબ બાળકોને ખાનગી સ્કૂલોમાં એડમિશન (Admission) આપવા માટેની કાર્યવાહીનો પ્રારંભ ગત સોમવારથી થયો છે. જે યોજનાથી માલેતુજાર સાથે મધ્યમ અને ગરીબ વર્ગના વાલીઓને છેતરવામાં આવી રહ્યાં છે. આરટીઇમાં પ્રવેશ મેળવ્યો હોયને કોઈ પણ ધોરણમાં શાળા બદલી આપવાના તેમજ નવા શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ મંજૂર કરી આપવાના મેસેજો ફેસબુક (Facebook), ઇન્સ્ટાગ્રામ (Instagram) અને વોટ્સ એપ (Whatsapp) સહિતના સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. જેમાં લેભાગૂ તત્વો ફોન નંબર પણ સામેલ હોય છે.
દરમિયાન આવી જ ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારી ડો. દિપક દરજીને મળી છે. જેથી તેમણે પોતાની સ્પેશ્યિલ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીને તે લેભાગૂ તત્વો વાલીઓને છેતરતી હોય તેવી પ્રાથમિક માહિતી મળી હતી. કોઈ પણ વાલીઓ લેભાગૂ તત્વોની છેતરામણીમાં આવી નહીં જાય એ માટે જિલ્લા શિક્ષણાધિકારીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.
વાલીઓને સ્પેશ્યિલ છેતરવા માટે આરટીઇ કાફે નામની વેબસાઇટ બનાવી!
ગુજરાત રાજ્યમાં આરટીઇના નામ પર વાલીઓને સ્પેશિયલ છેતરવા માટે આરટીઇ કાફે નામની વેબસાઇટ પર બનાવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં રૂ. 3 હજારમાં મનગમતી શાળામાં પ્રવેશ આપવાની લાલચ આપવામાં આવી રહી છે. ઉપરાંત પ્રવેશ કન્ફર્મ ના થાય તો રૂ. 1800 પરત આપવાની વાત પણ કરવામાં આવી છે. આ આખી વેબસાઇટ હેતલ સોની નામની યુવતી ચલાવતી હોવાનું બહાર આવ્યું છે. તે વેબસાઇટમાં ઓનલાઇન પેમેન્ટ ભરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
સર્વ શિક્ષા અભિયાનના નામ-લોગો સાથેની પત્રિકા તૈયાર કરી. સોશિયલ મીડિયા ફર ફરતી કરાઈ
ગુજરાત રાજ્યમાં આરટીઇના નામ પર વાલીઓને છેતરવા માટે સર્વ શિક્ષા અભિયાનના નામ-લોગો સાથેની પત્રિકા તૈયાર કરાઈ છે. જે સોશિયલ મીડિયા પર ફરતી કરાઈ છે. જેમાં મનગમતી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળામાં 100 ટકા પ્રવેશ આપવાની વાત કરવામાં આવી છે. તે સાથે બાયજુસ જેવી એપમાં ધોરણ-12 સુધી અભ્યાસ ફ્રી કરવાની પણ જાહેરાત કરાઈ છે.
બોગસ આવકના દાખલા બનાવનાર એજન્ટ પણ સક્રિય
સુરત શહેર જિલ્લામાં બોગસ આવકના દાખલા સાથે સાથે ઇડબલ્યૂએસ કેટગરીના સર્ટિફિકેટ બનાવનારા એજન્ટ પણ સક્રિય થયા છે. આ મામલે પણ જિલ્લા શિક્ષણાધિકારીની સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોર્ડ પર આવી ગયું છે. વાલીઓને છેતરનારી ગેંગ સામે ફરિયાદ માટેનો જિલ્લા શિક્ષણાધિકારીને નંબર પણ જાહેર કર્યો છે.
બોક્સ: આરટીઇમાં પ્રવેશ માટે વાલીઓએ ઓનલાઇન ફી કે કોઈ પણ લાલચમાં આવવું નહીં
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ અને પત્રિકા મામલે જિલ્લા શિક્ષણાધિકારી ડો. દિપક દરજીએ જણાવ્યું હતું કે આરટીઇમાં 100% પ્રવેશ મંજૂર કરાવી આપતી લેભાગૂ તત્વોની કોઈ પણ લાલચમાં આવી જવું નહીં. કોઈ પણ પ્રકારના આર્થિક લેવડ દેવડ ઓનલાઇન કે પછી ઓફલાઇન કરવી નહીં. આરટીઇને લગતી તમામ માહિતી આરટીઇની જ ઓફિશ્યલ ઓનલાઇન વેબસાઇટ પર જોવી. આરટીઇમાં શાળા બદલી આપવાની કે પછી મનગમતી શાળામાં પ્રવેશ મંજૂર કરાવી આપતી કોઈ પણ પોસ્ટ જણાય આવે તે ડીઇઓ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ કરવી. જેથી કોઈ પણ વાલી છેતરાઈ નહીં. ઉપરાંત હેલ્પ લાઇન નંબર 70460-21022 પર ફરિયાદ કરી શકશે.