Gujarat

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસના દેખાવો, ચક્કાજામ કરાયા

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગઇકાલે મોડી રાત્રે આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદના સારંગપુર સર્કલ ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત હજારોની સંખ્યામાં કાર્યકરો ધરણા પર બેઠા હતા અને ભાજપ સરકાર વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યો હતો.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગઇકાલે મોડી રાત્રે આસામ પોલીસે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયામાં એક ટ્વિટ કરવાના મામલે આસામમાં ફરિયાદ દાખલ થઇ હતી. આ ફરિયાદના મામલે આસામ પોલીસ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગઇકાલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી, અને વહેલી સવારે વિમાનમાર્ગે તેઓને આસામ લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાના ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આ ઘટનાનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. મોડી રાતથી જ કોંગ્રેસના કાર્યકરો અને જીગ્નેશ મેવાણીના સમર્થકો મોટી સંખ્યામાં વિમાની મથક ખાતે પહોંચી ગયા હતા, અને સરકાર વિરુદ્ધ ભારે દેખાવો કરી હોબાળો મચાવ્યો હતો.

આજે સવારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમદાવાદ શહેર કોંગ્રેસ અધ્યક્ષ નીરવ બક્ષી, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ સિદ્ધાર્થ પટેલ સહિત અનેક દિગ્ગજ અગ્રણીઓ કાર્યકરો અને જીગ્નેશ મેવાણીના સમર્થકોએ સારંગપુર સર્કલ ખાતે ધરણા પ્રદર્શન યોજી દેખાવો કર્યા હતા. આ સમયે ઉપસ્થિત હજારો કાર્યકરોએ સરકાર વિરુદ્ધ તેમજ પોલીસ વિરુદ્ધ નારેબાજી કરી દેખાવો યોજાયા હતા. કોગ્રેસના કાર્યકરો અને જીગ્નેશ મેવાણીના સમર્થકોએ ભારે સુત્રોચ્ચાર કરી ચક્કાજામ કરીને કલાકો સુધી રસ્તા જામ કર્યાં હતા. સારંગપુર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ભારે મથામણ પછી પોલીસે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.

Most Popular

To Top