Vadodara

મંદિરો તોડી પાડવાના મામલે દિવસે દિવસે વધતો જતો જનઆક્રોશ

વડોદરા : વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સૌથી લાંબા નિર્માણધીન ઓવરબ્રિજમાં નડતરરૂપ મંદિરો ધ્વસ્ત કર્યા બાદ પોલીસ ચોકી તેમજ વિશાળ લીમડાનું વૃક્ષ પણ પોલીસની હાજરીમાં હટાવી લેવામાં આવ્યું છે. જેને લઈ લોકોમાં પાલિકાના વિરુદ્ધ આક્રોશ વધવા માંડ્યો છે. સંસ્કારી નગરી વડોદરા મહાનગર પાલિકામાં સત્તા પર બેઠેલા શાષકો દ્વારા લેવાયેલા અણઘડ નિર્ણયને પગલે હિન્દુ સમાજમાં વિરોધનો સુર રેલાયો છે. ગત 12મી મેના રોજ મધરાત્રીએ ઓલ્ડ પાદરા રોડ પર ઓવરબ્રિજને નડતરરૂપ અને ટ્રાફિકના બહાના હેઠળ ત્રણ મંદિરો પર બુલડોઝર ફેલાવી દેવાયું હતું.જેના કારણે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

રામના નામે ,હિન્દુત્વના નામે વોટ માંગી સત્તા પર બેઠેલા સત્તાધ્ધિશોએ જ મંદિરો ધ્વસ્ત કરી દેતા તંત્ર પ્રત્યે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.શનિવારે રાત્રી દરમિયાન બ્રિજ પાસે એક વિશાળ લીમડાનું વૃક્ષ હટાવી રહ્યા હોવાની માહિતી મળતા યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા સ્થળ પર પહોંચ્યા હતા.અને વર્ષોજુના લીમડાના વૃક્ષને હટાવવાની કામગીરીનો વિરોધ કર્યો હતો.વિરોધ થતા પોલીસ દોડી આવી હતી.જોકે પોલીસની હાજરીમાં જ વૃક્ષ કાપવાની કામગીરી પૂર્ણ કરી દેવાઈ હતી.જ્યારે ગેંડા સર્કલ તેમજ હેવમોર રોકસ્ટાર જંક્શનની કામગીરી ઝડપથી શરૂ કરી શકાય અને ટ્રાફિકની સલામતી જળવાઇ રહે તે માટે નિર્ણય લેવાયો છે. રોક સ્ટાર જંક્શન ખાતે કામ હાથ ધરવામાં આવનાર છે.

તા.16ની મધ્યરાત્રિથી તા.15 ઓગસ્ટ સુધી ટ્રાફિકની અવરજવર માટે બંધ કરાશે.રોક સ્ટાર ખાતેનો રસ્તો બંધ થનાર હોવાથી તેનું ડાયવર્ઝન મલ્હાર પોઇન્ટ ચાર રસ્તા તરફ અપાયું છે.નોંધનીય છે કે પાલિકા તંત્ર દ્વારા વિસ્તારના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વિના મંદિરો તોડી પાડવના બનાવમાં પૂજારી ભીખાભાઇ બારીયાએ મેયર,મ્યુનિસિપલ કમિશનર,દબાણ શાખાના અધિકારી તેમજ અન્ય એક કર્મચારી સામે હિન્દુઓની લાગણી દુભાવવા બદલ ગુનો નોંધવા અરજી આપી છે.

જોકે પોલીસ મથકમાં આવતી અન્ય અરજીઓની માફક પડી રહેશે કે પૂજારીએ આપેલી અરજી સામે કોઈ કાર્યવાહી થશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.જ્યારે બીજી તરફ શાષકોને તેમની માનસિકતાનું ભાન કરાવવા માટે આજે શહેરના વિવિધ સંગઠનો ,રાજકીય પાર્ટીના અગ્રણીઓ સહિત નગરજનો એકત્ર થઈ હિન્દુ વિરોધી કૃત્ય કરનાર પાલિકાના શાષકો અને અધિકારીઓના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરશે.

વાજપેયીજીના-મોદીજીના સમયમાં મંદિરોના નિર્માણનો વિષય હતો.જ્યારે આ લેટેસ્ટ યુગમાં મેયર નવી ભાજપ લાવી રહ્યા છે
વડોદરાના જે નવનિયુક્ત મેયર છે,એ હજી બાળપણમાંથી જ હમણાં બહાર આવ્યા હોય એમ લાગી રહ્યું છે.તેઓ જ્યારથી આવ્યા ત્યારથી વિકાસના નામે મંદિરો દૂર કરી રહ્યા છે.અને દરેક જગ્યાએ અલગ-અલગ નીતિ અપનાવી રહ્યા છે.સુરસાગર ખાતે પણ તેજ સ્થળે મંદિર બનાવ્યા.અહીંયા પણ મૂર્તિઓ બીજે આપી દીધી.પોલીસ ચોકી પણ હટાવી ભાથુજી દાદા હનુમાન દાદા સાથે હતા એ પણ હટાવ્યા ,એટલે કે ભાથુજી દાદા હનુમાન દાદા અને પોલીસ દાદા જે વચ્ચે નડતરરૂપ છે એ હટાવ્યા.પરંતુ અહીંયા જે રોકી દાદા છે એટલે કે રોક સ્ટાર સર્કલ તે અડીખમ છે.એના પરથી સાબિત થાય છે કે આ જે મેયર છે એ નવી લેટેસ્ટ ભાજપ લાવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.પહેલાના સમયમાં વાજપેયીજી ના સમયમાં અને મોદીજીના સમયમાં મંદિરોના નિર્માણનો વિષય હતો.જ્યારે આ લેટેસ્ટ યુગમાં રોકી દાદાના યુગ માં જઈ રહ્યા છે.બધી વાત બરાબર.પરંતુ વિકાસની રીતે વિકાસ થવો જોઇએ સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ જે છે વર્ષ બે હજાર પહેલાના જે મંદિરો ધાર્મિક સ્થાનો છે તે ન હટાવવા જોઈએ અને તે નિર્ણયનું પાલન થવું જોઈએ.પરંતુ જોઈએ આગળ જતાં આ રોડ પર વર્ષો જૂનું હનુમાનજી દાદાનું મંદિર 1964 થી આવેલું છે અને જો એ હટશે તો અમે કોર્ટમાં કન્ટેમ્પ ફાઇલ કરીશું. –  અરવિંદ સિંધા ,આરટીઆઈ એક્ટિવિસ્ટ

માનસિકતા ખબર પડે એ માટે એક જૂથ થઈ રજૂઆત કરીશું
શહેરના સાધુ-સંતો તમામ હિન્દુ સંગઠનો આગેવાનો તમામ ધર્મના લોકો યુવક મંડળના લોકો પોલિટિકલ પાર્ટીના જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓના અગ્રણીઓ આગેવાનો કાર્યકર્તાઓ ભેગા થઈને જે કોઈ પણ આ રીતે હિન્દુ વિરોધી કૃત્ય કરી રહ્યા છે. તેમના વિરોધમાં સખતમાં સખત પગલાં લેવાય સાથે મંદિર બનાવવાની જગ્યા મંદિરના સ્થળની આજુબાજુમાં જે નડતરરૂપ ના હોય એની ફાળવણી કરે એવી ઉગ્ર રજૂઆત અને માંગ સાથે શહેરના તમામ લોકો ભેગા થઈ કલેકટરને રજૂઆત કરવાના છે. જેથી હિન્દુ દેવી દેવતા વિરુદ્ધ એક પણ ઈંટ અડતા પહેલા અધિકારીઓના પગ ધ્રુજે અને આવા ઓર્ડરો આપવાવાળા ખુરશીના જે સત્તાધારી લોકો છે એમને પણ એમની માનસિકતા ખબર પડે એ માટે એક જૂથ થઈ રજૂઆત કરીશું – સ્વેજલ વ્યાસ,ટીમ રીવોલ્યુશન

Most Popular

To Top