સુરત (Surat): એક તરફ વિશ્વમાં જૂની હેરિટેજ (Heritage) મિલકતોને (Property) જાળવવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ચોકબજારમાં (Chowk) આવેલી જૂની સિવિલ હોસ્પિટલની (Old Civil Hospital) હેરિટેજ વેલ્યુ અને લૂક ધરાવતી બિલ્ડિંગનું ગત મંગળવારે સંપૂર્ણ ડિમોલિશન (Demolition) કરી દેવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગના સ્થાને નવી બિલ્ડિંગમાં એક આયુર્વેદિક કોલેજ (Ayurvedic College) અને 50 બેડની હોસ્પિટલ બનાવવામાં આવનાર છે. સરકારે ધાર્યુ હોત તો આ હેરિટેજ બિલ્ડિંગને બચાવી શકી હોત પરંતુ તેનું ધ્યાન રખાયું નહી અને હવે આ બિલ્ડિંગ નામશેષ થઈ જવા પામી છે.
- સને 1862માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલી આ બિલ્ડિંગનો શરૂઆતમાં અલગ ઉપયોગ થતો હતો
- 60 વર્ષ પહેલા આ બિલ્ડિંગમાં સરકારી હોસ્પિટલ શરૂ કરાઈ હતી, જર્જરીત થતાં તંત્રએ તેને સાચવવાને બદલે ઉતારી નાખી
- આ જગ્યા પર હવે સરકાર દ્વારા 100 બેડની આયુર્વેદિક અને 50 બેડની સબડિસ્ટ્રિક્ટ હોસ્પિ. બનાવાશે
સુરત મહાપાલિકા (SMC) દ્વારા જે હેરિટેજ ચોક બનાવવામાં આવી રહ્યો છે તે ચોકમાં જ આવેલી આ બિલ્ડિંગ વર્ષ-1862માં અંગ્રેજોના (Angrej) સમયમાં બની હતી. આ બિલ્ડિંગનો ઉપયોગ અંગ્રેજો સહિત ગુજરાત સરકારે (Gujarat Government) વખતોવખત પોતાની રીતે કર્યો હતો. છેલ્લે 60 વર્ષ પહેલાં તેમાં સરકારી હોસ્પિટલ શરૂ કરાઈ હતી. જ્યારે તેમાં હોસ્પિટલ શરૂ કરાઈ ત્યારે સુરત શહેરનો વિસ્તાર અને વસતી ખૂબ જ ઓછી હતી. ત્યાર બાદ સુરતનો વિસ્તાર અને વસતી વધતા જતા ચોકબજારમાં આવેલી હોસ્પિટલ નાની પડવા લાગી હતી. ત્યાર બાદ સરકારે 1968માં રિંગ રોડ પર મજૂરાગેટ પાસે નવી સિવિલ હોસ્પિટલ બનાવી હતી. ત્યારથી ચોકબજારની હોસ્પિટલ જૂની સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાવા લાગી હતી.
આ હોસ્પિટલમાંથી કેટલાક વિભાગો જૂની સિવિલ હોસ્પિટલમાં જ ચાલતા હતા. આ બિલ્ડિંગ ખૂબ જ જૂની અને હેરિટેજ લૂક અને વેલ્યુ ધરાવતી હતી. વર્ષ-1995માં આંખ અને દાંતના વિભાગ સિવાય તમામ વિભાગો નવી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ એસવીએનઆઈટીએ 2019માં બિલ્ડિંગ જર્જરિત હોવાનો રિપોર્ટ આપ્યો હતો. ત્યાર બાદ આ બિલ્ડિંગને તાળું મારી દેવાયું હતું. બાદ સરકારે તે બિલ્ડિંગને તોડીને તેના સ્થાને 100 બેડની નવી આયુર્વેદિક કોલેજ અને 50 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવનાર છે. ખાસ નોંધનીય છે કે, સરકાર હેરિટેજ વારસો સાચવવા મથી રહી છે, ત્યારે આ હેરિટેજ વેલ્યુ ધરાવતી બિલ્ડિંગનું ડિમોલિશન કરી નાંખ્યું છે. સરકારે ધાર્યુ હોત તો કિલ્લાની જેમ આ હેરિટેજ બિલ્ડિંગની પણ જાળવણી કરી શકાય હોત.
આ હેરિટેજ બિલ્ડિંગ પર અગાઉ વેધર કોક પણ હતો
જ્યારે હવામાનને માપવાના કોઈ જ આધુનિક સાધનો નહોતા ત્યારે આ બિલ્ડિંગ પર જે તે સમયે વેધર કોક મુકવામાં આવ્યો હતો. આ વેધર કોક દ્વારા હવામાન અને પવનની ઝડપ તેમજ દિશા માપી શકાતી હતી. જોકે, વેધર કોક ક્યારે ગાયબ થઈ ગયો તેની કોઈને જાણ નથી અને હવે આ બિલ્ડિંગ પણ નામશેષ થઈ જવા પામી છે.