વડોદરા: ધોરણ-10નું પરિણામ આવી ગયું છે. તેથી હવે ડિપ્લોમાના અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ત્યારે વડોદરાની એમ.એસ.યુનિ.ની પોલિટેકનિક કોલેજ ખાતે ધોરણ-10ના ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો નથી. યુનિવર્સિટીના એડમિશન માટેના પોર્ટલ પર ધોરણ-10ના વદ્યાર્થીઓએ પ્રથમ વર્ષ ડિપ્લોમા કોલેજ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે અને પરિણામ સહિતના દસ્તાવેજો પણ અપલોડ કરવામાં આવી રહયા છે.
ત્યારે હવે જલદીથી પ્રવેશ પ્રક્રિયાનો આરંભ કરવા માટે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા પોલિટેકનિક સ્ટુડન્ટ યુનિયન દ્વારા પોલિટેકનિક કોલેજના ડિનને આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ધોરણ-10ના પરિણામ આવ્યા બાદ રાજય સરકાર દ્વારા િડપ્લોમાના પ્રવેશ માટેની મેરિટલિસ્ટ હજી સુધી બહાર પાડવામાં આવી ન હોવાથી આ મામલે એ.જી.એસ.જી.ના વિદ્યાર્થી અગ્રણી પંકજ જયસ્વાલની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા પોલિટેકનિક કોલેજના ડીનન આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
એમ. એસ. યુનિવર્સિટીમાં વડોદરા શહેર ઉપરાંત બહારગામના વિદ્યાર્થીઓ પણ ભણવા આવતા હોવાથી બધા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મૂકાઈ ગયા છે કે તેમને પ્રવેશ કયારે મળશે ? મેરિટ લિસ્ટ કયારે બહાર પડશે ? કેટલા ટકાએ પ્રવેશ મળશે ? આ તમામ મહત્વની બાબતોની જાણકારી પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને મળી શકે તે માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત ઓનલાઈન હેલ્પ નંબર પણ શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુંઝવણ હોય તો ઉકેલ મેળવી શકે. પોલિટેકનિક કોલેજના ડીન દ્વારા સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરીનેે વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.