નડિયાદ: નડિયાદમાં મોરબીવાળી ન થાય તે માટે મિશન બ્રિજ માટે રાજકીય મોરચે લડાઈ શરૂ થઈ છે. દાંડીરૂટમાં આવતો નડિયાદનો સૌથી જૂનો અને ખૂબ જ મહત્વનો ગણાતો મિશન બ્રિજ ઘણા વર્ષોથી જર્જરીત હાલતમાં છે. પ્રશાસન દ્વારા સમારકામના નામે આ બ્રિજના રોડ પર માત્ર ડામર પાથરી દઈ શાબાશી લેવાનો પ્રયાસ થતો રહ્યો છે. જો કે, આ બ્રિજ પર આજુ બાજુ બનાવાયેલી ફૂટપાથ અને બ્રિજની બંને બાજુના સંરક્ષણ રેલિંગ અત્યંગત જર્જરીત બન્યા છે. જ્યાં હોનારત થાય તેવી વકી છે.
નડિયાદના સરદાર ભવનથી મિશન રોડને જોડતો રેલવે ઓવરબ્રિજની શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને જર્જરીત બ્રિજનું વહેલીતકે રીપેરીંગ કામ કરવાની માગણી કરી છે અને બ્રિજ આવનાર સમયમાં રીપેરીંગ નહીં કરવામાં આવે તો શહેર કોંગ્રેસ આ બ્રિજને બંધ કરવાની ચિમકી ઉચ્ચારી છે. દાંડીરૂટમાં આવતો અને નડિયાદનો સૌથી જુનો રેલવે બ્રિજ હાલ જર્જરિત અવસ્થામાં છે. રોડની બંને બાજુ ફુટપાથને ખોદી નાખ્યા પછી એનું શું કરવું એનું પુરાણ કરવું કે ના કરવું એની ઉપર બ્લોક પણ નાખવામા આવ્યા નથી. દાંડીમાર્ગના અધિકારીઓ, પીડબ્લ્યુ.ડી, નડિયાદ નગરપાલિકા તંત્ર સહિતની બેદરકારી સામે આવી હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે. બ્રિજ જર્જરિત અવસ્થામાં હોવાથી તેનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગણી કરી છે.